થોડા દિવસ પહેલાં અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચેની લડાઈએ હિંસક રૂપ ધારણ કર્યું હતું અને તે લડાઈમાં એક વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. આ ઘટનાએ રાજ્યના શિક્ષણજગતને હચમચાવી મુક્યું હતું. હજુ એ ઘટનાની સ્યાહી ભૂંસાઈ નથી ત્યાં સુરતમાં પણ એવી ઘટના બની છે. સદ્દનસીબે અહીં વિદ્યાર્થી સહીસલામત છે.
સુરતમાં ઉમરીગર સ્કૂલના એક વિદ્યાર્થી પર આ જ સ્કૂલના બીજા વિદ્યાર્થીએ સ્કૂલની બહાર 100 મીટરના વિસ્તારમાં સળિયાથી હિંસક હુમલો કર્યો હોવાની ઘટના બની છે. વિદ્યાર્થીને સામાન્ય ઈજા થઈ છે પરંતુ તેના પડઘાં ઘેરા પડ્યા છે. વિદ્યાર્થીએ જાણ કરતા તેના વાલી સળિયો લઈ સ્કૂલે દોડી ગયા હતા અને સ્કૂલ સંચાલકોને ફરિયાદ કરી હતી. પોલીસ અને મીડિયા પણ સ્કૂલ પર દોડી ગઈ હતી.
ઘટના શું બની હતી?
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ધોરણ 11 અને 12ના સ્ટુડન્ટ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને આ વિવાદ અંગે જાણ થઈ, ત્યારે તે હસ્યો હતો. હુમલો કરનાર વિદ્યાર્થીને તેનું હસવું પસંદ ન આવતા મનમાં વેર રાખીને બદલો લેવાનું નક્કી કર્યું હતું.
આ ઘટના બાદ જ્યારે ઈજાગ્રસ્ત વિદ્યાર્થી તેના મિત્ર સાથે સાઇકલ પર સ્કૂલથી ઘરે જઈ રહ્યો હતો, ત્યારે હુમલો કરનાર વિદ્યાર્થી રિક્ષામાં તેનો પીછો કર્યો હતો. સ્કૂલથી માત્ર 100 મીટર દૂર પહોંચતા જ રિક્ષામાંથી ઉતરીને હુમલાખોર વિદ્યાર્થીએ ઈજાગ્રસ્ત વિદ્યાર્થી પર અચાનક સળિયા વડે હુમલો કરી દીધો. આ હુમલામાં વિદ્યાર્થીને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે. માતા-પિતા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનો સિટી સ્કેન રિપોર્ટ અને સળિયો લઈને સ્કૂલે પહોંચ્યા હતા.
વાલીઓએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો
ઘટનાની જાણ થતા પીડિત વિદ્યાર્થીના વાલીઓ સહિત અન્ય વાલીઓનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. તેઓ હાથમાં સળિયા લઈને શાળાના ગેટ પાસે ભેગા થયા અને શાળા સંચાલકો સામે ઉગ્ર રજૂઆત કરી હતી. વાલીઓએ સ્કૂલની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. હિંસા આચરનારા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. શેઠ ધનજીશા રુસ્તમજી ઉમરીગર મેમોરીયલ સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીને લેખિતમાં ફરિયાદ આપી હતી. હુમલાખોર વિદ્યાર્થીને શાળામાંથી સસ્પેન્ડ કરવા માગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને.
સ્કૂલના પ્રિન્સિપલે શું કહ્યું?
સ્કૂલના પ્રિન્સિપાલ વિલાસ પાઠકે કહ્યું કે, પીડિત વિદ્યાર્થીના વાલી તરફથી અમને ફરિયાદ મળી છે. બંને વિદ્યાર્થીઓના વાલીને બોલાવી તપાસ શરૂ કરી છે. તપાસ પછી જ શું છે તે અંગેની ખબર પડશે.