એક વેપારી શેઠ હતા. ઈમાનદારીથી પોતાનો વેપાર કરતા અને હરિભજનમાં મસ્ત રહેતા.સર્વત્ર તેમની ઈમાનદાર વેપારી તરીકેની ખ્યાતિ ફેલાયેલી હતી. રોજ સવારે પૂજા પાઠ કરી નિયત સમયે દુકાન ખોલતા અને બધા જ ગ્રાહકો સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરતા અને પોતાનું કામ કરતા રહેતા. વેપારીના દીકરાઓ હવે મોટા થઇ ગયા હતા અને તેમણે દુકાનની જવાબદારી બરાબર સાંભળી લીધી હતી.
વેપારી પરથી કામનો ભાર ઓછો થઇ ગયો હતો.વેપારી શેઠ ઘણી વાર વિચારતા કે હવે મારી ઉંમર ૬૦ વર્ષની થઇ. દુકાનની ઝંઝટમાંથી છૂટવું છે અને બધું કામકાજ છોડી બસ પ્રભુસેવા અને જનસેવામાં તન મનથી જોડાવું છે. પણ શેઠ માત્ર આવું વિચારતા ,અમલ કરી શકતા નહિ. તેમનું મન પાછું સંસાર, ઘર, ગૃહસ્થીની ચિંતામાં પરોવાઈ જતું. તેઓ વિચારતા, હજી ઘણી જવાબદારી છે. મારા દીકરા હજી નવો નવો વેપાર સંભાળે છે. તેમનાથી કોઈ ભૂલ ન થાય તેનું ધ્યાન મારે રાખવું પડશે. મારા દીકરાઓના દીકરાઓને મારે વેપાર કરતાં શીખવવું પડશે.તેમનાં લગ્ન કરવાં પડશે. આ બધું પાર પડે પછી હું મારી જવાબદારીઓમાંથી મુક્ત થઇ શકીશ.
એક દિવસ સવારે શેઠજી ઈશ્વરભજનમાં પણ જોડાવું છે,જનસેવા કરવી છે અને જવાબદારીઓ પણ છે શું કરવું? કેમ કરવું?….વિચારતાં વિચારતાં દુકાને જઈ રહ્યા હતા. ખાલી રસ્તામાં વિચારોમાં મગ્ન રસ્તાની વચ્ચે ચાલી રહ્યા હતા. સામેથી સફાઈ કરનાર ઝાડુવાળી બાઈ કચરો વાળી રહી હતી. તે બૂમ પાડી ને બોલી,’શેઠજી, સંભાળો. એક બાજુ થઇ જાવ, વચ્ચે રહેશો તો તમારી પર ધૂળ ઊડશે. આ બાજુ અથવા પેલી બાજુ એક બાજુ જતા રહો.’ સફાઈ કરતી બાઈના આ એક વાક્યે શેઠજીની આંખો ખોલી નાખી. હવે શેઠજીના મનની મૂંઝવણ દૂર થઇ ગઈ હતી.
રસ્તાની એક બાજુથી ચાલીને શેઠજી દુકાને પહોંચ્યા. બંને દીકરાઓને બોલાવ્યા. દુકાનની ચાવી, ગલ્લાની ચાવી, બધા હિસાબના ચોપડા તેમણે દીકરાઓને સોંપી દેતાં કહ્યું,બે નાવમાં સવાર કરનાર ડૂબી જાય છે. મેં ૬૦ વર્ષ પૈસા કમાવામાં પૂરાં કર્યાં. હવે હું માત્ર હરિભજન કરવા માંગું છું. આ બધી જવાબદારી હવે તમે સંભાળો.’ દીકરાઓને બધી જવાબદારી સોંપી શેઠજી હરિભજનમાં રત થઇ ગયા અને ભગત શેઠ તરીકે ઓળખાવા લાગ્યા. એક સામાન્ય સફાઈ કરવાવાળી બાઈના એક વાક્યે જીવનની સાચી સમજ આપી અને એક વાક્યથી એક ક્ષણમાં જીવનનો રસ્તો બતાવી દીધો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
