કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓને મોતને ઘાટ ઊતાર્યા. આ ઘટના પછી દેશભરનાં એરપોર્ટ, રેલવે સ્ટેશનો પર કડક સલામતિ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભારતીય સેનાએ મિસાઈલ હુમલાથી જડબાંતોડ જવાબ આપ્યો અને આતંકી-છાવણીનો ખાતમો બોલાવ્યો, યુધ્ધ જેવી સ્થિતિ હતી. ભારતે સિંધુ નદીનું પાણી પાકિસ્તાનને નહીં આપવાનું નક્કી કર્યું છે. એટલે પાકિસ્તાન પણ ભારતના સિંચાઈ ડેમો પર હવાઈ હુમલો કરીને ઉડાડી દે તેવો ભય છે.
આથી સરકારે સિંચાઈ-ડેમોની સુરક્ષા બાબતે ગંભીરતા સમજવી જોઈએ. આથી કેન્દ્ર સરકારે તથા ગૃહ મંત્રાલયે સુરત જિલ્લાના ઉકાઈ-ડેમ કાકરાપાર વિયર, ભરૂચ જિલ્લાના સરદાર સરોવર (નર્મદા ડેમ) તથા વિશ્વની અજાયબી એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવાં જાહેર સ્થળોની સલામતી માટે કડક સુરક્ષા માટે હથિયારધારી કમાન્ડો તૈનાત કરવા જોઈએ. હાલ યુધ્ધવિરામ છે. પરંતુ નાપાક પાકિસ્તાન અને આંતકીઓનો કદી ભરોસો થાય તેમ નથી. શું સરકાર ગંભીરતા બતાવશે?
તરસાડા – પ્રવીણસિંહ મહિડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ફેમિલી ડૉક્ટર ડે 19-મે
ફેમિલી ડોક્ટર એ ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ હોય છે. તે દરેક કુટુંબને ખૂબ અંગત રીતે અને બહુ નજીકથી ઓળખે છે. સમાજમાં ધીમે ધીમે ફેમિલી ડૉક્ટરનું પ્રમાણ ઓછું થતું જાય છે. આજે 80 થી 85 % ડૉક્ટર્સ કન્સલ્ટન્ટ છે અને 10-12% ફેમિલી ડૉક્ટર તરીકે સેવા આપે છે. દરેક ફેમિલી ડોક્ટર દરેક કુટુંબને વ્યક્તિગત રીતે ખૂબ જ અંગત રીતે અને પૂરેપૂરી રીતે ઓળખતા હોય છે, જાણતા હોય છે. તેઓ તમારા કુટુંબની પરિસ્થિતિ અને કુટુંબના દરેક સભ્યો સાથે પૂરેપૂરા પરિચિત હોય છે અને તેઓ દર્દીઓના દર્દને ઓછી દવાથી, ઓછા ઇન્વેસ્ટિગેશન કરાવીને ખૂબ નજીવા દરે સારા કરે છે. તેઓ દરેક કુટુંબના લગભગ ત્રણથી ચાર પેઢી સાથે સંકળાયેલા હોય છે.
સૌ પ્રથમ હંમેશા ફેમિલી ડોક્ટર પાસે જ જવું ત્યારબાદ એની સલાહ અનુસાર જ જો તમે આગળ વધશો તો ઘણો ફાયદો થશે. કોરોના કાળ દરમિયાન ફેમિલી ફિઝિશિયને દર્દીઓને આપેલી સેવા ખરેખર અદ્ભુત હતી. ખૂબ જ ઓછા ખર્ચે અને ઓછા ઇન્વેસ્ટિગેશનથી કોરોનાનાં દર્દીઓને ઘરે જ સારવાર આપીને સારાં કર્યાં હતાં, જે સોસાયટીને માટે આશીર્વાદરૂપ સાબિત થયા હતા. તમે ફેમિલી ડોક્ટરને જુઓ છો કે એના દવાખાનાનાં પગથિયાં ચડો છો. તમને સારું જ થઈ જાય છે. ફેમિલી ડોક્ટર તમારી સાથે હોય છે તો તમે સલામતી, હૂંફ અને ખૂબ જ સાંત્વના અનુભવો છો.
સુરત – ડૉ. ચંદ્રેશ જરદોશ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.