Comments

સમજી લ્યો, શાકાહાર વધશે તો પશુહત્યા ઘટશે

ડાર્વિન કહે છે કે માનવશરીરના વિકાસનાં પૂરોગામી (Predecessor) વાનર છે એટલે કે હાલનું માનવશરીર અગાઉ વાંદરાના શરીરનું ઉત્ક્રાંતિ સ્વરૂપ છે જ્યારે મનુષ્યના સાંસ્કૃતિક વિકાસની ઉચ્ચ ગુણવત્તા માટેનું શ્રેય ગાયને મળવું જોઈએ. બીજાં જાનવરોની તુલનામાં આપણી આધ્યાત્મિકતામાં ગાય સૌથી નજીક છે. આવું કેમ? એવું હશે કે આપણા વિકાસમાં ખેતીનું પ્રાધાન્ય હોવાને કારણે આપણે ગાયને માતાનું સ્થાન આપ્યું હશે? અને જો માતાનો દરજ્જો આપ્યો હોય તો ગૌહત્યા બાબતે શું વિચારવું જોઈએ? જ્યારે ચાર્લ્સ ડાર્વિને જાહેર કર્યું કે ચોક્કસ પ્રકારની વાનર જાતિનો એક વિશિષ્ટ પ્રક્રિયામાંથી હજારો વર્ષોના ફેરફારોને અંતે હાલનું માનવશરીર બન્યું છે ત્યારે માનવ જે ભગવાનને પોતાનો સર્જનહાર માનતો હતો તેણે વાનરને પોતાનો પિતાતુલ્ય કેવી રીતે સ્વીકારી લીધો?

કિન્તુ ડાર્વિને મનુષ્યશરીરના આખરી ઘડતર (evolution theory) અંગેના વૈજ્ઞાનિક સિધ્ધાંતોના કેટલાક તાર્કિક પુરાવા રજૂ કર્યા જેથી તે હકીકત આખરે સ્વીકૃતિ પામી છે અને શારીરિક અને માનસિકતામાં એટલી હદે સામ્ય જણાઈ છે. ડાર્વિનના દાવાને નકારવો લગભગ અશક્ય બને છે. વળી આ બદલાવ હજારો વર્ષોનો અને ક્રમિક હશે એ ટૂંકા ગાળાનું રૂપાંતર નહિ હોઈ શકે. જો ડાર્વિનને હનુમાનના પ્રગટ રૂપની જાણ થાત તો ડાર્વિનની હયાતિમાં જ તો ડાર્વિનની શોધને ઘણું સાત્ત્વિક બળ મળતે.

બૌધ્ધ ધર્મમાં જેને “જાતિ સ્મરણ”કહે છે તેના આધારે ભૂતકાળના પાછલા બનાવોના (retrospective) અધ્યયનથી થયેલ અનુભૂતિ પર આવી વાતો આધારિત છે. ખેતીપ્રધાન સંસ્કૃતિમાં ગાયનું ઘણું મહત્ત્વ છે છતાં બળદ (bull)ને કયાંય પિતા નથી ગણાયો. કશુંક ફાયદાકારક હોવાથી જ તેનું સામાજિક રીતે મહત્ત્વ પ્રમાણિત નહીં કરી શકાય. ઉપયોગિતા અને માતૃત્વને કોઈ સંબંધ નથી. આધુનિક જમાનામાં ટ્રેન, એરોપ્લેન, કોમ્પ્યુટર જેવાં અને સતત ઉમેરાતાં જતાં સંસાધનો આપણા વિકાસના પાયા સમાન છે કિંતુ તેનું સ્થાન ગાયને મળેલ આટલા પવિત્ર દરજ્જા માટે ઘણો જુદો અભિગમ આપમેળે પ્રગટે છે. પ્રાણીજગતમાં ગાય જેટલું વિકસિત કોઈ પણ પ્રાણી નથી. આ ગાયનો એક સાંસ્કૃતિક વિકાસ છે.

કોઈ પણ જાનવર કરતાં ગાયની આંખોમાં અનેકગણી વધુ, કાંઈક અનોખી શાંતિ અને સંસ્કારિતાનાં સ્પષ્ટ દર્શન થાય છે. ગાય કાંઈક પરોપકારિક અને સ્થિર દયનિયતાનો અનુભવ જરૂર પમાડે છે. આથી ઉલ્ટું વાનર અત્યંત અસ્થિર અને સતત ઝડપી હલનચલનના આવેશમાં હોઈ તીવ્ર ચંચળતા ઉપરાંત પ્રતિકારક ઝનૂન દાખવતો હોય છે. જાણે તે પોતાની જ શરીરરચનાથી વ્યથિત છે.

હિંદુ ધર્મમાં આવાં કેટલાંક અવલોકનોને ચોક્કસ સ્થાન અપાયેલ છે જે મુજબ આવી સરખામણીમાં માછલી (fish)ને ઈશ્વરનો સૌ પ્રથમ અવતાર ગણવામાં આવ્યો છે. જીવવિદ્યા (biology)ના શોધાયેલ સિધ્ધાંતો મુજબ “પૃથ્વી પર જીવંતતાનું પ્રથમ સોપાન માછલી છે.” પશ્ચિમના દેશો દ્રવ્ય અથવા પદાર્થ (substance)માં જ વિશ્વાસ ધરાવે છે. ભારત આત્માના આધ્યાત્મિક, નૈતિક સ્વરૂપમાં (Moral formation) આસ્થા ધરાવે છે.

આ સંદર્ભે ગાયની હત્યા બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ. ગૌહત્યા જ નહીં કોઈ પણ પ્રકારની હત્યાનો વિરોધ અત્યંત આવશ્યક છે. જો કે ગૌહત્યા ઉપરાંત માનવીની બીજી અનેક ચીજોની ફેશનની લેધર બનાવટો માટે પણ મોટા પાયે પશુહત્યા અવિરત ચાલુ છે. પરંતુ આવી હત્યાને વાસ્તવિકતા સાથે જોડીને વિચારવું પણ એટલું જ જરૂરી બને છે. માંસાહારના વિરોધથી કોઈ ફરક પડે શકે એમ નથી. હક્કીત સ્પષ્ટ છે કે ગમે તેવા વિકાસ છતાં દુનિયાની સંપૂર્ણ માનવવસ્તી માટે શાકાહારી આહાર પૂરો પાડવાની ક્ષમતા હજુ આજે પણ શક્ય નથી બની શકી.

જગતની વસ્તીની વાત છોડો, કોઈ પણ એક માત્ર દેશની વસ્તીને પણ સંપૂર્ણ શાકાહાર પરની નિર્ભરતા અશક્ય છે. એક પ્રાયોગિક ધોરણે દબાણપૂર્વક કયાંય પણ શાકાહારનો જ કાયદો કરાય તો ત્યાં ભૂખમરો નિશ્ચિત બનશે, એ સમજ પણ અત્યંત આવશ્યક બને છે. જ્યાં સુધી અનાજ, શાકભાજી, દૂધ યા માનવાહાર માટે યોગ્ય ખાદ્ય પદાર્થ આખી દુનિયાને માટે ઉત્પન્ન નહીં કરી શકાશે ત્યાં સુધી નોન વેજીટેરિયન ફુડનું મજબૂત સામ્રાજ્ય જળવાઈ રહેશે એટલું જ નહીં, કદાચ એ એક ઉપકારક પરિસ્થિતિ જેવી યા ભેટ સમાન ગણવી પડે એમ છે.

કદાચ કલ્પી શકાય કે પાણીની જેમ માનવ અસ્તિત્વની ખોરાકી જરૂરિયાત માટે યુધ્ધો લડાઈ શકે છે. મોટા પાયે મનુષ્યવધની જરૂરિયાત ઊભી થાય તો ભૂખ સાથે મનુષ્ય સત્યાગ્રહ જેવી ચળવળો નથી કરી શકવાનો એ નગ્ન સત્ય છે. હવેના સમાજમાં આપણા અંગદાનને તો ઘણું ઉપકારક ગણી આપણે ત્યાં મરતા મનુષ્યની આંખ, કીડની, હૃદયના ભાગો યા શરીરમાંથી શકય કોઈ પણ અંગ ભાગને કાઢીને મરતા યા ઘાયલને મળતા જીવનદાનને પવિત્ર સ્થાન અપાઈ જ ચૂક્યું છે. હવે કદાચ મરણ બાદ મનુષ્યદેહનો કાંઈક મેડીકલ નુસ્ખા દ્વારા ખોરાકી રૂપાંતરણ (transformation) કરાય એવું પણ બની શકે છે.

ગાય એ જાનવરની ઉત્ક્રાંતિ (animal evolution)માં સૌથી ઉત્તમ અને પાયાનું તત્ત્વ ગણાય છે. માનવી સંસ્કૃતિ અને અસ્તિત્વમાં એનું સ્થાન સૌથી ઉચ્ચ છે. જો કે હકીકત ઘણી વિપરીત છે. ભારતમાં સૌથી વધુ ગાય વસ્તી છે જેની કેટલા પ્રમાણમાં જરૂરી કાળજી લેવાય છે? હાડપિંજર જેવી ગાયો રસ્તા પર રખડતી હોય છે. માત્ર નારાબાજી કરવાથી ગાયનું તંદુરસ્ત અસ્તિત્વ થઈ શકયું? પશ્ચિમના દેશોનો ગાયની માવજત અને તેના ઉચ્ચ પરિણામરૂપે તંદુરસ્ત બળવાન શરીર ધરાવતી હોઈ, વિપુલ દૂધ અને માંસાહારની ભેટ મળી શકે છે, જેથી ત્યાંની વસ્તીને પણ સુંદર તંદુરસ્તી પ્રાપ્ત થાય છે. આપણા સમાજની પશુધન અંગેની કાળજીની કોઈ સરખામણી તેઓ સાથે કરી શકાય એમ નથી.

એક બાબતનો રસપ્રદ સંયોગ છે કે ગાય અને વાનર બન્ને શાકાહારી છે જેથી મનુષ્યને શાકાહારી મૂળ (source)નો ખોરાક મળી રહે છે. જો કે વાનર કયારેક નાના જીવડા ખાતો હોવા છતાં મહદ્ અંશે તે શાકાહારી ગણાય છે. મનુષ્યને માત્ર શાકાહારી બનાવવા માટે ખેતીનો ઘણો વિસ્તૃત ફેલાવો તથા મોટી ફેકટરીઓ દ્વારા માનવશરીર અને પ્રકૃતિને અનુકૂળ તંદુરસ્ત ખોરાક પેદા થવો જોઈશે. આપણે આ અંગે સ્પષ્ટ દૃષ્ટિ કેળવી એક ઊંડા અભ્યાસ દ્વારા ઝડપભેર વધુ ખોરાક ઉત્પાદન યોજનાઓ કરવી પડશે. ગાય યા કોઈ પણ પશુહત્યા ઓછી કરવા માટે દૃષ્ટિ અને કાર્યમાં વેગવંતો અભિગમ અપનાવવાથી જ પશુહત્યાનું દૂષણ અટકી શકે.
દિલીપ કાપડિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top