ઉમરગામ: (Umargam) ઉમરગામના ખતલવાડા ગામની ગુમ ત્રણ સગીરાને ગણતરીના કલાકોમાં અમદાવાદના (Ahmedabad) કાલુપુર રેલવે સ્ટેશનથી શોધી કાઢી પરિવાર સાથે મેળાપ કરાવી પોલીસે પ્રસંશનિય કામગીરી કરી હતી. ત્રણેય બાળકીઓ હેમખેમ મળી આવતા પરિવારે પણ પોલીસનો આભાર માન્યો હતો.
- પોલીસે ગણતરીના કલાકોમાં અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનેથી શોધી કાઢી પરિવાર સાથે મેળાપ કરાવ્યો
- રાજસ્થાનમાં ખાટુશ્યામ અને ત્યાંથી દ્વારકાધીશ મંદિર જવાનો પ્લાન બનાવી ઘરેથી કહ્યાં વગર નીકળી ગઈ હતી
ખતલવાડા ગામમાં રહેતા એક પરિવારની બે દીકરી અને તેની એક બહેનપણી ઉંમર વર્ષ આશરે 15 થી 13 ગત તારીખ 25 મે ને શનિવારે ઘરે કોઈને પણ કહ્યાં વગર નીકળી જતા ચિંતાતૂર પરિવારજનોએ ભારે શોધખોળ કરવા છતાં આ ત્રણેય મળી ન આવતા આખરે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગુમ થયેલી સગીરાઓને શોધી કાઢવા તપાસ હાથ ધરી હતી.
પોલીસની ટીમે બાળકીઓના માતા પિતાનો સંપર્ક કરી જરૂરી માહિતી મેળવી હતી. તે સાથે આજુબાજુના સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ એનાલિસિસના આધારે વર્કઆઉટ હાથ ધર્યો હતો. દરમિયાન ગુમ થયેલી બાળકીઓ ઉમરગામ રેલવે સ્ટેશનથી વાપી રેલવે સ્ટેશન અને ત્યાંથી અમદાવાદ જતી ટ્રેનમાં બેસી ગયેલી હોવાની હકીકત મળી હતી. આ બાબત ઉપર અધિકારીઓ દ્વારા અમદાવાદ કાલુપુર રેલવે પોલીસના સંપર્કમાં રહી જરૂરી માહિતી શેર કરતાં અમદાવાદ કાલુપુર રેલવે પોલીસ દ્વારા ત્રણેય સગીરાઓને ટ્રેનમાંથી શોધી કાઢતા ઉમરગામ પોલીસ દ્વારા તાત્કાલિક અમદાવાદ ખાતે જઈ ત્રણેય બાળકોને કબજો મેળવી ઉમરગામ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી.
આ અંગે તેમના વાલીઓને જાણ કરી હતી. બાળકીઓની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આ ત્રણેય બાળકીઓ ટ્રેનમાં બેસી ફરવા સારું રાજસ્થાનમાં આવેલા ખાટુશ્યામ મંદિર અને ત્યાંથી દ્વારકાધીશ મંદિર જવાનો પ્લાન બનાવેલો હતો. પોતાના પરિવારને ફરવા જવાના પ્લાન વિશે કહેશે તો ફરવા જવા દેશે નહીં એવું વિચારી ઘરે જાણ કર્યા વગર જ નીકળી ગઈ હતી.