National

દૂધ બાદ તેલના ભાવમાં ધરખમ વધારો, તમામ તેલના ડબ્બા પર 400થી 500 રૂપિયાનો વધારો

નવી દિલ્હી: રશિયા (Russia) -યુક્રેન (Ukraine) ના યુદ્ધ (War) ની અસર ભારતના મધ્યમ વર્ગીય લોકો પર પડી રહી છે. બંને દેશો સાથે ભારત (India) ઔદ્યોગિક રીતે સંકળાયેલો છે તેથી તેની અસર દેશના અલગ અલગ ક્ષેત્રમાં દેખાઈ રહી છે. અમૂલે દૂધના ભાવમાં (Price) વધારો કર્યા અને હવે ખાદ્યતેલના (Food oil) ભાવમાં પણ વધારો થતા ગૃહિણીઓના બજેટ (Budget) ઉપર તેની અસર થશે. ખાદ્યતેલના ભાવમાં છેલ્લા પંદર દિવસમાં 20 થી 30 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને પગલે વિદેશથી આવતો કાચો માલ મોંઘો બનતા એક ડબ્બા પાછળ 400 થી 450 રૂપિયાનો વધારો થયો છે. ભાવમાં વધારો થતાં વેપારી અને ઉત્પાદકો સાથે ગૃહિણીઓ પણ મુશકેલીમાં મુકાઈ ગઈ છે. સીંગતેલ, કપાસિયા તેલ, સનફ્લાવર તેલ, પામોલિન તેલના ભાવ માત્ર પંદર દિવસથી એકાએક વધી ગયા છે. 

રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધના પગલે ભારત પર તેની અસર જોવા મળી રહી છે. કારણે ભારત બંને દેશો સાથે ઔદ્યોગિક રીતે સંકળાયેલો છે. યુદ્ધની અસર વિદેશથી આવતા કાચા માલ પર પડી છે. કારણ કે વિદેશથી આવતો કાચો માલસામાન મોંઘો બનતા ખાદ્ય તેલોના ભાવ આસમાને પહોંચ્યા છે. તો બીજી તરફ છેલ્લા પંદર દિવસમાં સીંગતેલ અને સોયાબીન તેલના ભાવોમાં ભાવ વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ઉલ્લેખનીય છે કે પંદર દિવસ અગાઉ જે સીંગતેલના ડબ્બાનો ભાવ 2250 રૂપિયે મળતો હતો, તે વધીને હાલ 2650 રૂપિયા થઈ ગયો છે. જ્યારે સોયાબિન અને પામોલીન તેલમાં પણ એક ડબ્બા પાછળ 400 થી 500 રૂપિયા ભાવ વધારો થયો છે. પંદર દિવસમાં સનફ્લાવર તેલ રૂ. 50નો વધારો, કપાસિયા તેલમાં રૂ.30નો વધારો, સરસવ તેલમાં રૂ.10 વધારો, સીંગતેલમાં રૂ. 40નો વધારો નોંધાયો છે.

60 ટકા તેલની વિદેશથી આયાત
વેપારીઓના જણાવ્યા પ્રમાણે, દેશની જરૂરિયાત મુજબ 60% તેલ વિદેશથી આયાત કરવામાં આવે છે. પામોલીન તેલ મલેશિયાથી આયાત કરવામાં આવે છે. જો કે આ વખતે પ્રથમવાર પામોલીન કરતાં સીંગતેલના ભાવ ઓછા હોય તેવું જોવા મળી રહ્યું છે, સાથે જ આગામી સમયમાં દેશી તેલની પણ અછત ભારતભરમાં જોવા મળે એવી પૂરી શક્યતા સેવાઈ રહી છે.

ખાદ્યતેલના ડબ્બા પાછળ 400 થી 500 રૂપિયાનો ભાવ વધારો
યુદ્ધના કારણે વિદેશથી આવતા કાચા માલ મોંઘા બની રહ્યા છે. ખાદ્યતેલના ડબ્બા પાછળ 400 થી 500 રૂપિયાનો ભાવ વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, કારણ કે તેઓ પોતાના રસોડા પાછળ 10 હજારથી 12 હજારનો ખર્ચ કરતી હતી, તે વધીને હવે 12 થી 15 હજાર જેટલો ખર્ચ કરશે. દેશમાં દૂધ, પેટ્રોલ, શાકભાજી બાદ હવે તેલના ભાવ પણ વધારો થતા લોકોના ખિસ્સા પર તેની ભારે અસર પડશે. ઉલ્લેખનીય છે કે આપણા દેશમાં કુલ વપરાશનું 60 ટકા તેલ વિદેશથી આયાત કરવામાં આવે છે. રશિયા યુક્રેન યુદ્ધની અસરથી તેલના ભાવ એકાએક ઉંચકાયા છે.

દૂધ બાદ છાશ અને દહીંના ભાવમાં પણ વધારો
અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારો કર્યા બાદ હવે છાશ અને દહીંમા પણ વધારો કરવામાં આવ્યો છે. અમૂલ દ્વારા પોતાની એક પછી એક પ્રોડક્ટમાં ભાવ વધારો કરી રહ્યો છે. છાશ અને મસ્તી દહીંમાં એક રૂપિયાનો વધારો થયો છે. શાકભાજી, દુધ બાદ હવે છાશની કિંમતમાં પણ વધારો થતા મધ્યમવર્ગીઓ પર તેની સીધી અસર પડશે. ઉલ્લેખનીય છે કે જો યુદ્ધ હજી ચાલશે તો ખાદ્યતેલ સહિત પેટ્રોલના ભાવમાં પણ વધારો થઈ શકે છે.

Most Popular

To Top