રશિયા અને યુક્રેન વચ્ચેનો વિવાદ(Ukraine Russia dispute) ચરમસીમા પર પહોંચી ગયો છે. યુક્રેનની સીમાઓ પર રશિયાએ પોતાની મૂવમેન્ટ આગળ વધારી છે. સીમાઓને ઘેરી લઈને સેના અને તોપો આગળ વધી રહ્યાનું સેટેલાઈટ ઈમેજમાં દેખાઈ રહ્યું છે. જેને લઈને વિશ્વભરમાં ચિંતા વધી જવા પામી છે. એક તરફ અમેરિકા રશિયા સાથે શાંતિમંત્રણાની વાત કરી રહ્યું છે. તેની સામે રશિયાની આ હિલચાલ કઈક બીજું જ દ્રશ્ય બતાવી રહી છે. જે પ્રકારે રશિયાએ સરહદ પર પોતાની હિલચાલ વધારી છે તેને જોઇને તો યુદ્ધ થશે તેવું નિશ્ચિત પણે લાગી રહ્યું છે.
- યુક્રેન રશિયા વિવાદ વધુ ઘેરો બન્યો
- સેટેલાઇટમાં દેખાઈ રશિયાની હિલચાલ દેખાતા ચિંતા
- સોલોટી નજીક દક્ષિણ તરફ બખ્તરબંધ બટાલિયન આગળ વધી રહી છે
સેટેલાઈટમાં સામે આવ્યા ચિંતાજનક દ્રશ્યો
યુક્રેન અને રશિયા વચ્ચે વિવાદ બાદ યુદ્ધની સ્થિતિ ઉભી થઇ છે. આ યુદ્ધ થવાનું નિશ્ચિત થઇ ગયું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે રશિયા દ્વારા અગાઉ જે પ્રકારે હુમલા કરવામાં આવ્યા અને જે પ્રકારે યુદ્ધનો અભ્યાસ કરાઈ રહ્યો છે તેને જોતા સ્થિતિ વધુ ચિંતાજનક બની રહી છે. સેટેલાઈટ ફોટાઓમાં ચોકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. હકીકતમાં યુક્રેનની સરહદ પાસે રશિયન સૈનિકોની અવરજવર વધી છે. અહીં બખ્તરબંધ વાહનો, આર્ટિલરી, ટેન્ક અને સૈનિકો સતત આગળ વધી રહ્યા છે. રશિયન સૈનિકોનો કાફલો, રાઇફલ બટાલિયનની હિલચાલ યુક્રેનિયન સરહદથી 35 કિમી દૂર સોલોટી ગેરીસનના ઉત્તરપૂર્વમાં જોઈ શકાય છે. એટલું જ નહીં, સોલોટી નજીક દક્ષિણ તરફ આગળ વધી રહેલી બખ્તરબંધ બટાલિયન પણ તસવીરોમાં દેખાઈ રહી છે.
તે જ સમયે, યુક્રેનિયન સરહદની ઉત્તરે લગભગ 15 કિમી દૂર સ્થિત વાલ્યુકીમાં રશિયન ગોળીબારમાં વધારો થયો છે. મેક્સર દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરો દર્શાવે છે કે આ વિસ્તારમાં હેલિકોપ્ટર પણ તૈનાત કરવામાં આવ્યા છે. નવાઈની વાત એ છે કે આ સૈનિકો યુક્રેનની સરહદ પર છેલ્લા ઘણા દિવસોથી એક જગ્યાએ મોરચો સંભાળી રહ્યા હતા. પરંતુ હવે તેઓ આગળની મુસાફરી કરી રહ્યા છે. સેટેલાઇટ તસવીરોમાં એ પણ દેખાઈ રહ્યું છે કે રશિયાના સૈનિકો જંગલ વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી નાના બંકરો બનાવીને રહેતા હતા. રશિયન સૈનિકો ગેરિસનમાં તૈનાત મોટા યુદ્ધ જૂથોમાં આગળ વધી રહ્યા છે. તે જ સમયે, યુક્રેનની સરહદથી લગભગ 30 કિમી દૂર બેલગોરોડમાં પણ સૈનિકો તૈનાત કરવામાંકરવામાં આવ્યા છે. મતલબ કે હાલમાં રશિયાએ યુક્રેનને અનેક મોરચે ઘેરી લીધું છે.
બેલારૂસમાં પરમાણુ અભ્યાસ કર્યો
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને આશંકા વ્યક્ત કરી છે કે રશિયા ગમે ત્યારે યુક્રેન પર હુમલો કરી શકે છે. તેણે એવી આશંકા પણ વ્યક્ત કરી છે કે રશિયા યુક્રેનની રાજધાની કિવ પર પણ હુમલો કરી શકે છે. દરમિયાન રશિયાએ બેલારુસ(Belarus)માં પરમાણુ કવાયત (Nuclear Drill)કરી છે. રશિયન નેવીએ કાળા સમુદ્ર(black sea)માં પણ કવાયત કરી હતી. ન્યૂઝ એજન્સી અનુસાર રશિયાએ યુક્રેનને ત્રણ બાજુથી ઘેરી લીધું છે. તેની સરહદ પાસે 1.50 લાખથી વધુ સૈનિકો તૈનાત છે. થોડા દિવસો પહેલા રશિયાએ યુક્રેનની સરહદ પરથી સૈનિકો હટાવવાની જાહેરાત કરી હતી, પરંતુ ત્યાં રશિયન સૈનિકોની સંખ્યા ઘટવાને બદલે વધી રહી છે. રશિયાએ યુક્રેનની સરહદે ફાઈટર એરક્રાફ્ટ, લશ્કરી વાહનો અને સાધનો પણ તૈનાત કર્યા છે.
1945ના બીજા વિશ્વ યુદ્ધ પછીના સૌથી મોટા યુદ્ધની તૈયારી
બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સનનું કહેવું છે કે રશિયા 1945ના બીજા વિશ્વ યુદ્ધ પછી યુરોપમાં સૌથી મોટા યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. જર્મની અને ઓસ્ટ્રિયાએ તેમના દેશના નાગરિકોને યુક્રેન છોડવા માટે કહ્યું છે.તણાવ વચ્ચે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી રશિયા વાતચીત માટે આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે રશિયાએ એવી જગ્યા નક્કી કરવી જોઈએ જ્યાં બંને દેશોના નેતાઓ બેસીને આ વિવાદનો ઉકેલ લાવી શકે. તેમણે શનિવારે જર્મનીના મ્યુનિકમાં આયોજિત આંતરરાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં કહ્યું કે યુક્રેન રાજદ્વારી દ્વારા શાંતિપૂર્ણ રીતે વિવાદને ઉકેલવા માટે પહેલ કરવાનું ચાલુ રાખશે. જો કે, તેણે એ પણ જણાવ્યું કે રશિયા તરફથી કોઈ જવાબ આવ્યો નથી. રશિયાએ યુક્રેનની સરહદ નજીક રહેતા લોકોને બહાર કાઢવાનું શરૂ કરી દીધું છે. યુક્રેનની સરહદને અડીને આવેલા ડોનેત્સ્કમાંથી લોકોને બહાર કાઢીને રશિયા મોકલવામાં આવી રહ્યા છે. ન્યૂઝ એજન્સી અનુસાર, અત્યાર સુધીમાં 7 લાખ લોકોને પાસપોર્ટ જારી કરવામાં આવ્યા છે. ડોનેટ્સક પર રશિયન સમર્થિત અલગતાવાદીઓએ કબજો જમાવ્યો છે.