SURAT

સુરતના વિદ્યાર્થી પોલેન્ડની બોર્ડર પર હાડ થિજાવતી ઠંડીમાં બે દિવસ રોકાયા, કેટલાંક બેભાન થયા

સુરત: યુક્રેનમાં (Ukraine) ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ (Indian Student) દિલ્હી તેમજ મુંબઇ એરપોર્ટ ઉપર રોમાનિયાથી પરત ફરી રહ્યા છે. ગઇકાલે કતારગામ વિસ્તારનો એક વિદ્યાર્થી રોમાનિયાથી (Romania) પરત આવ્યો હતો. આ વિદ્યાર્થી અઠવાડીયા પહેલા સુરત પહોંચવાનો હતો. પરંતુ તે જ્યારે ચર્નેવિત્સી યુનિવર્સિટીથી કિવ એરપોર્ટ પહોંચ્યો તે સમયે રશિયન આર્મી દ્વારા કિવ સિટી ઉપર હુમલા શરૂ કરી દેવાયા હતા. જેથી નિરાશા લઇ વિદ્યાર્થી પરત યુનિવર્સિટી પહોંચ્યો હતો.

  • મંગળવારે સુરત આવેલા કતારગામના હર્ષ ઝાંઝમેરા સહિત 30થી 40 વિદ્યાર્થીઓ કિવ એરપોર્ટ પર ફસાઈ ગયા હતા
  • હર્ષ ઝાંઝમેરા સહિતના અઠવાડીયા બાદ રોમાનિયાથી ભારત પરત ફર્યા

કતારગામમાં રહેતો હર્ષ ઝાંઝમેરા યુક્રેનની ચર્નેવિત્સી સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં એમબીબીએસનો અભ્યાસ કરે છે. યુદ્ધ શરૂ થતા હર્ષને યુનિવર્સિટીમાંથી તેમજ ગર્વમેન્ટ ઓફ ગુજરાતના મેસેજ મળ્યા હતા. વિદ્યાર્થીઓને ભારત સરકારે યુક્રેન છોડી દેવા માટે પણ અગાઉથી સૂચના આપી દીધી હતી. જોકે યુદ્ધ શરૂ થઇ જતા વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હતા. હર્ષ ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે, તેની સાથે અન્ય 30થી 40 ભારતીય વિદ્યાર્થીઓ ગઇ તા.24 ફેબ્રુઆરીએ ચર્નેવિત્સી યુનિવર્સિટીની બસમાં કિવ એરપોર્ટ જવા નિકળ્યા હતા.

એરપોર્ટ પહોંચતા જ રશિયન સૈન્ય દ્વારા કિવ સિટી ઉપર એટેક કરાયો હતો. જેથી એરપોર્ટ ઓથોરિટી દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને પરત યુનિવર્સિટી જતા રહેવાની સૂચના આપી દેવાઇ હતી. હવે પરત વતન જવા મળશે કે નહીં તેવી નિરાશા સાથે હર્ષ સહિતના વિદ્યાર્થી પરત યુનિવર્સિટી ગયા હતા. ત્યારબાદ 26 ફેબ્રુઆરીએ હર્ષ ફરીથી યુનિવર્સિટીથી નિકળ્યો હતો અને બાય રોડ રોમાનિયા બોર્ડર સુધી પહોંચ્યો હતો. જ્યાંથી તેમને શેલ્ટરમાં લઇ જવાયા હતા જ્યાં રાતવાસો કર્યા બાદ પહેલી માર્ચના રોજ રોમાનિયા એરપોર્ટથી તે ભારત આવવાના રવાના થયો હતો. હર્ષના પરિવારે પુત્ર ફસાયાની પહેલી જાણ નરેન્દ્ર પાંડવને કરી હતી.

બોર્ડર પર ભૂખ્યા-તરસ્યાં રહ્યાં, પોલેન્ડમાં પ્રવેશ બાદ જમવાનું મળ્યું
યુક્રેનના ટર્નોપીલ નેશનલ મેડિકલ યુનિ.માં મેડિકલમાં અભ્યાસ કરતા સાત વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડર (Poland Border) પરથી મહામહેનતે દિલ્હી આવ્યા હતા. દિલ્હીથી તેઓ આજે સુરત પરત આવ્યા હતા. તેમને લેવા માટે વાલીઓ એરર્પોટ પર દોડી ગયા હતા. આ સાત વિદ્યાર્થીઓનો સાથે સંપર્ક થયા બાદ તેમણે કહ્યું હતું કે, હાલમાં યુક્રેનમાં સ્થિતિ દિવસે ને દિવસે બિહામણી થઈ રહી છે. હજુ પણ અનેક વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે. તેઓને વહેલી તકે હેમખેમ વતન લાવવામાં આવે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત સરકારને કારણે અમને પોલેન્ડમાં જમવાનું પણ મળ્યું અને રહેવાનું પણ મળ્યું હતું. યુક્રેન બોર્ડ પર તેઓએ બેથી ત્રણ દિવસ વિતાવ્યા હોવાનું પણ જણાવ્યું હતું. ભારત સરકાર દ્વારા મિશન ગંગા હેઠળ એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટ થકી વિદ્યાર્થીઓને સફળતાપૂર્વક એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે. સુરતની વાત કરવામાં આવે તો સુરત કલેક્ટર કચેરી ખાતે 270 વિદ્યાર્થીના વાલીઓ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે.

દ.ગુ.ના 50 વિદ્યાર્થીને એરલિફ્ટ કરી લેવામાં આવ્યા છે: કલેકટર આયુષ ઓક
સુરત જિલ્લા કલકેટર આયુષ ઓકએ ક્હ્યું હતું કે, યુક્રેનના યુધ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી સુરત સહિત સમસ્ત દક્ષિણ ગુજરાતભરના વધુ 50 બાળકો કાલે સુરત આવી પહોચશે. રોમાનીયા તેમજ પોલેન્ડ સહિત હંગેરી થઇ આ બાળકો મિશન ગંગા હેઠળ એરલિફ્ટ કરી લેવાયા છે. દિલ્હીથી વોલ્વો મારફત સુરત આવવા નીકળી ગયા છે. અને હાલ બસ જયપુર પણ પહોચી ગઇ છે. આવતીકાલ સાંજ સુધી કે બપોર સુધીમાં આ બસ સુરત સરકીટ હાઉસ આવી પહોચશે.

હાડ થીજાવતી ઠંડીમાં વિદ્યાર્થીઓ બેભાન થયા
યુક્રેનના ટર્નોપીલ નેશનલ મેડિકલ યુનિ.માં મેડિકલનો અભ્યાસ કરતી નેન્સી ડોબરીયાએ આપવિતી જણાવતા કહ્યું હતું કે, યુક્રેનથી સુરત આવતા સાત દિવસ થઈ ગયા હતા. ટર્નોપીલથી તેઓનું ગૃપ બસમાં પોલેન્ડ બોર્ડર પર આવ્યું હતું. જો કે ત્યાં તેઓને તુરંત એન્ટ્રી મળી નહી. જેથી બે દિવસ રોકાવું પડ્યું હતું. તેમના પાસે જે જમવાનું હતું તેનાથી બે દિવસ પસાર કર્યા હતા. ત્યાંનુ ટ્રેમ્પચર માઈનસમાં હોવાના કારણે બીજા દિવસે તો કેટલાક વિદ્યાર્થીઓ બેભાન થવા લાગ્યા હતા. ભારે કટોકટ સ્થિતિનો સામનો કયા પછી તેમને પોલેન્ડ બોર્ડર પરથી અમને એન્ટ્રી મળી હતી.

વિદ્યાર્થીઓ દ્વારા ભારત સરકારનો પાડ માનવામાં આવ્યો
યુક્રેન-પોલેન્ડ-દિલ્હી થઈ સુરત આવેલા સાત વિદ્યાર્થીએ ભગવાનનો આભાર માન્યો. સાથે સાથે ભારત સરકારનો પણ આભાર માન્યો હતો. તમામ વિદ્યાર્થીઓનો એક જ સૂર હતો કે આજે યુક્રેનથી જેટલા પણ લોકો પરત આવી રહ્યા છે તે માત્ર ને માત્ર ભારત સરકારના પ્રયત્નોને કારણે જ આવી શક્યા છે. તેથી ભારત સરકારનો આભાર માનીએ તેટલું ઓછું છે.

વિદ્યાર્થીઓનું કેક કાપીને સ્વાગત કરવામાં આવ્યું
મોડી સાંજે સુરત એરપોર્ટ પર સાત વિદ્યાર્થીઓ ફ્લાઈટમાં દિલ્હીથી આવ્યા હતા. તેમને લેવા માટે વાલીઓ મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. પરિવારજનો સાથે મિલન થયા બાદ ભાવુક દ્રશ્યો સર્જાવા પામ્યા હતા. છેલ્લા એક સપ્તાહથી પરિવારજનોના જીવ તાળવે ચોંટ્યા હતા. ત્યારે અચાનક નજર સમક્ષ પોતાના કાળજાના કટકાને જોઈને તમામ વાલીઓના હર્ષના આંસુ જોવા મળ્યા હતા. આવેલ વિદ્યાર્થીઓને વાલીઓ દ્વારા કેક કાપીને સ્વાગત કરવામાં આવ્યું હતુ.

યુક્રેનની સ્થિતિ બિહામણી થઈ રહી છે
યુક્રેનથી સુરત આવેલા ચાર મિત્રો પૈકી સાહિલ વાળોદરીયા સાથે થયેલી ચર્ચામાં તેણે જણાવ્યું હતું કે, જ્યારે અમે ટર્નોપીલથી બસમાં આવવા નિકળ્યા ત્યારે અમને ખબર ન હતી કે હવે શું થશે? અમે બસમાં પોલેન્ડની પહેલી બોર્ડર પર પહોંચ્યા. જ્યાં બે દિવસ રોકાયા હતા. પરંતુ અમને એન્ટ્રી મળી નહી. ત્રીજા દિવસે અમે પોલેન્ડની બીજી બોર્ડર પર ગયા અને અમને તુરંત એન્ટ્રી મળી ગઈ. જ્યાં ભારત સરકરના પ્રતિનિધીઓ હાજર હતા. તેઓએ અમને જમવા તથા રહેવાની પણ વ્યવસ્થા કરી આપી હતી. હાલમાં યુક્રેનમાં સ્થિતિ દિવસે ને દિવસે બિહામણી થઈ રહી છે અને વહેલી તકે તમામ વિદ્યાર્થીઓ હેમખેમ પરત વતન પહોંચે તેવી સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે તેવું જણાવ્યું હતું.

પરત આવેલા વિદ્યાર્થીઓ
નેન્સી ડોબરીયા, પાર્થ તલાવીયા, ,સાહિલ વાળોદરીયા, જેનીશ વાઘાણી, તરંગ ગજેરા, રૂત્વી પટેલ, જેની કાનપરીયા, હસ્તી વિરાણી, ખુશી પટેલ

Most Popular

To Top