ઉમરગામ : (Umargam) શીત ઋતુ આવતાની સાથે જ તસ્કરો (Thief) તરખાટ મચાવી રહ્યા છે. બીજી તરફ ઘરફોડ ચોરીના લગાતાર વધતા બનાવોને લઇને પોલીસ તંત્રની ઊંઘ પણ હરામ થઇ છે. ગુરુવારે મધ રાત્રે ઉમરગામના વલવાડા સાર્વજનિક હાઈસ્કૂલમાં (Public High School) તથા બે મકાનોમાં ચોરીના બનાવથી ચકચાર મચી જવા પામી હતી.આ સાથે તસ્કરોએ આજ વિસ્તારના બે મકાનોના તાળા પણ તોડી નાખ્યા હતા અને રોકડ મત્તા ઉપર હાથ ફેરો કરીને ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ પોલીસને (Police) થતા તેઓ ઘટના સથળે દોડી આવ્યા હતા..
સ્કૂલ સાથે બે મકાનોને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું
પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ઉમરગામ તાલુકાના વલવાડા ગામે આવેલી શ્રી સાર્વજનિક હાઈસ્કૂલમાં ચોરીનો બનાવ બનવા પામ્યો છે. તસ્કરો ઓફિસના દરવાજાનો નકુચા તેમજ તાળા તોડી અંદર પ્રવેશી વિધાનસભા ચૂંટણી અનુસંધાને લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા, ડીવીઆર, મોનિટર વગેરે મળી કુલ રૂપિયા 15,000 ની મતાની ચોરી કરી ચોર ઈસમો નાસી ગયા હતા. ઉપરાંત આ હાઈસ્કૂલની બાજુમાં રહેતા પંકજકુમાર ભીખુભાઈ સોલંકી તથા તેમના ભાઈ દિવ્યેશભાઈ ભીખુભાઈ સોલંકીના ઘરે તાળું તોડી ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા. આ બનાવની ભીલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ શાળાના આચાર્ય હિતેશભાઈ ડોડીયા (હાલ રહે નાનકવાડા વલસાડ)એ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સેલવાસમાં છેતરપિંડીના ગુનાનો ફરાર આરોપી હૈદરાબાદથી પકડાયો
સુરત : સંઘપ્રદેશ દાનહના સેલવાસ પોલીસે લાખો રૂપિયાની છેતરપિંડીના એક ગુનામાં ફરાર થયેલા આરોપીની હૈદરાબાદથી ધરપકડ કરી હતી. ગત 16 એપ્રિલ 2022 ના રોજ સેલવાસની આલોક ઇન્ડસ્ટ્રીઝના એચઆર મેનેજરે સેલવાસ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી કે, એક શીતલ એન્ટરપ્રાઈઝના નામે લેબર કોન્ટ્રાક્ટ ચલાવતો કાશીનાથ ઝિપ્પા ચૌહાણ નામનો ઈસમ 9 એપ્રિલના રોજ કંપનીમાં આવ્યો હતો અને કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કામદારોને પગાર ચૂકવવા 13,57,363 રૂપિયા લઇને ગયો હતો.
કામદારોને રૂપિયા ચૂકવ્યા વગર જ પૈસા લઈને રફુચક્કર થઈ ગયો હતો. આ પ્રમાણેની ફરિયાદ મળતા સેલવાસ પોલીસે ગુનો દાખલ કરી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસની ટીમે આ ગુનાના આરોપી કાશીનાથ ઝીપ્પા ચૌહાણ (ઉવ.47,ગામ – સુખાપુર, જી. હિંગોલી, હૈદરાબાદ)ની ધરપકડ કરી સેલવાસ લાવી તેને જેલમાં ધકેલી આગળની કાર્યવાહી કરી રહી છે.