ઉમરગામ: (Umargam) ઉમરગામનાં અંક્લાસમાં જમીનનું વળતર (Land Compensation) મેળવવા પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી છે. જમીનની સનત નહીં હોવાથી એક્સપ્રેસ હાઈવેમાં (Express Highway) જમીન ગુમાવનાર ઘણા ખેડૂતો (Farmers) વળતર મેળવી શક્યા નથી. પ્રાપ્ત સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ઉમરગામ તાલુકાના અંક્લાસ ગામના માજી સરપંચ અને વન અધિકાર સમિતિ અંકલાસના પ્રમુખ ભરતભાઈ માધુભાઈ ઘોડીએ વડોદરા મુંબઇ એક્સપ્રેસ હાઈવેમાં જતી જમીનનું વળતર મેળવવા જમીન સંપાદન અને પ્રાંત અધિકારીને એવી રજૂઆત કરી છે કે એક્સપ્રેસ હાઈવેમાં અંકલાસના ઘણા ખેડૂતોની જમીન ગઈ છે. ઘણાને વળતર પણ મળ્યું છે.
- સનત નહીં હોવાથી એક્સપ્રેસ હાઈવેમાં જમીન ગુમાવનારા ખેડૂતો વળતર મેળવી શક્યા નથી
- ઉમરગામનાં અંક્લાસમાં જમીનનું વળતર મેળવવા પ્રાંત અધિકારીને રજૂઆત
ગામના ઘણા ખેડૂતો એવા પણ છે જે રોજીરોટી માટે બાંધકામ ઈંટના ભઠ્ઠા મીઠાના અગર અને મચ્છી પકડવાના વ્યવસાયે બહારગામ નોકરી અર્થે જતા હોય છે અને ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ઘરે આવતા હોય છે. જેથી આ ફોરેસ્ટની જમીનની સનત મેળવવાની કામગીરી વખતે કેટલાક ખેડૂતો ગામમાં હાજર ન હોય તેઓની પાસે સનત નહીં હોવાથી હાલમાં વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવેમાં આ લોકોની જમીન ગઈ છે. પરંતુ તેમને વળતર મળ્યું નથી. આ બાબતે યોગ્ય કાર્યવાહી તપાસ કરાવી યોગ્ય વળતર અપાવવા ઘટતું કરવા વિનંતી કરી છે.
વલસાડ જિલ્લામાં ૫૮ જર્જરિત ગ્રામ પંચાયતોના નવા મકાન બનશે
વલસાડ : વલસાડ જિલ્લાની જર્જરિત અને ઘર વિહોણી 58 ગ્રામ પંચાયતોનું નવું મકાન બનાવાશે. જે માટે નવીન પંચાયત ઘર મનરેગા કન્વર્ઝન અંતર્ગત બનાવવાનું ધ્યાને લઇ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની દ્વારા મનરેગા હેઠળ-૪૮ તથા ૧૫માં નાણાપંચ હેઠળ-૧૦ ગ્રામ પંચાયત એમ કુલ ૫૮ ગ્રામ પંચાયતોને નવા મકાનોના બાંધકામની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જેમાં મટીરીયલ કોસ્ટ અંદાજે રૂ. ૧૩ લાખ તથા લેબર કોસ્ટ ૦૧ લાખ મળી કુલ ૧૪ લાખના ખર્ચ માટે જિલ્લા કક્ષાએ નવીન ડીઝાઇન તૈયાર કરવામાં આવી છે. આ ડીઝાઇનમાં ગ્રામ પંચાયત ઓફીસની સાથે મીટીંગ હોલ અને તલાટી કમ મંત્રી રહેઠાણની સુવિધા પણ ઉપલબ્ધ થશે. આ પંચાયત ઘર બાંધકામ મનરેગા કન્વર્ઝન હેઠળ હાથ ધરાતાં મનરેગા હેઠળ ગામલોકોને રોજગારી મળવાની સાથે ગ્રામ પંચાયતને સુવિધાયુકત ગ્રામ સચિવાલય પ્રાપ્ત થશે.