હાઈ વે પર અકસ્માત થયો.ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. ચાર કલાક સુધી સાથી પેસેન્જર લોહીમાં પડી રહ્યા, પણ કોઈ મદદ મળી નહિ.પરિવારજનો આવ્યાં અને લગભગ પાંચ કલાક બાદ મેડીકલ સારવાર મળી.૫૮ વર્ષના અમૃતલાલ ગંભીર રીતે ઘાયલ હતા, પણ ભાનમાં હતા.તેમના પગમાંથી ઘણું લોહી વહ્યું હતું.પરિવારજનોને જોતાં જ બોલ્યા, “ડ્રાઈવરના મૃત્યુનું દુઃખ છે.મને પગમાં બહુ વાગ્યું હતું અને અહીંથી પસાર થનાર કોઈની મદદ મળી નહિ.જો મદદ મળી હોત તો હું જરૂર તેને બચાવવાની કોશિશ કરત.પુત્ર અનિલે પિતાને શાંત રહેવા કહ્યું અને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા.
અમૃતલાલજીમાં હિંમત હતી.ઘણું લોહી વહ્યા છતાં તેઓ ભાનમાં હતા.તેમને હાથ અને પગમાં ગંભીર ઈજા થઇ હતી.અનિલ અને અન્ય પરિવારજનો ડોક્ટર શું કહેશે તેની ચિંતામાં હતા.અમૃતલાલજીને તપાસી ડોક્ટર આવ્યા અને ખરાબ સમાચાર આપતાં કહ્યું, “કે પગનો ઘા ખૂબ જ ઊંડો છે અને ઇન્ફેકશન ફેલાયું છે.સારવાર પણ ઘણી મોડી મળી છે તેથી હમણાં કંઈ કહી શકાય નહિ.જો જલ્દી ફરક નહિ પડે તો સ્થિતિ ગંભીર બનશે.”બધાની ચિંતા વધી ગઈ.બે દિવસ થયા.ઘામાં સડો થવા લાગ્યો.ત્રીજે દિવસે ડોકટરે જણાવ્યું, “જીવ બચાવવા માટે પગ કાપવો પડશે.”
અમૃતલાલજી વેપાર ધંધા માટે ખૂબ ફરતા અને આમ પણ ફરવા જવાના શોખીન હતા. તેમણે આ વાત કોણ જણાવશે અને તેમની પર શું વીતશે? તે ચિંતા બધાને થવા લાગી. છેવટે ડોક્ટર અને પુત્ર અનિલે હિંમત ભેગી કરી અમૃતલાલજીને પગ કાપવાની વાત જણાવી.કહેતાં કહેતાં જ અનિલની આંખોમાં આંસુ આવી ગયા.પણ બધાના આશ્ચર્ય વચ્ચે અમૃતલાલજીએ ગજબ હિંમત બતાવી.અનિલને કહ્યું, “રડ નહિ,આમ પણ બહુ ફરી લીધું. હવે શાંતિથી ઘરે રહીશ.કામ સંભાળવા માટે તો તું છે જ, તેથી મને કોઈ ચિંતા નથી.” ઓપરેશન થયું.પગ કપાયો.પણ હિંમત અકબંધ હતી.
ઘરમાં ઓટોમેટીક વ્હિલચેર આવી ગઈ. તેની પર બેસી અમૃતલાલજી આખા ઘરમાં ફરતા.ઘરમાં રંગ ..પીંછી ..કેનવાસ ગોઠવાઈ ગયા અને અમૃતલાલજી આટલાં વર્ષોનો તેમનો બાકી રહી ગયેલ શોખ ચિત્રકલામાં મન પરોવી ખુશ રહેતા.તેમનાં ચિત્રો પણ ખુશી …ઉત્સાહ…આનંદ દર્શાવતાં રંગબેરંગી હતાં.છ આઠ મહિનામાં તેમણે ‘અપરાજિત’ શીર્ષક હેઠળ પોતાનાં ચિત્રોનું પ્રદર્શન ગોઠવ્યું અને સંદેશ આપ્યો કે હાર્યા વિના જે પરિસ્થિતિ આવે તેનો સામનો કરો.માર્ગ કાઢો.ખુશ રહો તો જીતી જશો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.