આણંદ : બોરસદ તાલુકાના ખેડાસા ગામના લોકો દશા માની મૂર્તિનું વિસર્જન માટે વાલવોડ ગામના મહીકાઠે બુધવારના રોજ વહેલી સવારે ગયાં હતાં. જ્યાં મુર્તિ વિસર્જન દરમિયાન અચાનક જ બે વ્યક્તિઓ પાણીના વહેણમાં તણાયા હતા. જેનું ડૂબી જતાં મૃત્યું નિપજ્યું હતું. દશા મા પર્વના આનંદનો માહોલ અચાનક જ બે વ્યક્તિઓ ડુબવાથી મોતને ભેટતા શોકમાં પલટાઇ ગયો હતો. દશા માની મૂર્તિઓનું બુધવારે વિસર્જન કરવાનો દિવસ હતો. જેથી વાલવોડ ગામના મહીકાંઠા પર આસપાસના ગામના લોકો મહીનદીના કિનારે ગયા હતા.
વિવિધ ગામોના લોકો સાથે ખેડાસા ગામના લોકો પણ વહેલી સવારે વાલવોડ મહીકાઠે મુર્તિ વિસર્જન કર્યું હતું. પરંતુ આ દરમિયાન સવારે સાતેક વાગ્યે ખેડાસા ગામના એક જ પરિવારના બે વ્યક્તિ નંદુભાઈ ખોડાભાઈ મકવાણા (ઉ.વ.38) અને મયુરભાઈ મહેન્દ્ર ભાઈ મકવાણા (ઉ.વ.18) બંને મહી નદીના વહેણમાં તણાયા હતા. આ તણાયેલા કાકા – ભત્રીજાને બચાવવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યાં હતાં. પરંતુ બન્ને વ્યક્તિ ડુબી જતાં મોતને ભેટ્યા હતા. મહીકાંઠે બે વ્યકિત ડુબી ગયા હોવાની માહિતી પ્રસરી જતાં ભાદરણ પોલીસ મથકની ટીમ વાલવોડ પહોંચી હતી અને સ્થાનિક તરવૈયાઓ યુવાનોની મદદથી મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
નદીમાં બે વ્યક્તિઓ ડુબી જવાની માહિતી મળતાં જ બોરસદ તાલુકા પંચાયત પ્રમુખ અને ખેડાસા તાલુકા પંચાયત સભ્ય ધરમદેવસિંહ ડાભી, વાલવોડ તાલુકા પંચાયત સભ્ય ભીખીબેન ઠાકોર, વાલવોડના યુવા કાર્યકર કમલેશભાઈ પટેલ , ખેડાસા સરપંચ સહિત અગ્રણીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. એક જ પરિવારના બે વ્યક્તિઓના અચાનક જ મરણ થવાની ઘટના બનતા સમગ્ર ખેડાસા ગામના નાગરિકોમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.