સુરતઃ સામાન્ય રીતે યુપી-બિહારમાં લગ્ન પ્રસંગોમાં જોવા મળતા હવામાં ગોળીબારની ઘટના સુરતમાં બની છે. અહીંના ડિંડોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં નાચતી વખતે એક યુવકે હવામાં ફાયરિંગ કર્યું હતું. તે દરમિયાન ગોળી વાગતા બે જણા ઘાયલ થયા હતા. આ ફાયરિંગ ભાજપના કાર્યકર એવા ડેનિશ કેક શોપના માલિક ઉમેશ તિવારીની ધરપકડ કરી છે.
ડિંડોલી પોલીસ અનુસાર આરોપી ઉમેશ તિવારીએ પોતાના કમરના ભાગે રિવોલ્વર રાખી હતી. રિવોલ્વર સરખી કરવા જતા કોઈ કારણોસર ફાયરિંગ થઈ ગયું હતું. ગોળી સંતોષ હોમસિંઘ બઘેલને ડાબા પગના જાંઘના ઉપરના ભાગે વાગી હતી. આ ઉપરાંત ફરિયાદીના મિત્ર વિરેન્દ્ર વિશ્વકર્માને પણ ડાબા પગમાં ગોળી વાગી હતી. ફરિયાદ નોંધી ડિંડોલી પોલીસે ઉમેશ તિવારીની ધરપકડ કરી છે.
સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે તિવારીએ હવામાં ગોળીબાર કર્યો
ડિંડોલીના સુમુખ સર્કલની બાજુમાં સાંઈ શક્તિ સોસાયટીમાં જાહેરમાં બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. સીસીટીવી ફૂટેજ જોતા પોલીસની રિવોલ્વર સરખી કરવા જતા મીસફાયર થયું હોવાની થીયરી ખોટી લાગી રહી છે. સીસીટીવીમાં સ્પષ્ટ નજરે પડે છે કે તિવારી હવામાં ફાયરિંગ કરી રહ્યાં છે. ડિંડોલી વિસ્તારમાં એક લગ્ન પ્રસંગમાં ડીજે ડાન્સ વખતે નાચતા નાચતા ઉમેશ તિવારીએ પોતાની રિવોલ્વરમાંથી કેટલાંક રાઉન્ડ ફાયરિંગ હવામાં કર્યું હતું.
ડીજેમાં નાચતી વખતે તિવારીએ ફાયરિંગ કર્યું હતું, જેના લીધે બે જણા ઘાયલ થયા હતા. આ ઘટનામાં પ્રારંભમાં ઢાંક પિછોડો કરવાનો પ્રયાસ કરાયો હોવાનું ચિત્ર ઉપસ્યું હતું, પરંતુ સીસીટીવી ફૂટેજ બહાર આવતા ડિંડોલી પોલીસે ઉમેશ તિવારીની ધરપકડ કરી હતી.
પોલીસ દોસ્તી નિભાવી રહી છે કે કોઈનું દબાણ છે?
દરમિયાન એવી ચર્ચા ઉઠી હતી કે ડેનિશ કેક શોપનો માલિક અને ભાજપનો કાર્યકર ઉમેશ તિવારી પોલીસ મિત્ર છે. અનેક પોલીસ અધિકારીઓ સાથે ઉમેશ તિવારીને ઘરોબો છે. પોલીસ સાથેના ઉમેશ તિવારીના અનેક ફોટા સોશિયલ મીડિયા ગ્રુપ્સમાં ફરતા થયા છે. શું પોલીસ દોસ્તી કે પછી કોઈના દબાણ વશ હકીકત છુપાવી રહી છે તેવા સવાલો ઉઠ્યા છે. આ સાથે એવા સવાલ પણ ઉઠી રહ્યાં છે કે શું હવામાં ગોળીબાર કરનાર ઉમેશ તિવારીનો વરઘોડો પોલીસ કાઢશે.