રશિયા અને યુક્રેન વચ્ચેનો વિવાદ(Ukraine Russia Dispute) સતત વકરી રહ્યો છે. ગતરોજ યુક્રેનની સીમાઓ પર રશિયાએ પોતાની મૂવમેન્ટ આગળ વધારી હતી. સીમાઓને ઘેરી લઈને સેના અને તોપો આગળ વધી રહ્યાનું સેટેલાઈટ ઈમેજમાં દેખાયુ હતું. આ ઉપરાંત રશિયાએ સોમવારે દાવો કર્યો હતો કે યુક્રેનના બોમ્બ ધડાકામાં તેની બોર્ડર પોસ્ટને ઉડાવી દેવામાં આવી હતી. તે જ સમયે, યુક્રેને પણ ઘણી વખત દાવો કર્યો છે કે રશિયન સમર્થિત અલગતાવાદીઓએ તેના લોકો પર ગોળીબાર કર્યો છે.
જો કે, પ્રથમ વખત, રશિયાએ કહ્યું છે કે તેણે યુક્રેન પર બોમ્બ ધડાકામાં (Shell Attack) રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસ (FSB) દ્વારા ઉપયોગમાં લેવાતી બોર્ડર પોસ્ટને (Border Post) નષ્ટ કરી દીધી છે. પરંતુ આ વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. હકીકતમાં, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે પૂર્વી યુક્રેનમાં ડોનેત્સ્ક (Donetsk)અને લુગાન્સ્કને (luhansk) અલગ દેશો તરીકે માન્યતા ત્યારથી આ વિવાદ વકર્યો છે. હાલમાં અમેરિકા અને બ્રિટને રશિયા પર પ્રતિબંધોની વાત કરી છે. તે જ સમયે, યુક્રેન મુદ્દે આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બેઠક (UNESC meeting)ચાલી રહી છે.
રાજદ્વારી વાતચીત દ્વારા જ આ મુદ્દાને ઉકેલી શકાય છે : ભારત
યુક્રેન(Ukraine)-રશિયા (Russia )સંકટ પર સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં, ભારતે (India)આ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા આગ્રહ કર્યો હતો. ભારત તરફથી જણાવવામાં આવ્યું હતું કે તે સૈન્ય તણાવ દ્વારા પરિસ્થિતિ સુધારવાના પક્ષમાં નથી, પરંતુ આ મુદ્દાનો ઉકેલ વાતચીત દ્વારા જ શોધી શકાય છે. યુક્રેન પર યુએનએસસીની બેઠકમાં ભારતના પ્રતિનિધિ ટી.એસ. તિરુમૂર્તિએ હાજરી આપી હતી. ટી.એસ તિરુમૂર્તિએ કહ્યું કે અમે (ભારત) તમામ પક્ષોને સંયમ રાખવાનું આહ્વાન કરીએ છીએ. અમે માનીએ છીએ કે રાજદ્વારી વાતચીત દ્વારા જ આ મુદ્દાને ઉકેલી શકાય છે. સ્થાયી પ્રતિનિધિ વતી કહેવામાં આવ્યું હતું કે ભારતીય નાગરિકોની સુરક્ષા જરૂરી છે. 20,000 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો યુક્રેનના વિવિધ ભાગો અને સરહદી વિસ્તારોમાં રહે છે અને અભ્યાસ કરે છે જેમની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે.
યુક્રેનના બે વિસ્તારોને અલગ દેશોની માન્યતા આપવાની રશિયાની મોટી જાહેરાત
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે રાત્રે એક મોટી જાહેરાત કરી છે. જેમાં રશિયાએ યુક્રેનના બે વિસ્તારોને અલગ-અલગ દેશો તરીકે માન્યતા આપી હતી. આમાં રશિયાએ ડોનેત્સ્ક અને લુહાન્સ્ક વિસ્તારોને અલગ દેશ ગણ્યા છે. આ બંને પ્રદેશોમાં અલગતાવાદી જૂથોનું વર્ચસ્વ છે જે યુક્રેનની વિરુદ્ધ છે અને રશિયાના સમર્થનમાં છે. રશિયાના આ નિર્ણય બાદ યુક્રેનની પ્રતિક્રિયા પણ આવી છે. યુએનમાં યુક્રેને રશિયન પગલાને એક વાયરસ ગણાવ્યો જેણે યુએનને અસર કરી છે. વધુમાં કહેવામાં આવ્યું હતું કે આ વાયરસ ક્રેમલિન દ્વારા ફેલાયો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘યુક્રેનની આંતરરાષ્ટ્રીય સરહદો હજુ પણ અપરિવર્તનશીલ છે અને રહેશે.’ સંયુક્ત રાષ્ટ્રમાં યુક્રેનના રાજદૂત સર્ગેઈ કિસલિત્સ્યાએ કહ્યું કે અમે શાંતિ ઈચ્છીએ છીએ, અમે રાજકીય અને રાજદ્વારી કરાર માટે પ્રતિબદ્ધ છીએ. અમે ઉશ્કેરણીને વશ થતા નથી. અગાઉ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ રશિયા પર શાંતિ વાટાઘાટોને બગાડવાનો આરોપ મૂક્યો હતો અને મંગળવારની વહેલી સવારે રાષ્ટ્રને સંબોધનમાં કોઈપણ પ્રાદેશિક છૂટછાટોને નકારી કાઢી હતી.