દિલ્હી : વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને શુક્રવારે ટેલિફોન (Telephone) પર વાતચીત દરમિયાન ઊર્જા, વેપાર અને સંરક્ષણ અને સુરક્ષાના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરી હતી. યુક્રેનમાં (Ukraine) ચાલી રહેલા યુદ્ધના સંદર્ભમાં મોદીએ પુતિનને ફરીથી ભારપૂર્વક કહ્યું હતું કે વાતચીત અને મુત્સદ્દીગીરી જ આગળ વધવાનો એકમાત્ર રસ્તો છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે વડા પ્રધાને રશિયા પ્રમુખને ભારતના ચાલી રહેલા જી-20 અધ્યક્ષતા વિશે માહિતી આપી હતી અને તેની મુખ્ય પ્રાથમિકતાઓ અંગે જણાવ્યું હતું.
- વડાપ્રધાન મોદીએ રશિયન પ્રમુખ સાથે ફોન પર વાતચીત કરી
- બંને નેતાઓએ ઊર્જા, વેપાર અને સંરક્ષણ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરી
- યુક્રેનમાં વાતચીત અને કૂટનીતિ એકમાત્ર રસ્તો હોવાની વાત મોદીએ ફરી દોહરાવી
‘એસસીઓ શિખર સંમેલનથી અલગ સમરકંદમાં તેમની બેઠકને અનુસરીને, બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોના ઘણા પાસાઓની સમીક્ષા કરી જેમાં ઉર્જા સહયોગ, વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા સહયોગ અને અન્ય મુખ્ય ક્ષેત્રો સામેલ છે’, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
‘વડાપ્રધાને પ્રમુખ પુતિનને જી-20માં ભારતની ચાલી રહેલી અધ્યક્ષતા વિશે જાણકારી આપી, તેની મુખ્ય પ્રાથમિકતાઓ જણાવી. તેમણે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના (એસસીઓ) ભારતના અધ્યક્ષપદ દરમિયાન બંને દેશો સાથે મળીને કામ કરવા માટે આતુરતા વ્યક્ત કરી હતી’, એમ અધિકારીએ ઉમેર્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે બંને નેતાઓ નિયમિત સંપર્કમાં રહેવા માટે સંમત થયા છે.
મોદી આ વર્ષે વાર્ષિક ભારત-રશિયા શિખર સંમેલન માટે રશિયાની મુલાકાતે નહીં જાય તે વાત સામે આવ્યાના દિવસો બાદ ફોન પર વાતચીત થઈ. પુતિન ગયા વર્ષે શિખર સંમેલન માટે ભારતની મુલાકાતે આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રશિયા વિરુદ્ધના યુએનમાં અનેક ઠરાવો વખતે ભારત ગેરહાજર રહ્યું છે અને તેણે રશિયા વિરુદ્ધ મતદાન કર્યું નથી.