નડિયાદ: ખેડા જિલ્લામાં સ્થાનિક પોલીસતંત્ર તેમજ એલ.સી.બી, એસ.ઓ.જી શાખાની રહેમનજર હેઠળ ઠેકઠેકાણે દારૂ-જુગારની બદી ધમધમી રહી છે. આ અંગેની જાણ ઉચ્ચકક્ષાએ થતાં સ્ટેટ મોનીટરીંગ સેલ, ગાંધીનગરની ટીમ સતત ખેડા જિલ્લા ઉપર વોચ રાખી રહી છે અને સમયાંતરે દારૂ-જુગારના અડ્ડાઓ પર દરોડા પાડી રહી છે. જે અંતર્ગત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે હોળી-ધૂળેટી પર્વ દરમિયાન જ નડિયાદ તાલુકાના ચકલાસી પોલીસમથકની હદમાં આવેલ ચલાલી ગામના એક રહેણાંક મકાનમાં દરોડો પાડી રૂ.55,645 ના વિદેશી દારૂના જથ્થા સહિત કુલ રૂ.82,685 ના મુદ્દામાલ સાથે માતા-પુત્રને ઝડપી લીધા હતાં.
નડિયાદ તાલુકાના ચલાલીના શક્તિનગરમાં રહેતાં લક્ષ્મીબેન શામંતભાઈ તળપદા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી, બાજુની ખુલ્લી જગ્યામાં પતરાના શેડ નીચે ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરતી હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલ (એસ.એમ.સી), ગાંધીનગરની ટીમને મળી હતી. જેથી એસ.એમ.સીની ટીમે મંગળવારના રોજ સાંજના સમયે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડી લક્ષ્મીબેન શામંતભાઈ તળપદા અને તેમના પુત્ર મહેશ સામંતભાઈ તળપદાની અટકાયત કરી હતી. જે બાદ તલાશી લેતાં મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 222 નંગ બોટલો મળી આવી હતી.
પોલીસે વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂ.55,645, એક મોબાઈલ કિંમત રૂ.5000 તેમજ રોકડા રૂ.22,040 મળી કુલ રૂ.82,685 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જે બાદ આ દારૂના જથ્થા બાબતે પકડાયેલાં માતા-પુત્રની પુછપરછ હાથ ધરી હતી. જેમાં તેઓ છેલ્લાં બે વર્ષથી વિદેશી દારૂનું વેચાણ કરતાં હોવાનું અને વિક્રમ નામનો શખ્સ તેઓને વિદેશી દારૂનો જથ્થો આપી જતો હોવાનું બહાર આવ્યું હતું. જેના આધારે પોલીસે પકડાયેલાં માતા-પુત્ર તેમજ તેઓને દારૂનો જથ્થો આપનાર વિક્રમ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.