વિરપુર : વિરપુર તાલુકાના ઉમરીયા ગામને જોડતા રોડની કામગીરી આઝાદી પછી પહેલી વખત શરૂ કરવામાં આવી છે અહીં ખેડુતો અને વિધાર્થીઓ મસમોટા ખાડાઓ તેમજ ધુળીયા રોડમાંથી છુટકારો મળતાં ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. વિરપુરના ઉમરીયા ચોકડીથી ગામમાં જવાનો માર્ગ અંદાજીત એક કીમી છે, જે જવાનો રસ્તો કાચો અને ધુળીયો હતો. ચોમાસાની ઋતુ દરમિયાન આ કાચા રસ્તા પર વરસાદી પાણી ભરાઇ જતું હતું. આથી ગામના ખેડૂતો, રાહદારીઓ અને શાળાએ જતાં નાના બાળકો ભારે હાલાકી વેઠવી પડતી હતી.
આ રોડ બનાવવા માટે સ્થાનિક ગ્રામજનોએ છેલ્લા 30 વર્ષથી અનેકવાર લેખિત તેમજ મૌખિક સંબંધિત વ્યક્તિઓને રજૂઆત કરી હતી. તાજેતરમાં મુખ્યમંત્રી સડક યોજના હેઠળ 57.55 લાખના ખર્ચે ડામર રોડ મંજૂર કરવામાં આવ્યો છે. છેલ્લા એક માસથી ડામર રોડની કામગીરી ચાલુ કરવામા આવતા ગ્રામજનો અને વિદ્યાર્થીમાં ખુશી વ્યાપી છે. આ રોડ પર કેટલાક વર્ષોથી એક એક ફુટના ખાડા તેમજ ચોમાસાની ઋતુમાં આ રોડ પરથી નિકળવું ખેડૂતો માટે તેમજ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે માથાના દુઃખાવા સમાન હતો તો રોડ પરથી અવાર નવાર અકસ્માત પણ થતાં રહ્યાં છે.
અમારી વર્ષો જુની માંગણી સ્વીકારી
વિરપુરથી ડેભારી રોડ પર આવેલા ઉમરીયા ગામને જોડતા રોડની માંગણી છેલ્લા પાંચ વર્ષથી સરપંચ તરીકે મેં આવાર નવાર સાસંદ સભ્ય તેમજ ધારાસભ્ય સહિતના હોદેદારોના લેટર પેડ પર તેમજ ગ્રામ પંચાયતના લેટર પેડ પર અનેક રજુઆતો કરવામાં આવી છે. આખરે મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત અમારા ગામને જોડતા રોડની માંગણી સ્વીકારી લેવામાં આવી છે અને રોડની કામગીરી હાલ ચાલુ કરી દેવામાં આવી છે. સરકાર દ્વારા અમારી વર્ષો જુની માંગણી સ્વીકારી તે બદલ આભાર છે.
– દક્ષાબેન પગી, સરપંચ, ગ્રામ પંચાયત, ભરોડી.
રોડની માગણી અનેક વખત આવી હતી
સ્થાનિક ગ્રામ પંચાયત તેમજ ડેલીકેટ, ધારાસભ્ય, સાસંદ સભ્ય સહિતના લેટર પેડ પર અમારા વિભાગમાં જાણ કરવામાં આવતી હોય છે ત્યારે અમારા વિભાગ દ્વારા તે વિસ્તારના રોડની ચેક કરવામાં આવે છે ત્યારે ઉમરીયા ગામને જોડતા રોડની માંગણી અનેકવાર રજૂઆતો આવેલી હતી જ્યારે અમારા ઉપરના વિભાગ દ્વારા જોબનંબર આપતા ઉમરીયા ગામનો રોડની કામગીરી હાલ ચાલુ કરી દેવામાં આવી છે.
-મુકેશ પટેલીયા, એન્જિનિયર માર્ગ મકાન વિભાગ, બાલાસિનોર