Columns

યુદ્ધવિરામના બદલામાં યુક્રેન અમેરિકાનું આર્થિક ગુલામ બની જશે

ગાઝા પટ્ટીમાં યુદ્ધવિરામ પછી યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટે રશિયા અને અમેરિકા વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ છે. આ બેઠક સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં અમેરિકાના વિદેશ મંત્રી રુબિયો અને રશિયન વિદેશ મંત્રી સેરગેઈ લવરોવ વચ્ચે થઈ રહી છે. આ વાટાઘાટોમાં યુક્રેનનો કોઈ પ્રતિનિધિ સામેલ નથી. રશિયા પરના અમેરિકી પ્રતિબંધો હટાવવાનો મુદ્દો પણ આ વાટાઘાટોનો ભાગ હશે. ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ સમક્ષ એવી માંગણી કરી છે, જે પૂરી થાય તો રશિયા સાથેના યુદ્ધથી બરબાદ થયેલ ઝેલેન્સ્કીનો દેશ અમેરિકાની આર્થિક વસાહત બની જશે.

ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન પાસેથી ૫૦૦ અબજ ડોલરના વળતરની માંગણી કરી છે. આ માટે તેમણે યુક્રેનના મહત્ત્વપૂર્ણ ખનિજો પર નિયંત્રણની વાત કરી છે. તદુપરાંત યુક્રેનનાં બંદરો અને માળખાગત સુવિધાઓથી લઈને તેના વિશાળ તેલ અને ગેસ સંસાધન સુધી બધું જ તેમાં સામેલ છે. અમેરિકાએ એક અઠવાડિયા પહેલાં ઝેલેન્સ્કીના કાર્યાલયને કરારની શરતો મોકલી હતી. આ શરતો મુજબ યુક્રેનને સંસાધનોના શોષણમાંથી મળતી આવકનો ૫૦ ટકા અને ભવિષ્યમાં સંસાધનોના મુદ્રીકરણ માટે જારી કરાયેલાં તમામ નવાં લાઇસન્સના નાણાંકીય મૂલ્યનો ૫૦ ટકા હિસ્સો અમેરિકા લેશે. આ દસ્તાવેજથી યુક્રેનની રાજધાની કિવમાં ગભરાટ ફેલાયો છે.

અમેરિકાના આ પ્રસ્તાવની તુલના પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મની સાથે થયેલી અપમાનજનક વર્સેલ્સ સંધિ સાથે કરવામાં આવી રહી છે. જો કરારનો ડ્રાફ્ટ સ્વીકારવામાં આવે તો ટ્રમ્પની માંગણીઓ વર્સેલ્સ સંધિ હેઠળ જર્મની પર લાદવામાં આવેલા વળતર કરતાં યુક્રેનિયન જીડીપીમાં અમેરિકાનો વધુ હિસ્સો હશે. ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા મોકલવામાં આવેલા પ્રસ્તાવની શરતો જોતાં એવું લાગે છે કે તે અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટ કે કોમર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નહીં પરંતુ ખાનગી વકીલો દ્વારા લખવામાં આવ્યો છે. ગયા વર્ષે ટ્રમ્પ ટાવરની મુલાકાત દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પોતે યુક્રેનના દુર્લભ ખનિજોમાં અમેરિકાને સીધો હિસ્સો આપવાનો વિચાર પ્રસ્તાવિત કર્યો હતો. તેનો ઉદ્દેશ શસ્ત્રોના પુરવઠાને સરળ બનાવવાનો હતો. આનાથી અમેરિકન કંપનીઓ જમીન પર કામ શરૂ કરશે, જે પુતિનને ફરીથી હુમલો કરતાં અટકાવશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી સાથે યુદ્ધનો અંત લાવવા માટે ફોન પર વાત કરી હતી. ટ્રમ્પે પુતિન સાથે લગભગ દોઢ કલાક વાત કરી હતી. બંને નેતાઓ એકબીજાના દેશોની મુલાકાત લેવા સંમત થયા હતા. ટ્રમ્પે મિડિયાને જણાવ્યું હતું કે મારી અને રાષ્ટ્રપતિ પુતિનની ટીમો વચ્ચે તાત્કાલિક વાટાઘાટો શરૂ કરવા માટે કરાર થયો છે. આપણે સાઉદી અરેબિયામાં મળીશું. ટ્રમ્પે યુક્રેનમાં નવેસરથી સામાન્ય ચૂંટણી કરાવવાની હાકલ કરી હતી. બીજી તરફ, ટ્રમ્પ વહીવટીતંત્રે યુક્રેનને મોટો ઝટકો આપ્યો છે. બેલ્જિયમમાં નાટો મુખ્યાલયમાં અમેરિકન સંરક્ષણ સચિવ પીટ હેગસેથે સ્પષ્ટ કર્યું કે અમેરિકા હવે યુક્રેનને પહેલાંની જેમ મોટી આર્થિક અને લશ્કરી સહાય પૂરી પાડશે નહીં.

તેમણે એમ પણ કહ્યું કે ટ્રમ્પ નાટોમાં યુક્રેનના સભ્યપદને સમર્થન આપતા નથી. હેગસેથે કહ્યું કે યુક્રેન માટે હવે ૨૦૧૪ પહેલાંની સરહદો પર પાછા ફરવું અશક્ય છે. રશિયા સાથેના કોઈ પણ શાંતિ કરાર માટે અમેરિકા યુક્રેનમાં સૈનિકો મોકલશે નહીં. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે યુક્રેન યુદ્ધ રોકવા માટે રશિયા સાથે જમીનની આપલે કરવા માટે તૈયાર છે. બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયનને આપેલા ઇન્ટરવ્યુમાં ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે જો ટ્રમ્પ રશિયા અને યુક્રેનને એક પ્લેટફોર્મ પર લાવવામાં સફળ થાય તો આ શક્ય છે. ઝેલેન્સ્કીએ એ પણ સ્વીકાર્યું કે તેઓ અમેરિકન મદદ વિના યુદ્ધ લડી શકતા ન હતા.

તેમણે કહ્યું કે કેટલાક લોકો એવું કહે છે કે યુરોપ અમેરિકા વિના પણ યુક્રેનનું રક્ષણ કરી શકે છે, પણ એ સાચું નથી. યુક્રેનની સુરક્ષા અમેરિકા વિના શક્ય નથી. ઓગસ્ટ ૨૦૨૪માં યુક્રેને રશિયાના કુર્સ્ક પર હુમલો કર્યો હતો અને લગભગ ૧,૩૦૦ ચોરસ કિલોમીટર વિસ્તાર કબજે કર્યો હતો. રશિયાએ વળતો હુમલો કર્યો હતો અને તેણે ગુમાવેલી જમીનનો લગભગ અડધો ભાગ પાછો મેળવ્યો હતો. ઝેલેન્સ્કીએ કહ્યું કે યુક્રેન હજુ પણ મોટા રશિયન પ્રદેશ પર કબજો કરી રહ્યું છે, જેનો ઉપયોગ તેઓ રશિયા સાથે સોદો કરવા માટે કરશે. અમને તેમની જમીનના બદલામાં અમારી જમીન મળશે. તેમણે એ જણાવ્યું ન હતું કે રશિયન કબજાના બદલામાં યુક્રેન કયા પ્રદેશની માંગ કરશે. ઝેલેન્સ્કીએ કહ્યું કે દરેક યુક્રેનિયન જમીન તેમના માટે મહત્ત્વપૂર્ણ છે.

રશિયાએ યુક્રેનના પાંચ પ્રદેશો પર કબજો કર્યો છે. તેણે ૨૦૧૪ માં ક્રિમીઆ અને ૨૦૨૨ માં ડોનેટ્સક, ખેરસન, લુગાન્સ્ક અને ઝાપોરિઝ્ઝિયા જેવા પ્રદેશો પર કબજો કર્યો છે. ઝેલેન્સ્કીને ડર છે કે સુરક્ષાની ગેરંટી વિના રશિયા પાસે ફરીથી સંગઠિત થવા અને નવા હુમલા માટે પોતાને સજ્જ કરવાનો સમય હશે. તેઓ યુક્રેન-રશિયા સરહદ પર શાંતિ રક્ષા દળ અથવા યુક્રેન માટે નાટોનું સભ્યપદ ઇચ્છે છે. ઝેલેન્સ્કીએ એમ પણ કહ્યું કે તેઓ યુક્રેનના પુનઃવિકાસ માટે અમેરિકન કંપનીઓને આકર્ષક ઓફરો આપવા તૈયાર છે. તેમણે કહ્યું કે યુક્રેનને બચાવવામાં મદદ કરવા માંગતા લોકોના લાભ માટે તેઓ વિગતવાર વાટાઘાટો કરવા તૈયાર છે.

યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કીએ તાજેતરમાં રશિયન સરહદ પર એક લાખ સૈનિકોના શાંતિ રક્ષા દળ તૈનાત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. યુક્રેનના નાટો સભ્યપદ મેળવવાના પ્રયાસને અમેરિકાએ નકારી કાઢ્યા બાદ તેમનો પ્રસ્તાવ આવ્યો છે. આવી સ્થિતિમાં ઝેલેન્સ્કી સુરક્ષાની વૈકલ્પિક ગેરંટી શોધી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા દળો ૧૨૦થી વધુ દેશોના સૈન્યમાંથી લેવામાં આવે છે. આ દેશોમાં નેપાળ, બાંગ્લાદેશ, ભારત અને પાકિસ્તાનનું મહત્ત્વનું યોગદાન છે. આવી સ્થિતિમાં એ સ્પષ્ટ છે કે દુનિયા ચીન અને ભારત જેવા દેશોની ભૂમિકા પર નજર રાખી રહી છે.

ચીનના ભૂતપૂર્વ કર્નલ અને સંરક્ષણ નિષ્ણાત ઝોઉ બોએ કહ્યું છે કે તેમના દેશના સૈનિકો રશિયા અને યુક્રેન વચ્ચેના કોઈ પણ યુદ્ધવિરામ કરારને જાળવી રાખવામાં મદદરૂપ થઈ શકે છે. આ માટે ભારતની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ છે. જો ચીની સૈનિકો ભારત જેવા બિન-નાટો દેશો સાથે યુક્રેનમાં કામ કરે તો તે અસરકારક સાબિત થઈ શકે છે. ચીન પાસે યુદ્ધ પછીના શાંતિ પ્રયાસોમાં યોગદાન આપવા માટે પૂરતી લશ્કરી તાકાત છે. તેમણે ૧૯૯૦ ના દાયકામાં જ્યારે યુક્રેને તેના પરમાણુ શસ્ત્રો છોડી દીધાં ત્યારે બેઇજિંગની સંડોવણીનો ઉલ્લેખ કર્યો હતો. યુક્રેનને સામુહિક સુરક્ષા ગેરંટી વિના ફરીથી રશિયાના હુમલાનો ડર લાગશે.

ચીનના લશ્કરી નિષ્ણાત ઝોઉ બોએ જણાવ્યું હતું કે યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવામાં ચીન ત્રણ ભૂમિકાઓ ભજવી શકે છે. પહેલું, યુક્રેનને સામુહિક સુરક્ષા ગેરંટી પૂરી પાડવામાં ભારત અને અન્ય મોટી શક્તિઓ સાથે જોડાવાનું. બીજું, યુક્રેનમાં યુરોપિયન સૈનિકો રાખવાનો વિકલ્પ વાસ્તવિક નથી કારણ કે રશિયા તેને નાટોની હાજરી તરીકે જોશે અને તેનાથી નવી સમસ્યાઓ ઊભી થશે. ત્રીજું, ઝોઉ માને છે કે ચીન યુદ્ધ પછીના પુનર્નિર્માણમાં પણ ભૂમિકા ભજવી શકે છે.

યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કીને યુક્રેન યુદ્ધ પર શાંતિ વાટાઘાટો માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી. યુરોપિયન દેશોના નેતાઓને પણ આ વાટાઘાટોમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી. યુરોપ વાટાઘાટોમાંથી બાકાત રહી શકે છે તેવી આશંકા વચ્ચે ફ્રાન્સના રાષ્ટ્રપતિએ સોમવારે એક સમિટનું આયોજન કર્યું હતું. યુરોપિયન દેશોના નેતાઓએ તેમાં ભાગ લીધો હતો. યુક્રેન યુદ્ધનો ઉકેલ શોધવા માટે પહેલાં પણ ઘણા પ્રયાસો કરવામાં આવ્યા છે.

ઝેલેન્સ્કીએ કહ્યું કે યુક્રેન પાસે યુરોપમાં સૌથી મોટો ખનિજ ભંડાર છે. આ ભંડાર રશિયાના હાથમાં જાય તે અમેરિકાના હિતમાં નથી. તેઓ અમેરિકન કંપનીઓને અહીં રોકાણ કરવાની તક આપી શકે છે, જેથી યુક્રેન માટે નોકરીઓનું સર્જન થાય અને અમેરિકન કંપનીઓ પણ નફો કમાય. આ વાટાઘાટો પરથી લાગે છે કે યુદ્ધના પરિણામે યુક્રેનના બે ટુકડા થઈ જશે, જેમાંથી એક ટુકડો રશિયા લઈ જશે. વધુમાં યુક્રેન આર્થિક અને રાજકીય રીતે અમેરિકાનો ગુલામ દેશ બની જશે. બે બિલાડીઓના ઝઘડામાં વાંદરો ફાવી જાય તેવી આ કથા છે.

Most Popular

To Top