Comments

ભારતીય કાયદાઓની ઉલ્ટીગંગા

ભારતમાં બ્રિટને આપેલા સમાન કાયદાની પધ્ધતિ ચાલે છે. છતાં એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે તેમાં તો નવીનતા દાખલ કરી છે અને તે સાબિતીના બોજની ઉલ્ટી દિશા. ભારતના ઘણા ફોજદારી કાયદાઓ અને ખાસ કરીને ૨૦૧૪ પછી ઘડાયેલા ફોજદારી કાયદાઓમાં સાબિતીના બોજની દિશા ઉલ્ટી છે. અર્થાત્‌ ગુનાની ધારણા કરી લેવામાં આવે છે. રાજય એવી ધારણા કરે છે કે તમે કંઇ ખોટું કર્યું છે અને નિર્દોષતા દાખવવાનું કામ તમારું છે. સામાન્ય રીતે અમલી ફોજદારી કાયદાની આ વિરુદ્ધમાં છે. દા.ત. કોઇ શબની પાસે છરો સાથે મળી આવે તો સદરહુ શખ્સે ખૂન કર્યું છે તે સાબિત કરવાનું કામ રાજયનું છે.

આમ છતાં રાજયમાં એવા કાયદાઓ છે જે અપરાધની ધારણા સાથે શરૂ થાય છે. આસામા નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ આવો એક દાખલો છે. આસામમાં તમામ વ્યકિતઓએ સરકારને એવા દસ્તાવેજો આપવાના રહેતા જે બતાવે કે  તેમના વડવાઓ ૧૯૭૧ પહેલાંની આસામમાં નાગરિક તરીકે હતા. જેઓ સરકારી પંચ સમક્ષ હાજર નહીં થઇ કે પોતે કાયદેસર છે એવું પુરવાર નહીં કરી શકે તેને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે. આને કારણે સેંકડો લોકો આજે જેલમાં છે અને નવી લેવો બંધાઇ રહી છે. બ્રિટીશ કાયદો કહે છે કે જયાં તહોમતદાર પર સાબિતીનો બોજ હોય ત્યાં તેમણે વાજબી શંકાથી વધુ આગળ જઇને પુરવાર કરવાની જરૂર નથી. મર્યાદા નીચે છે પણ આપણે આસામ અને અન્યત્ર જોઇએ છીએ તેમ ભારતમાં ઊંચી છે.

ભારતે કહેવાતા ધાર્મિક સ્વાતંત્ર્ય કાયદાઓ ખાસ કરીને ભારતીય જનતા પક્ષ શાસિત રાજયોમાં બનાવ્યા છે જેમાં ધર્માંતર માટેની સાબિતીની ભૂમિકા ઉલટી થઇ ગઇ છે. સૌ પ્રથમ ઉત્તરાખંડે ૨૦૧૮ માં આવો કાયદો કર્યો હતો પછી હિમાચલ પ્રદેશમાં ૨૦૧૯ માં ધર્મ સ્વાતંત્ર્ય કાયદો બન્યો. ઉત્તર પ્રદેશમાં ૨૦૨૦ માં ગેરકાયદે ધર્મ પરિવર્તન મનાઇ વટહુકમ આવ્યો. મધ્ય પ્રદેશમાં ધર્મ સ્વાતંત્ર્ય વટહુકમ ૨૦૨૦ અમલમાં આવ્યો અને ગુજરાતમાં ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) ધારો અમલમાં આવ્યો. આ કાયદાઓ હેઠળ હિંદુઓ અને મુસ્લિમો વચ્ચેના લગ્નને ગુનો ગણવામાં આવ્યો છે અને તેમાં જણાવાયું છે કે કોઇ લગ્ન પહેલાં કે પછી ધર્મ પરિવર્તન કરે તો લગ્ન ફોક ઠરે, ભલે પછી બાળક પણ થયાં હોય.

ધર્મ પરિવર્તન દગાથી નથી થયું કે ધાકધમકી કે દાબ દબાણથી નથી થયું તે પુરવાર કરવાની જવાબદારી લગ્ન કરનાર અને તેના પરિવારની છે. સરકારને અરજી કર્યા વગર ધર્મ પરિવર્તન કરનારને જેલમાં મોકલવામાં આવે છે. આ કાયદાની બીજી અજોડ બાબત એ છે કે તે હિંદુત્વને લાગુ નથી પડતા. હિમાચલ પ્રદેશનો અસલ કાયદો કહે છે કે કોઇ વ્યકિત પોતાના વડવાઓના ધર્મમાં પાછી ફરે તો તે ધર્મ પરિવર્તન નહીં કહેવાય. વડવાઓનો ધર્મ એટલે શું? તેની કાયદામાં વ્યાખ્યા નથી થઇ, પણ તેનો અર્થ સ્પષ્ટ છે કે હિંદુત્વમાં પરિવર્તન કરે તેને સજા નહીં થાય.

૨૦૨૦ માં ઉત્તર પ્રદેશ પોલીસે નાગરિકતા સુધારા ધારા સામે દેખાવ કરનાર ૨૧ શખ્સોને ઠાર માર્યા પછી તે જ વર્ષમાં જાહેર – ખાનગી મિલકતોની નુકસાનીની વસુલાતનો કાયદો ઘડાયો હતો. આ કાયદા હેઠળ જાહેર મિલકતને નુકસાન કર્યું હોવાના શકમંદોને દંડ કરવાની અને તેમનાં ઘર અને અન્ય મિલ્કતો જપ્ત કરવાની રાજયને સત્તા મળે છે. આરોપી પંચ સમક્ષ હાજર નહીં થઇ શકે તો ય જપ્તીના હુકમો બહાર પાડી શકાય અને તેની સામે અપીલ નહીં થઇ શકે.

૨૦૧૪ પછી બનેલા બીજા કેટલાકમાં ગૌવંશની હત્યાની નિર્દોષતા પુરવાર કરવાની જવાબદારી આરોપી પર નાંખવામાં આવી છે. આ કાયદાઓ પણ ભારતીય જનતા પક્ષની રાજય સરકારોએ કરી છે. મહારાષ્ટ્રનો પ્રાણી સંરક્ષણ (સુધારા) કાયદો ૨૦૧૫, હરિયાણાનો ગૌવંશ સંરક્ષણ અને સંવર્ધન ધારા ૨૦૧૫, ગુજરાત પ્રાણી સંરક્ષણ (સુધારા) ધારો ૨૦૧૭ અને કર્ણાટકનો કતલ પ્રતિબંધ અને પશુ સંરક્ષણ કાયદો ૨૦૨૦ છે. તે અન્વયે કોઇના પર ગાયની કતલો કે તેનું માંસ રાખવાનો આરોપ હોય તો પોતે ગાયની કતલ નથી કરી અને તેમના ફ્રીઝમાં રખાયેલું માંસ ગાયનું નથી તે પુરવાર કરવાની જવાબદારી તેની બને છે.

ભારતમાં ગાયની કતલ એક આર્થિક ગુનો છે કારણકે તેનું ધ્યેય પશુપાલનનું  સંરક્ષણ કરવાનું છે પણ ગુજરાતમાં ગૌહત્યા બદલ જન્મ ટીપની સજા થાય છે. બીજા કોઇ આર્થિક ગુના સબબ આવી સજા નથી થઇ. નવા કાયદા હેઠળ એક મુસ્લિમને પોતાની દીકરીનાં લગ્નની દાવતમાં ગૌમાંસ પીરસવાના આરોપસર દસ વર્ષની સજા થઇ હતી. પોલીસો આવો ગુનો બન્યો હોવાનું પુરવાર નહીં કરી શકતાં ન્યાયાધીશે કહ્યું હતું કે પોતે નિર્દોષ છે એ સાબિત કરવાનું કામ આરોપીનું છે. જે ખોરાક ખવાઇ જ ચૂકયો હતો તેનું પરીક્ષણ નહીં થઇ શકયું હોવાથી આરોપીને જેલમાં મોકલવામાં આવ્યો હતો.

પુરાવાની જવાબદારીનો બોજ ઉલટો કરી નાંખનાર અન્ય કાયદાઓમાં ગેરકાયદે પ્રવૃત્તિ અટકાયત ધારાનો સમાવેશ થાય છે, જે અન્વયે એક વાર આરોપ લાગી જાય પછી જામીન મેળવવાનું અશકય નહીં તો મુશ્કેલ પણ બની જાય છે. દરેક ભારતીય રાજયોમાં પ્રતિરોધક અટકાયતી  કાયદાઓ છે, જેના દ્વારા સરકાર લોકોને તેઓ ભવિષ્યમાં ગુનો કરશે એવી ધારણાએ જેલમાં પૂરી શકે છે. ભારતીય જનતા પક્ષ તેના જનસંઘના પૂર્વ અવતારમાં પ્રતિરોધક અટકાયતી ધારાનો વિરોધ કરતો હતો પણ આજે એ આવા કાયદાના પુરસ્કર્તા છે. ૨૦૧૪ થી અપરાધની ધારણાના કાયદાઓ આવી રહ્યા છે પણ તેના પર આપણે કરવી જોઇએ તેવી કોઇ ચર્ચા કે વિરોધ પણ નથી થતા કારણ કે તંત્ર અને તેના નિષ્પક્ષપણામાં સરેરાશ ભારતીયની શ્રદ્ધા સંપૂર્ણ છે.      
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top