યુક્રેન – રશિયા વચ્ચે જે યુદ્ધ શરૂ થયું તેને લીધે ત્યાં ફસાયેલાં ભારતીયોને આપણા દેશમાં પાછા લાવવા માટે આપણી સરકાર કટિબદ્ધ છે. પણ આ સંજોગોમાં જે વિચાર આવે તે ફકત મને નહીં, ઘણાંને આવે તે અહીં રજૂ કરું છું. ભણવું બીજા દેશમાં, પૈસા કમાવા બીજા દેશમાં, જલસા કરવા બીજા દેશમાં, મજૂરી કરવી બીજા દેશમાં, પણ જ્યારે આફત આવે ત્યારે બધો દોષનો ટોપલો ભારત સરકાર પર ઢોળી દેશે. કહેશે કે અમારી સુરક્ષા માટે ભારત સરકાર કંઈ કરતી નથી. તમને ભારત સરકારે કહેલું કે તમે વિદેશ જાઓ. ભારત દેશ જેવી આઝાદી અને શાંતિ ક્યાંય નથી. વિદેશ જઈને તમે ગમે એટલા અમીર બની જાવ. પણ સંકટ સમયે તો તમને તમારી માતૃભૂમિ અને રાષ્ટ્ર જ યાદ આવશે. ભારત દેશમાં જ ભણીને અને ભારતમાં રહીને ભારત દેશનું નામ ઉજ્જવળ કરો. તો અન્ય એક સંદેશામાં જણાવાયું છે કે આપણા દેશમાં અનામતનું દૂષણ હોવાથી હોશિયાર વિદ્યાર્થીઓને મેડિકલ કે એન્જિનિયરીંગમાં એડમિશન મળતું નથી અને ડોનેશનની સીટો એટલી મોંઘી છે કે એના કરતાં વિદેશનું ભણતર સસ્તું પડે, એટલે ઈચ્છા ન હોવા છતાં ફરજીયાત ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે વિદેશ જવું પડે છે. આપણા દેશની શિક્ષણપ્રથામાં અનામત મોટો સડો છે, જે દુનિયાના અન્ય કોઈ દેશમાં નથી. એવું નથી લાગતું કે ઉપર્યુકત બંને વાતોમાં તથ્ય સમાયેલું હોવાનો આભાસ ઉત્પન્ન થઈ રહ્યો છે. સિક્કાની બીજી બાજુ એ ઉકિત અહીં યથાર્થ લાગી રહી છે.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
યુક્રેન – રશિયા કટોકટી અંગે
By
Posted on