નવી દિલ્હી: આજે જાહેર થયેલા સંયુક્ત રાષ્ટ્ર (UN) ના એક રિપોર્ટમાં અફઘાનિસ્તાન(Afghanistan)માં તાલિબાનની ટીકા કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રએ અફઘાનિસ્તાનમાં આપવામાં આવતી સાર્વજનિક મૃત્યુદંડની સજા, ચાબુક અને પથ્થર મારવાની સજા માટે તાલિબાન(Taliban)ની ટીકા કરી છે અને સત્તાધીશોને આવી પ્રક્રિયાને રોકવા માટે કહ્યું હતું. તેના જવાબમાં વિદેશ મંત્રાલયે કહ્યું કે, અફઘાનિસ્તાનના કાયદાઓ ઈસ્લામિક નિયમો અને ગાઈડલાઈન અનુસાર છે અને મોટા પ્રમાણમાં અફઘાનના નાગરિકો આ નિયમોને માને છે.
તાલિબાનના વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, ‘આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદો અને ઈસ્લામિક કાયદાની વચ્ચે સંઘર્ષની સ્થિતિમાં સરકાર ઈસ્લામિક કાયદાનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે.’ તાલિબાને અંદાજે બે વર્ષ પહેલા અફઘાનિસ્તાનમાં સત્તા મેળવ્યા પછી થોડા સમય બાદ જ આવી સજા આપવાનું શરૂ ર્ક્યુ હતું. જ્યારે તેમણે 1990ના દશકમાં પોતાના કાર્યકાળની તુલનામાં વધુ ઉદાર નિયમો સ્વીકારવાનો વાયદો ર્ક્યો હતો.
6 મહિનામાં 334 લોકોને જાહેરમાં સજા આપી
અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર સહાયતા મિશન (UNAMA) ના એક રિપોર્ટ અનુસાર, ગત 6 મહિનામાં જ અફઘાનિસ્તાનમાં જાહેરમાં 274 પુરુષો, 58 મહિલાઓ અને 2 યુવકોને જાહેરમાં ચાબુક મારવામાં આવ્યા હતા. એજન્સીના માનવાધિકાર પ્રમુખ ફિયોના ફ્રેઝરે કહ્યું કે, ‘શારીરિક દંડ આપવું, સતામણી કરવા સામેના કરારનું ભંગ છે અને તેને રોકવું જોઈએ.’ તેમણે મૃત્યુદંડ પર તાત્કાલિક પ્રતિબંધ કરવાની માંગ કરી છે.
વ્યાભિચાર મામલે અવિવાહિત સ્ત્રી પુરુષને 100-100 ચાબુક મારવાની સજા
સંયુક્ત રાષ્ટ્રના સોમવારે જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર, ઓગષ્ટ 2021માં સત્તામાં આવવાના પહેલા અને પછી બંન્ને સમયના તાલિબાની કાર્યપ્રણાલીનું વર્ણન કરવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, તાલિબાન સત્તામાં આવ્યા પછી જાહેરમાં ચાબુક મારવાની સજા પ્રથમવાર ઓક્ટોમ્બર 2021માં ઉત્તરી કાપિસા પ્રાંતમાં આપવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, આ મામલામાં વ્યભિચાર (અવિવાહિત દંપત્તિની વચ્ચેના સંબંધ)ના આરોપી એક મહિલા અને પુરુષને મૌલવી અને સ્થાનિક અધિકારીઓની ઉપસ્થિતિમાં 100-100 ચાબુક મારવામાં આવ્યા હતા.
પીડિતને પિતાની જ રાઈફલથી મારીને મૃત્યુની સજા
તાલિબાનના અધિકારીઓએ ડિસેમ્બર 2022માં હત્યાના એક આરોપીને મૃત્યુદંડ આપ્યો હતો. રિપોર્ટ અનુસાર, તાલિબાન સત્તા પર આવ્યા પછી જાહેરમાં મૃત્યુદંડ આપવાનો આ પહેલો મામલો હતો. પીડિતને પિતાની જ રાઈફલથી મારવામાં આવ્યું હતું અને આ સજા મૌલવી અને તાલિબાની અધિકારીઓની ઉપસ્થિતિમાં પશ્ચિમી ફરાહ પ્રાંતમાં આપવામાં આવી હતી. સરકારના ઉચ્ચ પ્રવક્તા જબીહુલ્લા મુજાહિદે કહ્યુ હતું કે, સજા આપવાનો નિર્ણય ખૂબ જ સમજી વિચારીને કરવામાં આવ્યો અને તેને દેશની ત્રણેય સર્વોચ્ચ અદાલતો અને તાલિબાનના સર્વોચ્ચ નેતા મુલ્લા હિબાતુલ્લા અખુંદજાદાએ મંજૂરી આપી હતી.