સુરત: (Surat) શહેરના ડુમસ પોલીસની હદમાં આવતા મગદલ્લામાં ગામમાં ગઈકાલે રાત્રે અઢી વર્ષની બાળકી રમતાં રમતાં ગુમ થઈ ગઈ હતી. ડુમસ પોલીસે (Police) આખી રાત શોધખોળ કરતાં બાળકી સવારે ઘરની નજીક 50 ફૂટ દૂર બિલ્ડિંગની અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં મળી આવી હતી. આસપાસના વિસ્તારમાં આવેલાં તમામ સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. આ સિવાય 300 જેટલી ખોલીઓ પણ તપાસમાં આવી હતી. આસપાસની નહેર, ઝાડી-ઝાંખરામાં પણ તપાસ કરવામાં આવી હતી. મળસકે એક ખાનગી વ્યક્તિને બાળકીના ઘરની પાસેની બિલ્ડિંગ પાસે રડવાનો અવાજ આવ્યો હતો. બાળકી અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં (Under Ground water Tank) મળી આવી હતી.
ડુમસ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે મગદલ્લા બંદર ખાતે આવેલા રણછોડ રત્નનગરમાંથી અઢી વર્ષની બાળકી સાંજે રમતાં રમતાં ગુમ થઈ હતી. પરિવારે બાળકીની શોધખોળ હાથ ધરી, પરંતુ તે આસપાસ ક્યાંય પણ મળી આવી ન હતી. એક ખાનગી વ્યક્તિએ પોલીસને જાણ કરતાં તાત્કાલિક પોલીસ સ્ટેશનના પી.આઇ. અંકિત સોમૈયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પહોંચી ગઈ હતી. બાળકીનો ફોટો મેળવી પીઆઈ દ્વારા અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરાઈ હતી. આસપાસના વિસ્તારમાં આવેલાં તમામ સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. આ સિવાય 300 જેટલી ખોલીઓ પણ તપાસમાં આવી હતી. આસપાસની નહેર, ઝાડી-ઝાંખરામાં પણ તપાસ કરવામાં આવી હતી. મળસકે એક ખાનગી વ્યક્તિને બાળકીના ઘરની પાસેની બિલ્ડિંગ પાસે રડવાનો અવાજ આવ્યો હતો. બાળકી અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં મળી આવી હતી. સદનસીબે સવારે પાણી આવે ત્યારે ટાંકી ભરાઈ જાય છે. ટાંકીમાં પાણી આવે એ પહેલા જ બાળકી અંદર મળી આવતાં પોલીસ અને પરિવારને હાશકારો થયો હતો.
બાળકીની મેડિકલ તપાસ કરાવી હતી
પોલીસ ઇન્સ્પેક્ટર અંકિત સોમૈયાએ જણાવ્યું હતું કે, બાળકી મળી આવતાં પહેલાં નવી સિવિલમાં મેડિકલ તપાસ કરાવી હતી. સદનસીબે બાળકી સ્વસ્થ હોવાનું અને તેની સાથે કંઈ પણ અજુગતું નહીં થયું હોવાનું સ્પષ્ટ થયું હતું.
ગામના યુવાનો અને પશુપાલકોએ આખી રાત મદદ કરી
ગવિયર ગામના યુવાનો અને પશુપાલકોએ આખી રાત પોલીસની સાથે મળી બાળકીની શોધખોળ કરી હતી. ડુમસ પોલીસની ટીમ અને યુવાનો મળી 90થી વધારે લોકો આખી રાત બાળકીની ભાળ મેળવી રહ્યા હતા.