એક દિવસ મહાન ચિંતક સોક્રેટીસ પોતાનાં ચાહકો અને મિત્રો સાથે ચર્ચા કરી રહ્યા હતા.સોક્રેટીસની આ ચિંતન બેઠકમાં અમીર અને ગરીબ બધાં જ આવતાં અને પોતાના મનના પ્રશ્નો પૂછતાં. એક દિવસ એક શ્રીમંત વેપારી જે પહેલાં સોક્રેટીસની બેઠકોમાં આવતો.પછી ધીમે ધીમે મોટો વેપારી થતાં અભિમાન આવ્યું અને તે સોક્રેટીસને કહેવા લાગ્યો તમારે ત્યાં બેઠકમાં ગરીબો પણ આવે છે એટલે ત્યાં આવવાનું મન નથી થતું.
તમે મારા ઘરે આવો. ખાસ મારા શ્રીમંત ઉમરાવ દોસ્તો માટે બેઠક રાખીશું.આપને પણ ઘણી કિંમતી ભેટો મળશે.સોક્રેટીસે કહ્યું, ‘દોસ્ત, મારે ત્યાં કોઈ પણ ક્ષણે તારું સ્વાગત છે પણ હું તારે ત્યાં નહિ આવું. મને કિંમતી ભેટની કોઈ જરૂર નથી.’ આ શ્રીમાનને વેપારમાં ખોટ જવાથી પાઈમાલ થઈ ગયો હતો. નિરાશ થઇ ગયો ..હતાશ થઇ ગયો.સોક્રેટીસને ખબર પડી. તેમણે તે નિરાશ વેપારીને ખાસ આમંત્રણ મોકલી પોતાના ઘરે બોલાવ્યો.વેપારી શરમથી માથું નીચું કરી આવ્યો અને આવતાંની સાથે તેને સોક્રેટિસની માફી માંગતાં કહ્યું, ‘મને માફ કરજો, હું પૈસા અને સફળતાના નશામાં ચૂર હતો એટલે મારાથી ભૂલ થઇ.’ સ્પષ્ટવકતા સોક્રેટીસ બોલ્યા, ‘બરાબર છે સાચી વાત છે.
તમે જે સિદ્ધિ મળી તેમાં અભિમાનમાં અંધ બની અભિમાન કર્યું અને એટલે જ સમયની થપાટ આજે લાગી છે પણ મેં તમને માફી મંગાવવા કે તમારું અપમાન કરવા અહીં નથી બોલાવ્યા.માત્ર જૂની દોસ્તીના નાતે બોલાવ્યા છે અને આજે મારે તમને અને આ બેઠકમાં આવેલા દરેકને સમજાવવું છે કે પરમ સિદ્ધિ અને પરમ સંતોષ કોને કહેવાય અને ક્યારે મળે?’ બધા સોક્રેટિસની વાત સાંભળવા આતુર બન્યાં..સોક્રેટીસ બોલ્યા, ‘પરમ સિદ્ધિ અને પરમ સંતોષ. બહુ મોટી સફળતા મળે.બહુ પૈસા મળે.સમાજમાં બહુ માનપાન મળે તેમાં નથી!”
સોક્રેટીસે હજી વાતની શરૂઆત કરી હતી પણ વચ્ચે જ પ્રશ્ન આવ્યો, ‘જો આ બધામાં પરમ સિદ્ધિ અને પરમ સંતોષ ન મળે તો શેમાં મળે?’ સોક્રેટીસ હસ્યા અને બોલ્યા, ‘કહું છું ભાઈ…ધીરજ જાળવો …સાંભળો …જયારે તમારા કારણે ઘરમાં કોઈ શોક કે દુઃખનું કારણ પ્રવેશતું નથી …જયારે તમારા વર્તનથી માતા પિતા કે પત્નીની આંખમાં આંસુ નથી …જયારે તમારા અપમાનભરેલા વ્યવહારથી કોઈ દુઃખી નથી …જયારે તમે કોઈનો હક્ક ચોરી અણહ્ક્કનું કંઈ લીધું નથી….જયારે તમે કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં હિંમત હાર્યા નથી … બસ આ બધી પરિસ્થિતિ તમને પરમ સિદ્ધિ અને પરમ સંતોષનો અનુભવ કરાવશે.’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.