National

PM મોદી યુક્રેન પહોંચ્યા, કિવમાં PM મોદી અને રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચે થઈ મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનની રાજધાની કિવ પહોંચી ગયા છે. વડાપ્રધાન મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી કિવમાં મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ ઝેલેન્સકીના ખભા પર હાથ રાખ્યો અને તેમની સાથે ગંભીર ચર્ચા કરી હતી.

પીએમ મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીના આમંત્રણ પર યુક્રેન પહોંચ્યા છે. મુલાકાત પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ યુક્રેનના નેતા સાથે ચાલી રહેલા સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ અંગે તેમના વિચારો શેર કરશે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પીએમ મોદીની આ મુલાકાત ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. 1991માં યુક્રેનને આઝાદી મળ્યા બાદ ભારતીય વડાપ્રધાનની યુક્રેનની આ પ્રથમ મુલાકાત છે. પીએમ મોદી ટ્રેનમાં યુક્રેન ગયા છે.

જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કિવ પહોંચ્યા ત્યારે ભારતીય સમુદાયના લોકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા. પીએમ મોદી ટ્રેનમાં મુસાફરી કરીને યુક્રેન પહોંચ્યા હતા. અહીં તેઓ ભારતીય સમુદાયના લોકોને પણ મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે આજે સવારે કિવ પહોંચ્યા. ભારતીય સમુદાયે મારું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિવમાં ગાંધી સ્મારકની મુલાકાત લીધી હતી. કિવમાં AV ફોમિન બોટનિકલ ગાર્ડનમાં મહાત્મા ગાંધીની કાંસ્ય પ્રતિમાને ફૂલ અર્પણ કર્યા. આ પ્રતિમા 2020માં મહાત્મા ગાંધીની 151મી જન્મજયંતિ પર સ્થાપિત કરવામાં આવી હતી.

પીએમ મોદીએ જૂનમાં ઈટાલીના અપુલિયામાં જી-7 સમિટ દરમિયાન ઝેલેન્સકી સાથે વાત કરી હતી. વાતચીત દરમિયાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિને કહ્યું હતું કે ભારત યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલને સમર્થન આપવા માટે શક્ય તેટલું બધું કરશે. તેમણે કહ્યું હતું કે વાતચીત અને કૂટનીતિથી જ શાંતિ લાવી શકાય છે. બેઠકમાં યુક્રેનના રાષ્ટ્રપતિએ વડાપ્રધાનને કિવની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.

Most Popular

To Top