Editorial

યુએનનો વસ્તી અહેવાલ: ખુશ થવું કે ચિંતા કરવી?

હાલમાં ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. ગયા વર્ષે જ તેણે ચીનને પાછળ મૂકીને આ બિરુદ પ્રાપ્ત કર્યું છે. હાલમાં યુએનનો વિશ્વની વસ્તી અંગેનો એક અહેવાલ બહાર પડ્યો છે જે જણાવે છે કે ભારતની વસ્તી ૨૦૬૦ની શરૂઆતમાં ટોચ પર પહોંચીને ૧.૭ અબજ થશે અને ત્યારબાદ ૧૨ ટકાના દરે ઘટવા માંડશે, પણ આ દેશ આ સમગ્ર સદી દરમ્યાન વિશ્વનો સૌથી વધુ વસ્તીવાળો દેશ રહેશે એમ યુનાઇટેડ નેશન્સે જણાવ્યું છે.

આ અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે વર્ષ ૨૦૮પમાં ભારતની વસ્તી વધીને ૧.૬ અબજ થશે જે ચીનની સમયની વસ્તી ૮૦ કરોડ ૬૦ લાખ કરતા બમણી થઇ જશે. ચીનની વસ્તી ઘટતા જાય છે અને વર્ષ ૨૧૦૦માં ભારતની વસ્તી ઘટીને દોઢ અબજ થશે, જ્યારે ચીનની વસ્તી તે સમયે ઘટીને ૬૩૩ મિલિયન જ રહી જશે, એટલે ૨૧૦૦ના વર્ષમાં ભારતની વસ્તી ચીનની વસ્તીના બમણા કરતા પણ વધુ થઇ જશે. ચીન લાંબા સમય સુધી વસ્તી વધારાની સમસ્યાથી પિડાતું રહ્યું હતું અને તેણે વસ્તી નિયંત્રણના કડક પગલા અમલમાં મૂકયા હતા.

પછી એવી સ્થિતિ થઇ કે લોકોની માનસિકતા જ બદલાઇ ગઇ અને ઘણા લોકોએ બાળક જન્માવવાનું જ બંધ કરી દીધું અને ચીનની વસ્તી ઘટવા માંડી. પછી ચીની સરકારે બાળ જન્મને પ્રોત્સાહન આપતા પગલાઓ ભરવા માંડ્યા. છતાં હજી પણ ચીનની વસ્તી ઘટી રહી છે અને ઘટતી જ જાય તેવો અંદાજ છે. સમગ્ર વિશ્વની રીતે જોઇએ તો વસ્તી વધારો એ આખા વિશ્વની છેલ્લા ઘણા દાયકાઓથી સમસ્યા રહી છે. જો કે વિશ્વની વસ્તી પણ એક સમય પછી ઘટવા માંડશે એમ આ અહેવાલ જણાવે છે.

કોઇ પણ દેશની વસ્તીના અનેક પરિમાણ હોય છે. જાપાન જેવા કેટલાક દેશો અને હવે ચીન પણ વૃદ્ધોની વધતી વસ્તી અને યુવાનોની ઘટતી વસ્તીની સમસ્યાથી પીડાવા માંડ્યા છે. વધતા સરેરાશ આયુષ્યની સાથે કુલ વસ્તીમાં ઘટાડો થાય તો યુવાનોની વસ્તી ઘટતી જાય છે. પરિણામે કામ કરનાર વસ્તીનું પ્રમાણ ઘટતું જાય છે અને આર્થિક તથા સામાજીક સમસ્યાઓ ઉભી થાય છે. બીજી બાજુ, ભારે વસ્તી વધારાથી પિડાતા દેશોમાં કામ કરવા માટે યુવા વસ્તી તો મળી રહે છે પણ આ વસ્તીને સારી રીતે જીવવા માટેના સ્ત્રોતો ઘણી વખત મળી શકતા નથી. આથી વસ્તી વધારો અને વસ્તી ઘટાડો બંને ચિંતાજનક સ્થિતિઓ છે, વસ્તી વધારાને નિયંત્રિત કરવાના પ્રયાસો એ એક જટીલ બાબત છે અને સમયાનુસાર યોગ્ય પગલા ભરવાથી સ્થિતિ કંઇક સાનુકૂળ બનાવી શકાય છે.

Most Popular

To Top