નડિયાદ: નડિયાદ નગરપાલિકાની 100 મીટરની ત્રિજ્યામાં આવેલી નગરપાલિકાની માલિકીની 2 દુકાનો પર ગેરકાયદેસર કબ્જો જમાવવા માટે એક વેપારીએ મરણિયા પ્રયાસો કર્યા છે. દોઢ વર્ષમાં 4 વાર વેપારી દ્વારા પાલિકાની મંજૂરી વગર બાંધકામ કરવાના પ્રયત્ન કરાયા છે, જો કે, પાલિકાની ટીમે તમામ વખતે સ્થળ પર પહોંચી બાંધકામ અટકાવ્યુ છે. ત્યારે પાલિકાની મનાઈ હોવા છતાં કોના આશીર્વાદથી વેપારી બાંધકામ કરવાની હિંમત દાખવી રહ્યા છે, તે પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે.
સાંસદ સુવિધા કેન્દ્રની સામે આવેલી નગરપાલિકાની 2 દુકાનોમાં પાંચેક દિવસ પહેલા જૂના ભાડુઆત પ્રકાશભાઈ પારવણી દ્વારા ખોટી રીતે બાંધકામ કરવાનું શરૂ કરાયુ હતુ. આ અંગેની જાણ નગરપાલિકાની ટીમને થતા સ્થળ પર પહોંચી કામકાજ બંધ કરાવ્યુ હતુ. અગાઉ વર્ષ 2021ના ઓગસ્ટ માસમાં વેપારીએ મનસ્વી રીતે તેમનો ભાડાપટ્ટો પૂરો થયો હોવા છતાં દુકાનના રીનોવેશનનું કામ શરૂ કર્યુ હતુ. તંત્રની મંજૂરી ન લીધી હોવાના કારણે તે સમયે ટાઉન પ્લાનિંગ વિભાગના કર્મચારીઓએ સ્થળ પર પહોંચી કામકાજ બંધ કરાવ્યુ હતુ.
ત્યારબાદ થોડા મહિનાઓમાં જ પ્રકાશભાઈ પારવાણીએ રાતના અંધારામાં આ દુકાનોનું સમારકામ શરૂ કરવાના પ્રયત્ન કર્યા હતા, જો કે, તે સમયે મોડી રાત્રે પાલિકાની ટીમે સ્થળ પર પહોંચી કામકાજ બંધ કરાવ્યુ હતુ. આટલુ તો ઠીક પણ ઓગસ્ટ 2022માં રાતોરાત વેપારીએ સેન્ટીંગ મારી દુકાનોનું ધાબુ ભરાવી દીધુ હતુ. જો કે, બીજા દિવસે મામલો ધ્યાને આવતા પાલિકાની ટીમે સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યુ હતુ. ત્યારબાદ તાજેતરમાં પાંચેક દિવસ પહેલા વેપારી દ્વારા દુકાનમાં પ્લાસ્ટરની કામગીરી શરૂ કરાવાઈ હતી. જો કે, હોબાળો થતા કામકાજ અટકાવવું પડ્યુ હતુ. ત્યારે નગરપાલિકાના નાક નીચે આવેલી દુકાનો પાલિકા તંત્ર સંભાળી ન શકતુ હોવાની રાવ ચાલી રહી છે.
રાત્રે સમારકામ કરવા વેપારીએ ફ્લડ માર્યા
હાલમાં વેપારી પ્રકાશભાઈ પારવાણી દ્વારા દુકાનની અંદર અને બહારના ભાગે ફ્લડ મારવામાં આવ્યા છે. રાત્રિના સમયે દુકાનનું રીનોવેશન કરી શકાય તે હેતુસર આ દુકાનોમાં ફ્લડ મારવામાં આવ્યા છે. ત્યારે નગરપાલિકા વેપારીના કબ્જાની સામગ્રી હટાવી કબ્જો દુકાનો પર કબ્જો કેમ નથી મેળવતી, તે પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે.
ગેરકાયદેસર રીતે ધાબુ ભર્યુ
સાંસદ સુવિધા કેન્દ્રની સામે આવેલી આ બે દુકાનોમાં વેપારીનો ભાડાપટ્ટો પૂરો થયો છે. ત્યારે કબ્જો ખાલી કરવાની જગ્યાએ ઓગસ્ટ 2022માં પ્રકાશભાઈ પારવાણીએ ગેરકાયદેસર રીતે ધાબુ ભરી દીધુ હતુ. રાત્રિના સમયે કામકાજ કરી નગરપાલિકાની પૂર્વ મંજૂરી લીધા વગર ધાબુ ભર્યુ હોવા છતાં હજુ સુધી તંત્ર દ્વારા તેમની સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી.
વેપારીને છુપા આશીર્વાદ?
નગરપાલિકા પ્રશાસન દ્વારા વારંવાર વેપારી પ્રકાશભાઈ પારવાણી દ્વારા કરાતુ ગેરકાયદેસર બાંધકામ રોકાવવા માટે પ્રયત્નો કરાયા છે. તેમ છતાં તેઓ તંત્રને ગાંઠતા ન હોય અને હજુ પણ બાંધકામ કરવાના પ્રયત્નમાં હોય તેમ દેખાઈ રહ્યુ છે. ત્યારે વેપારીને કોઈ મોટા રાજકીય આકાના છુપા આશીર્વાદ છે કે કેમ? તે મુદ્દો પણ ચર્ચાઈ રહ્યો છે.