અન્ડર-19 વર્લ્ડ કપ : સેમી-ફાઇનલમાં ભારત-પાક ટકરાવાની સંભાવના ખતમ

અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન સેમી-ફાઇનલમાં ટકરાવાની સંભાવના ખતમ થઈ ગઈ છે. શુક્રવારે રમાયેલી સુપર લીગની ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 119 રનેથી હરાવી દીધું છે. પહેલા બેટિંગ કરવા ઊતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે 7 વિકેટના નુકસાને નિર્ધારિત ઓવરમાં 276 રન બનાવ્યા હતા. આ ટાર્ગેટનો પીછો કરતા પાકિસ્તાનની આખી ટીમ 35.1 ઓવરમાં 157 રન પર જ પેવેલિયનભેગી થઈ ગઈ હતી.

હવે સેમી- ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો મુકાબલો આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચમાં વિજેતા બનશે તેની સાથે થશે. જો ઓસ્ટ્રેલિયાને પાકિસ્તાન હરાવતે અને ભારત બાંગ્લાદેશને હરાવતે તો સેમી-ફાઇનલમાં ભારત-પાક સામ-સામે ટકરાતે. જોકે, હવે એવી સંભાવના ખતમ થઈ ગઈ છે.
અન્ડર -19 વર્લ્ડ કપ પર કોરોના અટેક
વેસ્ટઇન્ડીઝમાં રમાઈ રહેલા અન્ડર -19 વર્લ્ડ કપમાં કોરોનાનો કહેર જારી છે. કેનેડાના નવ ખેલાડીઓનો કોરોનાવાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આથી બે મેચ રદ કરવામાં આવી છે. કેનેડા અને સ્કોટલેન્ડ વચ્ચે શનિવારે રમાનારી મેચ અને રવિવારે આ મેચના વિજેતા અને યુગાન્ડા વચ્ચે રમાવાની હતી એ મેચને રદ કરવામાં આવી છે.

Most Popular

To Top