આઇસીસી મહિલા વર્લ્ડકપ તમે જ્યારે આ વાંચતા હશો ત્યારથી શરૂ થઇ ગયો છે. ન્યૂઝીલેન્ડના માઉન્ટ માઉંગાનૂઇ, ડુનેડીન, હેમિલ્ટ, વેલિંગ્ટન, ઓકલેન્ડ અને ક્રાઇસ્ટચર્ચ એમ છ શહેરોમાં યજમાન ન્યૂઝીલેન્ડ ઉપરાંત ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન, વેસ્ટઇન્ડિઝ, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ એમ 8 દેશો વચ્ચે રમાનારા આ વર્લ્ડકપમાં 4 માર્ચથી 3 એપ્રિલ દરમિયાન 31 દિવસમાં 31 મેચ રમાશે. અત્યાર સુધી 6 વાર વર્લ્ડકપ જીતી ચુકેલી ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ આ વખતે પણ ફેવરિટ છે. જો વાત ભારતની કરવામાં આવે તો ઇંગ્લેન્ડમાં રમાયેલા 2017ના વર્લ્ડકપમાં ભારતીય મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાને સેમીફાઇલમાં હરાવ્યું હતું. લોર્ડસમાં રમાયેલી ફાઇનલમાં જો કે ભારતીય મહિલા ટીમ ઇંગ્લેન્ડ સામે પરાજીત થઇ હતી અને પહેલીવાર ટાઇટલ જીતવાનું સ્વપ્ન અધુરૂ રહી ગયું હતું. જો કે આ વર્ષે ભારતીય મહિલા ટીમ પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ વિશ્વ ચેમ્પિયન બનાવાના 44 વર્ષના દુકાળનો અંત આણીને ભારતને આ વર્ષે ચેમ્પિયન બનાવશે. ઓસ્ટ્રેલિયાએ છ વાર વર્લ્ડકપ જીત્યો છે, જ્યારે ઇંગ્લેન્ડની મહિલા ટીમે ચાર વાર આ ટાઇટલ જીત્યું છે. જ્યારે યજમાન ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર એકવાર આ વર્લ્ડકપ જીતી શકી છે. ગત વર્લ્ડકપને ધ્યાને લેતા આયોજકોને આશા છે કે આ વખતે પણ આ ઇવેન્ટ સફળતાના નવા ધ્વજ લહેરાવશે. કોરોના રોગચાળાને કારણે આ વર્લ્ડકપ તેના નિર્ધારિત કાર્યક્રમ કરતાં 13 મહિના વિલંબથી થઇ રહ્યો છે. નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તેનું આયોજન પહેલા 6 ફેબ્રુઆરીથી 7 માર્ચ 2021 દરમિયાન થવાનું હતું પણ કોરોનાના કારણે તેનું આયોજન એક વર્ષ પાછળ ઠેલાયું હતુ. આ વખતે કેટલાક નવા નિયમો હેઠળ રમાનારા આ વર્લ્ડકપમાં કોરોનાના કારણે જો કોઇ ટીમ પાસે પુરતા ખેલાડી ન હોય તો નવ ખેલાડી સાથે પણ મેચ રમી શકવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
મહિલા વન ડે વર્લ્ડકકપની શરૂઆત 1973થી થઇ હતી. 1973માં ઇંગ્લેન્ડની યજમાનીમાં રમાયેલા એ વર્લ્ડકપમાં ભારતીય મહિલા ટીમે ભાગ લીઘો નહોતો. તે પછી 1978માં રમાયેલી મહિલા વર્લ્ડકપની બીજી એડિશનનું આયોજન ભારતમાં જ થયું હતું અને તેમાં ભારતીય મહિલા ટીમે ભાગ લીધો હતો પણ એ એડિશનમાં તે ચોથા સ્થાને રહી હતી. ત્યારથી લઇને અત્યાર સુધી મહિલા વર્લ્ડકપના 44 વર્ષના ઇતિહાસમાં ભારતીય ટીમને આ ટ્રોફી ઉઠાવવાની તક મળી નથી. 2005માં પણ ભારતીય મહિલા ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી અને તે સમયે પણ મિતાલી રાજ જ ટીમની કેપ્ટન હતી અને ભારતીય મહિલા ટીમ દક્ષિણ આફ્રિકાના સેન્ચુરિયનમાં રમાયેલી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 98 રને પરાજીત થઇ હતી. 1978થી 2017 સુધીમાં રમાયેલી વર્લ્ડકપની 9 સિઝનમાં ભારતીય મહિલા ટીમે ભાગ લઇને કુલ 63 મેચ રમી છે, જેમાંથી ભારતીય મહિલાઓએ 34 મેચ જીતી છે, જ્યારે 27 મેચમાં તેનો પરાજય થયો છે, એક મેચ ટાઇ રહી છે અને એક મેચનું પરિણામ આવ્યું નથી. વર્લ્ડકપની 9 એડિશનમાં ભાગ લેનારી ભારતીય મહિલા ટીમ 2005 અને 2017 એમ બે વાર ફાઇનલમાં પહોંચીને રનર્સઅપ રહી છે. જ્યારે 1997 અને 2000માં રમાયેલા વર્લ્ડકપમાં તે સેમીફાઇનલ સુધી પહોંચી હતી. 2013ના વર્લ્ડકપમાં ભારતીય ટીમ છેક સાતમા સ્થાને રહી હતી. જ્યારે શરૂઆતની ત્રણ એડિશનમાં ભારતીય મહિલા ટીમ સતત ચોથા સ્થાને રહી હતી અને 2009માં તે ત્રીજા સ્થાને રહી હતી.
ભારતીય મહિલા ટીમની કેપ્ટન મિતાલી રાજે આઇસીસી માટે પોતાની કોલમમાં લખ્યું હતું કે મને 2017માં આઇસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલની બધી જ લાગણીઓ આજે પણ સ્પષ્ટરૂપે યાદ છે. ખીચોખીચ ભરેલા લોર્ડસ અમે જીતની નજીક હતા અને અમે નજીવા માર્જીનથી હાર્યા અને એ તક ચુકવી કંઇક એવું હતું કે તે હંમેશ માટે અમારા માટે એક એવી યાદ બનીને રહી ગઇ જે એક ટીસ આપી જાય છે. મિતાલી રાજ કહે છે કે 2005થી અત્ચાર સુધીમાં અમે ઘણાં યાદગાર પ્રદર્શન કર્યા છે, પરંતુ હજુ પણ એક માઇલસ્ટોન સર કરવાનો બાકી છે અને તે છે ટ્રોફી જીતવાનો માઇલસ્ટોન. મિતાલીએ એવું પણ લખ્યું છે કે અમે હજુ પણ 50 ઓવર અને 20 ઓવરના વર્લ્ડકપમાં ફાઇનલ હારેલા ફાઇનાલિસ્ટ રહ્યા છીએ અને અમે અમારા એ અનુભવોમાંથી ઘણું શીખ્યા છીએ અને અમારી ભુલોને અમે ન્યૂઝીલેન્ડમાં સુધારવા માગશું. અમે છેલ્લી કેટલીક મેચોમાં એ સાબિત કર્યું છે કે અમે તેના કરતાં વધુ સક્ષમ છીએ. અમારી મહેનત રંગ લાવી રહી છે અને હું માત્ર એ કલ્પના જ કરી શકું છું કે તેનો પ્રભાવ આ વર્લ્ડકપમાં કેવો પડી શકે છે.
ભારતીય મહિલા ક્રિકેટ 1970માં યાત્રા શરૂ થયાના 5 વર્ષ પછી વન ડે રમવાની તક મળી
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ મિતાલી રાજની આગેવાનીમાં ન્યૂઝીલેન્ડમાં ચોથી માર્ચથી શરૂ થયેલા વર્લ્ડકપમાં ભાગ લેવા માટે ત્યાં પહોંચી ગઇ છે. ભારતની નજર પોતાનું પહેલું વર્લ્ડકપ ટાઇટલ જીતવા પક છે. જો ભારતમાં મહિલા ક્રિકેટના ઇતિહાસ પર નજર નાંખવામાં આવે તો ભારતમાં મહિલા ક્રિકેટની શરૂઆત 1970ના દશકમાં થઇ હતી. તે સમયે કેટલીક મહિલાઓ ક્રિકેટ રમતી થઇ હતી અને તે સમયે તેને સત્તાવારરૂપે શરૂ કરવામાં આવ્યું નહોતુ. 2973માં બેગમ હમીદા હબીબુલ્લાહની આગેવાનીમાં લખવઉમાં સોસાયટી ખરડા હેઠળ ભારતીય મહિલા ક્રિકેટ એસોસિએશનની નોંધણી કરવામાં આવી હતી. તેના સ્થાપક સચિવ મહેન્દ્ર કુમાર શર્મા હતા અને તે ઘણી નવોદિત મહિલા ક્રિકેટરો માટે વરદાનરૂપ સાબિત થયું અને એ વર્ષે જ ભારતીય મહિલા ક્રિકેટ એસોસિએશનને ઇન્ટરનેશનલ મહિલા ક્રિકેટ કાઉન્સીલનું સભ્યપદ મળ્યું હતું.
1970 અને 1973 દરમિયાન ક્રિકેટની ઘણી ગતિવિધિઓ થઇ હતી. મહિલા ખેલાડીઓ વર્ષના 12 મહિનામાંથી 9 મહિના રમવામાં વ્યસ્ત રહી હતી. 1973માં પહેલી મહિલા ઇન્ટર સ્ટેટ નેશનલ સ્પર્ધાનું પુણેમાં આયોજન કરાયું હતું. તેમાં તે સમયનું બોમ્બે, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ એમ ત્રણ ટીમે ભાગ લીધો હતો. એ જ વર્ષના અંતે તેની બીજી એડિશન વારાણસીમાં યોજાઇ હતી અને તેમાં ટીમોની સંખ્યા વધીને 8 થઇ હતી. વારાણસીમાં યોજાયેલી સ્પર્ધા સમયે એક કાર્યકારી કમિટીની રચના કરવામાં આવી, જેમાં ચંદ્ર ત્રિપાઠી ચેરપર્સન અને પ્રમિલાબાઇ ચવ્હાણ અધ્યક્ષ બન્યા હતા. આ બંને મહિલાઓએ સ્થાપક સચિવ મહેન્દ્ર શર્મા સાથે મળીને મહિલા ક્રિકેટના પ્રારંભિક વિકાસમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તે પછી ત્રીજી નેશનલ ચેમ્પિયનશિપ કલકતામાં યોજાઇ ત્યારે ટીમની સંખ્યા વધીને 14 થઇ ગઇ હતી. તે પછી અલગઅલગ ઝોનમાં મર્યાદિત ઓવરોની ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાવા લાગી હતી.
ડોમેસ્ટિક લેવલે પાંચ વર્ષની સફળતા પછી ભારતમાં પહેલીવાર દ્વિપક્ષિય મહિલા ક્રિકેટ સીરિઝ 1975માં રમાઇ હતી. તે સમયે ઓસ્ટ્રેલિયાની અંડર-25 ટીમ ત્રણ મેચની ટેસ્ટ સીરિઝ રમવા માટે ભારત પ્રવાસે આવી હતી. પુણે, દિલ્હી અને કોલકાતામાં એ મેચ રમાઇ હતી. રસપ્રદ વાત એ હતી કે ત્રણ ટેસ્ટમાં ત્રણ અલગ અલગ કેપ્ટન હતી, જેમાં ઉજ્જવલા નીકમ, સુધા શાહ અને શ્રીરૂપા બોસનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયા સામેની એ સીરિઝ પછી ભારતીય મહિલા ટીમ ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ અને વેસ્ટઇન્ડિઝ સામે ઘરઆંગણે ઉપરાંત તેમના દેશનો પ્રવાસ કરીને મેચ રમી. તે સમયે ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની મહિલા ખેલાડીઓ સ્કર્ટ પહેરીને ક્રિકેટ રમતી હતી, જ્યારે ભારત અને વેસ્ટઇન્ડિઝની ખેલાડીઓ પેન્ટ પહેરીને રમતી હતી. ભારતીય મહિલા ટીમે પોતાની પહેલી ઇન્ટરનેશનલ મેચ વેસ્ટઇન્ડિઝ સામે 31 ઓક્ટોબર 1976માં રમી હતી. બંને ટીમ વચ્ચે રમાયેલી એ ટેસ્ટ ડ્રો રહી હતી. એ છ મેચની ટેસ્ટ સીરિઝ રહી હતી. બંને ટીમ એક-એક ટેસ્ટ જીતી હતી જ્યારે ચાર ટેસ્ટ ડ્રો રહી હતી. બે વર્ષ પછી ભારતીય મહિલા ટીમે 1978ના વર્લ્ડકપમાં પોતાનું વન ડે ડેબ્યુ કર્યું હતું. ભારતમાં યોજાયેલા એ વર્લ્ડકપમાં કુલ ચાર ટીમે ભાગ લીધો હતો. ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડની ટીમ તેમાં સહભાગી હતી અને ભારતીય ટીમ છેક છેલ્લા એટલે કે ચોથા સ્થાને રહી હતી.