Columns

કેરળની નર્સ કેવી પરિસ્થિતિમાં યમનમાં હત્યાના કેસમાં ફસાઈ ગઈ?

યમનમાં મૃત્યુદંડની સજા આપવામાં આવેલ કેરળની નર્સ નિમિષા પ્રિયાના પરિવારજનોએ ભારત સરકાર પાસે તાત્કાલિક મદદની માંગણી કરી છે. નિમિષા હાલમાં યુદ્ધગ્રસ્ત દેશ યમનમાં સ્થાનિક વ્યક્તિ તલાલ અબ્દો મહદીની હત્યા માટે મૃત્યુદંડનો સામનો કરી રહી છે. ભારતમાં ગરીબી અને બેકારીથી બચવા ગરીબ લોકો નોકરીની લાલચે વિદેશમાં જાય છે. ત્યાં તેમના પર જાતજાતના અત્યાચારો ગુજારવામાં આવે છે. આવા અત્યાચારોથી બચવા જતાં હત્યાના કેસમાં ફસાઈ ગયેલી નિમિષાની કથા હૈયું હચમચાવી દે તેવી છે. યમનની સુપ્રીમ જ્યુડિશિયલ કાઉન્સિલે તેની અરજી ફગાવી દીધી છે. યમનમાં શરિયા કાયદો છે અને કોર્ટે તેમને એક છેલ્લી તક આપી છે.

જો પીડિતાનો પરિવાર તેને માફ કરી દે તો તે સજામાંથી બચી શકે છે. યમનના રાષ્ટ્રપતિ રશાદ મુહમ્મદ અલ-અલિમીએ સોમવારે નિમિષા પ્રિયાની ફાંસીની સજાને મંજૂરી આપી દીધી છે. નિમિષા પર ૨૦૧૭માં યમનના નાગરિક તલાલ અબ્દો મહદીની હત્યા કરવાનો આરોપ છે. ત્યારથી તે જેલમાં છે. નિમિષા કેરળના પલક્કડની રહેવાસી છે. તેને ફાંસીની સજામાંથી બચાવવા માટે તેના વતનમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે સેવ નિમિષા ઈન્ટરનેશનલ એક્શન કમિટી નામે અભિયાન વતી ભારત સરકારને હસ્તક્ષેપ કરવા અપીલ કરવામાં આવી છે.

ભારત સરકારે ૨૦૧૭ માં તેનાં નાગરિકોને યમનની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો હતો. નિમિષા માટે અભિયાન ચલાવતા જૂથ સેવ નિમિષા પ્રિયા ઈન્ટરનેશનલ એક્શન કાઉન્સિલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે કે નિમિષાની માતા અને તેની ૧૧ વર્ષની પુત્રી મિશાલને સના જવા દેવામાં આવે. ભારતીય અધિકારીઓએ તેમની વિનંતીને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે જ્યારે યમનમાં રાજદ્વારી પ્રવેશ ન હોય ત્યારે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાતી નથી. સના હુથી બળવાખોરોનો કબજો છે, જેઓ વર્ષોથી યમનની સત્તાવાર સરકાર સાથે સંઘર્ષમાં છે. યમનની સરકાર સાઉદી અરેબિયામાં નિર્વાસિત છે. ભારતની સરકારનાં સૂત્રો હુથી બળવાખોરોને ઓળખતા નથી, તેથી યમનની મુસાફરી ભારતીય નાગરિકો માટે જોખમથી ભરપૂર છે.

નિમિષા સારા ભવિષ્યનાં સપનાં સાથે યમન ગઈ હતી અને આજે તે ત્યાં મોતનો સામનો કરી રહી છે. નિમિષાની માતાનું કહેવું છે કે તેની પુત્રી અભ્યાસમાં તેજસ્વી હતી અને સ્થાનિક ચર્ચે તેને અભ્યાસમાં મદદ કરી હતી અને ડિપ્લોમા કોર્સ માટે પૈસા પણ આપ્યા હતા પરંતુ તેને કેરળમાં નર્સ તરીકે નોકરી મળી શકી ન હતી, કારણ કે તેણે ડિપ્લોમા કરતાં પહેલાં તેનો અભ્યાસ પૂર્ણ કર્યો ન હતો.

આવી સ્થિતિમાં યમનમાં નોકરી મેળવવી એ તેમના માટે ગરીબીની ચુંગાલમાંથી બચવાની સારી તક હતી. ૨૦૧૧ માં નિમિષા ટોમી થોમસ સાથે લગ્ન કરવા માટે ઘરે આવી હતી અને પછી બંને યમન ગયાં હતાં, જ્યાં તેને ઇલેક્ટ્રિશિયનના આસિસ્ટન્ટ તરીકે નોકરી મળી હતી પરંતુ તેને માત્ર નજીવો પગાર મળતો હતો. ડિસેમ્બર ૨૦૧૨માં તેમની પુત્રીનો જન્મ થયો હતો અને ત્યાર બાદ દંપતી માટે ઘરનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ બની ગયો હતો. ૨૦૧૪ માં પતિ થોમસ કોચી પાછો ફર્યો હતો. ૨૦૧૪ માં નિમિષાએ તેની ઓછી વેતનવાળી નોકરી છોડીને ક્લિનિક ખોલવાનું નક્કી કર્યું.

યમનના કાયદા હેઠળ, આ કરવા માટે સ્થાનિક ભાગીદાર હોવું જરૂરી છે.  મહદી કપડાની દુકાન ચલાવતો હતો અને નિમિષા જ્યાં કામ કરતી હતી તે ક્લિનિકમાં તેની પત્નીએ એક બાળકીને જન્મ આપ્યો હતો. નિમિષા જાન્યુઆરી ૨૦૧૫માં ભારત આવી ત્યારે મહદી તેની સાથે આવ્યો હતો. નિમિષા અને તેના પતિએ તેમના મિત્રો અને પરિવાર પાસેથી પૈસા લઈને લગભગ રૂ. ૫૦ લાખ એકત્ર કર્યા અને એક મહિના પછી નિમિષા પોતાનું ક્લિનિક ખોલવા યમન પરત ફરી. તેણીએ પેપરવર્ક પણ શરૂ કરી દીધું હતું જેથી તેણીનો પતિ અને પુત્રી યમન પરત ફરી શકે, પરંતુ તે દરમિયાન યમનમાં ગૃહયુદ્ધ શરૂ થયું અને તેથી તે મુસાફરી કરી શકી નહીં.

આગામી બે મહિનામાં, ભારતે યમનમાંથી તેના ૪,૬૦૦ નાગરિકો અને ૧,૦૦૦ વિદેશી નાગરિકોને બહાર કાઢ્યાં હતાં. નિમિષા એવાં થોડાં લોકોમાં હતી, જેઓ પાછાં નહોતાં ફર્યાં. તેમણે ત્યાં એટલા પૈસા રોક્યા હતા કે તે આ બધું છોડીને પરત આવી શકે તેમ નહોતી. ક્લિનિક સારી રીતે ચાલવા લાગ્યું હતું પરંતુ આ સમયે નિમિષાએ પણ મહદી વિશે ફરિયાદ કરવાનું શરૂ કર્યું હતું.

માહદીએ નિમિષાના લગ્નના ફોટા તેના ઘરમાંથી ચોરી લીધા હતા અને બાદમાં તેણે નિમિષા સાથે લગ્ન કર્યા હોવાનો દાવો કરવા માટે તેમની સાથે છેડછાડ કરી હતી. મહદીએ નિમિષાને અનેક પ્રસંગોએ ધમકાવી હતી અને તેનો પાસપોર્ટ છીનવી રાખ્યો હતો. જ્યારે નિમિષાએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરી ત્યારે પોલીસે તેને છ દિવસ માટે જેલમાં પૂર્યો હતો. થોમસને પહેલી વાર ૨૦૧૭માં એક ટી.વી. ન્યૂઝ ચેનલ દ્વારા મહીદની હત્યાની જાણ થઈ હતી. એક મહિના પછી નિમિષાની સાઉદી અરેબિયા સાથેની યમનની સરહદ નજીકથી ધરપકડ કરવામાં આવી હતી.

થોમસને યમનથી સમાચાર મળ્યા કે નિમિષાની તેના પતિની હત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. સમાચારની હેડલાઈન હતી કે પતિની હત્યાના આરોપમાં મલયાલી નર્સ નિમિષાની ધરપકડ, લાશના ટુકડા કરવામાં આવ્યા. થોમસ માટે આ આઘાતજનક હતું કારણ કે તે પોતે નિમિષાનો પતિ હતો. મહદીનો વિકૃત મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળી આવ્યો હતો. દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે મહદીએ ક્લિનિકના માલિકી દસ્તાવેજો સાથે છેડછાડ કરી હતી અને તેને પોતાના હોવાનો દાવો કર્યો હતો.

તેણે ક્લિનિકમાંથી પૈસા પણ લેવાનું શરૂ કર્યું હતું અને નિમિષાનો પાસપોર્ટ પોતાની પાસે રાખ્યો હતો. થોમસે જણાવ્યું કે ધરપકડના થોડા દિવસો બાદ નિમિષાએ તેને ફોન કર્યો હતો. તે દરમિયાન તે ખૂબ જ રડી રહી હતી. તેણીએ કહ્યું કે તેણે આ બધું મારા અને બાળક માટે કર્યું છે. તે સરળ રસ્તો પસંદ કરી શકી હોત અને મહદી સાથે આરામદાયક જીવન જીવી શકી હોત પરંતુ તેણે તેમ ન કર્યું. નિમિષાનો મહદીને મારવાનો ઈરાદો નહોતો. તે પોતે આ વાર્તામાં પીડિત છે. મહદીએ તેનો પાસપોર્ટ રાખ્યો હતો અને તે પાસપોર્ટ પાછો લઈ પોતાની જાતને મહદીની ચુંગાલમાંથી મુક્ત કરવા માંગતી હતી. તેણે બેહોશ કરવાની દવા આપી હતી, પણ ડોઝ થોડો વધારે અપાઈ જતાં મહદીનું મોત થયું હતું.

ગલ્ફ દેશોમાં અર્ધ-કુશળ અને અકુશળ કામદારોની થતી હેરાનગતિની વાર્તા નવી નથી. સામાજિક કાર્યકર્તાઓનું કહેવું છે કે આ ક્ષેત્રના ઘણા દેશોમાં એવી પ્રથા છે કે જેઓ કામદારોને કામ પર લઈ જાય છે. તેઓ તેમનો પાસપોર્ટ પોતાની પાસે રાખે છે. તેને ત્યાં કફાલા કહેવાય છે. ચંદ્રન નિમિષાની માતાના વકીલ છે. તે કહે છે કે કફાલાનો ભોગ બનેલી મોટા ભાગની ભારતીય મહિલાઓ ઘરેલું મદદગાર તરીકે મધ્ય પૂર્વમાં જાય છે. તેમણે કહ્યું કે નિમિષાને ન્યાયી કાનૂની સુનાવણી પણ મળી ન હતી. કોર્ટે એક જુનિયર વકીલ આપ્યો હતો, પરંતુ તે પણ નિમિષાને મદદ કરી શક્યો નહીં કારણ કે તે અરબી નથી જાણતી. તેને કોઈ અનુવાદક આપવામાં આવ્યો ન હતો.

સેવ નિમિષા કાઉન્સિલના વાઇસ ચાન્સેલર અને સામાજિક કાર્યકર્તા દીપા જોસેફે જણાવ્યું હતું કે મહદીના પરિવારની માફી માંગવાનો અને બ્લડ મની આપવાનો એકમાત્ર વિકલ્પ છે. બ્લડ મની એ પૈસા છે જે પીડિતના પરિવારને માફીના બદલામાં આપવાના હોય છે. કેરળના એક પ્રખ્યાત ઉદ્યોગપતિએ આ માટે ૧ કરોડ રૂપિયા આપવાનું કહ્યું છે. કેરળનાં લોકો અને બહાર રહેતાં લોકો પણ આમાં મદદ કરશે. જ્યારે યમનની સુપ્રીમ કાઉન્સિલે નિમિષાની અરજી ફગાવી દીધી હતી ત્યારે થોમસે તેની પત્ની સાથે વાત કરી હતી. નિમિષા ચિંતિત હતી. થોમસે કહ્યું કે મેં તેને હિંમત આપવાનો પ્રયાસ કર્યો અને તેને કહ્યું કે તેઓ તેનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top