વડોદરા: દુમાડ અને ગોજાલી ગામની કરોડોની જમીન પચાવી પાડવાનો કારસો રચનાર ઈસમો પર લાલ આંખ કરતી જિલ્લા પોલીસે લેન્ડ ગ્રેબિંગના કાયદા હેઠળ બે ઈસમોની ધરપકડ કરતા ભૂમાફિયા ઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સમા-સાવલી રોડ પર રહેતા પ્રિયકાંત પુંજીલાલ મહેતા તથા તેના ભાગીદારોએ દુમાડ ખાતે આવેલ બ્લોક નંબર વાળી જમીન 2018માં ખરીદ કરી હતી. જમીન માલિક સવિતાબેન રમણભાઈ પાટણવાડીયાએ જમીન વેચાણ કરી નાખ્યા બાદ કબજો જમાવવા કારસો રચ્યો હતો. સવિતાબેનની કુટુંબીજન હિતેન્દ્રસિંહ સંપતસિંહ પઢિયાર આઝાદ ચોકડ,ઉમેટા તાલુકા આંકલાવ જિલ્લા આણંદ અને સમીરસિંહ કનકસિંહ છાસટીયા રહેવાસી :- ખોડિયાર માતાના મંદિર પાસે દુમાડ એકબીજા સાથે મેળાપીપણુ રચીને ખોટા કરાર ઉભા કર્યા બાદ જમીન પર ગેરકાયદેસર કબજો કર્યો હતો અને વાહન રિપેરિંગનું ગેરેજ ઉભુ કરીને જમીન પચાવી પાડવા માટે ભૂમાફિયાગીરી આદરી હતી.
જમીનના માલિકે ભૂમાફિયાઓને વારંવાર સમજાવવા છતાં પોતાનો મનસૂબો પાર પાડવા કબજો છોડવા તૈયાર ન હતા. આરોપીઓ વિરૂધ્ધ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાતા જ પી.આઈ. એસ.કે.વાળા.એ તપાસનો દોર સંભાળ્યો હતો અને ઉંડી તપાસ કરતા આરોપીઓના કરતૂતો સપાટી પર આવ્યા હતા. જો કે પોલીસની ઘોંસ વધત જ સૂત્રધાર હિતેન્દ્રસિહ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જયારે પોલીસે સમીર છાસડીયાની ધરપકડ કરી હતી.
બીજો બનાવ ડભોઈ તાલુકાના ગોઝાલી ગામમાં બન્યો હતો. જમીન માલિક હસમુખ કાંતિભાઈ પાટણવાડીયાની વડિલોપાર્જિત જમીન પર દિનેશ નાથાભાઈ મકવાણાએ ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો. જમીન પચાવી પાડવાના ઈરાદે આરોપી દિનેશે જમીન માલિક ખેતર ખેડવા માટે જતા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જમીન માલિકને જ જમીનમાં નહીં પ્રવેશવા દેવા માટે ખુલ્લી દાદાગીરી કરતા આરોપી દિનેશ મકવાણાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.