ઉમરગામ: (Umargaam) ઉમરગામના દેહરી સ્થિત ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં કોસ્મેટીક એટમ નેલ પોલીશ બનાવતી કંપનીમાં (Company) ધડાકા સાથે અચાનક ભીષણ આગ લાગી હતી. આ આગમાં કંપનીના કામદાર સહિત આગ બુઝાવવા દોડી ગયેલા બાજુની કંપની કામદારો મળી પંદરેક જણા દાઝી જતા હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનાના પગલે અફરાતફરી મચી હતી.
ઉમરગામ તાલુકાના દેહરી ગામ ખાતે ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ઇન્ડસ્ટ્રીયલ ગાળા આવેલા છે. જેમાં જે.કે.લાઇફ સ્ટાઇલ પ્રા.લિમિટેડ નામની કોસ્મેટીક એટમ નેલ પોલીશ બનાવતી કંપનીમાં ગુરુવારે બપોરના ત્રણેક વાગ્યાના સુમારે અચાનક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી.
- ધડાકા સાથે ભીષણ આગ લાગતા 15 શખ્સો દાઝી ગયા
- કોસ્મેટીક એટમ નેલ પોલીશ બનાવતી કંપનીમાં ધડાકા સાથે આગ લાગતા અફરાતફરી મચી
આ કંપનીને લાગુ અન્ય ઇન્ડસ્ટ્રીયલ વાલ્વ નામક કંપનીના કામદારો પણ આગ બુઝાવવા દોડી ગયા હતા. અચાનક જ આગે મોટો ભડકો લેતા જોત જોતામાં ત્યાં ઉપસ્થિત કંપનીના કામદારો સહિત આગ બુઝાવવા દોડી ગયેલા મહિલા, પુરુષ કામદારો મળી અંદાજે પંદરેક જણા દાઝી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર, પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી ઈજાગ્રસ્ત દાઝી ગયેલા કામદારોને તાત્કાલિક ઉમરગામ જીઆઇડીસી કોલોની ખાતે આવેલી ચુરી હોસ્પિટલમાં સાતેક જણા તથા ઉમરગામ ટાઉનમાં આવેલી મમતા હોસ્પિટલમાં નવેક જણાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. તથા એકાદ કામદારને વધુ ઈજા થતા વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હોવાનું જાણવા મળ્યું હતું.
જવલંત પ્રવાહી ભરેલા ડ્રમ ફાટતાં આજુબાજુની કંપનીમાં પણ નુકસાન
જે.કે. લાઈફ સ્ટાઈલ પ્રા. લિમિટેડ કંપનીમાં કોસ્મેટિક આઈટમ નેલ પોલીશ બનાવવામાં આવતું હોવાથી અહીં જ્વલંત પ્રવાહી કેમિકલ રાખવામાં આવતા આગ વધુ વિકરાળ બની હતી અને આ ડ્રમ ધડાકાભેર ફાટતાં આજુબાજુની કંપનીના ગાળામાં પણ નુકસાન થયું હતું. એટલું જ નહીં આગ બુઝાવવા દોડી ગયેલા બાજુની કંપનીના કામદારો પણ આગની ઝપેટમાં આવી દાઝી ગયા હતા. આગની ઘટનામાં કંપનીનો માલ મટિરિયલ મશીનરી બળી જતા ભારે નુકસાન થયું હતું. આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું ન હતુ. આગ બુઝાવવા ઉમરગામ સરીગામ ફાયર ફાઈટર ટીમને ત્રણેક કલાક જેહમત ઉઠાવી હતી.