Editorial

યુક્રેને સાબિત કરી બતાવ્યું કે, દેશદાઝની સામે દુનિયાની મજબૂત સેના પણ ટકી શકતી નથી

રશિયા મૂળભૂત બાબતો માટે સંઘર્ષ કરી રહ્યું છે. સૈન્યમાં એક જૂનો દાખલો છે કે જ્યારે સમજ્યા વગરની રણનીતિની વાત આવે, ત્યારે વ્યાવસાયિક સાધનોની વાત આવે છે. એવા પુરાવા છે કે રશિયાએ વિચારવામાં વધુ સમય લીધો નથી. બખ્તરબંધ ટુકડીઓ પાસે ઑઇલ, ખોરાક અને દારૂગોળાની તંગી છે. વાહનો તોડી નાખવામાં આવ્યાં છે અને તેને રેઢાં છોડી દેવામાં આવ્યાં છે, જેને યુક્રેનિયન ટ્રેક્ટરો ખેંચીને લઈ જઈ રહ્યાં છે. પશ્ચિમી અધિકારીઓનું માનવું છે કે રશિયા પાસે દારૂગોળાની અછત હોવાની શક્યતા છે. તે ક્રૂઝ મિસાઇલો સહિત 850-900 જેટલી લાંબા અંતરની ગાઇડેડ મિસાઇલો છોડી ચૂક્યું છે, જેમાં ક્રૂઝ મિસાઇલ પણ સામેલ છે, તેમને અનગાઇડેડ શસ્ત્રોથી બદલવું ખૂબ મુશ્કેલ છે. ખામીઓને પહોંચી વળવા માટે રશિયાએ ચીન પાસે મદદ માગી છે, જેના પર અમેરિકી અધિકારીઓએ ચેતવણી આપી છે. તેનાથી વિપરીત, યુક્રેનને પશ્ચિમી દેશો તરફથી સતત શસ્ત્રોનો પુરવઠો મળી રહ્યો છે, જેણે તેમનું મનોબળ વધારી દીધું છે.

અમેરિકાએ પણ જાહેરાત કરી છે કે તે સંરક્ષણ સહાય પેટે 80 કરોડ ડૉલરની વધારાની સહાય આપશે. સાથે એન્ટી ટૅન્ક અને એન્ટી ઍરક્રાફ્ટ મિસાઈલ પણ આપવામાં આવશે, એવી અપેક્ષા છે કે યુએસ નિર્મિત આત્મઘાતી ડ્રોન સ્વિચબ્લેડ જેવાં હથિયારો પણ આપી શકે છે. પશ્ચિમી અધિકારીઓ હજુ પણ ચેતવણી આપી રહ્યા છે કે રાષ્ટ્રપતિ પુતિન ‘વધુ ક્રૂરતા આચરી શકે છે.’ તેઓ કહે છે કે પુતિન પાસે હજુ પણ યુક્રેનનાં શહેરોને નષ્ટ કરવાની શક્તિ છે.આ બધા આંચકા છતાં એક ગુપ્તચર અધિકારીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પુતિનની અટકી જવાની સંભાવના ઓછી છે અને તેઓ આક્રમણ વધારી શકે છે. તેઓ માને છે કે રશિયા યુક્રેનને લશ્કરી રીતે હરાવી શકે છે.

યુક્રેનના જવાનોએ ભારે લડત આપી છે, અને તેમના અધિકારીઓએ પણ ચેતવણી આપી છે કે મહત્ત્વપૂર્ણ પુરવઠા વિના તેઓ પણ “શસ્ત્રો અને સંખ્યાના સંદર્ભમાં પાછા પડી શકે છે. આમ યુક્રેનના લોકોએ સાબિત કરી બતાવ્યું છે કે, દેશદાઝની સામે વિશ્વનની મજબૂતમાં મજબૂત સેના પણ ટકી શકે તેમ નથી. મજબૂત સેના અને આધુનિક હથિયારથી તમે કોઇ દેશની જમીન ઉપર કબજો કરી શકો છો પરંતુ જ્યાં સુધી તે દેશના લોકો તેમની સંસ્કૃતિ અને ભાષાને વળગી રહે છે ત્યાં સુધી તે દેશ ઉપર સાચો કબજો ગણી શકાતો નથી. રશિયા ગમે તેટલો સમય કોઇ જમીન ઉપર કબજો કરે પરંતુ ગમે ત્યારે તે જગ્યા છોડવી જ પડશે અને ત્યાં ફરીથી યુક્રેનનો કબજો થઇ જશે. ક્રિમિયાની વાત જુદી હતી કારણ કે, ત્યાંના લોકો રશિયાને સાથ આપતા હતાં. એવું જ જ્યારે પાકિસ્તાનમાંથી અલગ થઇને બાંગ્લાદેશ બન્યો ત્યારે બન્યું હતું કારણ કે, પૂર્વ અને પશ્વિમ પાકિસ્તાનના લોકોની રહેણીકરણી અલગ હતી, તેમની ભાષા અલગ હતી અને તેમની સંસ્કૃતિ પણ અલગ હતી.

આજ કારણસર સ્વર્ગવાસી વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને બાંગ્લાદેશ અલગ કરવા માટેની સફળતા મળી હતી. તજજ્ઞો હજી પણ માને છે કે, પાકિસ્તાનનો હજી એક ટુકડો થઇ શકે છે. બલોચનું પ્રભુત્વ ધરાવતું બલુચિસ્તાન અલગ પડી શકે છે. કારણે કે બલોચ લોકો પાકિસ્તાન સાથે રહેવા માંગતા નથી પરંતુ યુક્રેનની વાત જુદી છે. બીજી તરફ યુક્રેનના વડા ઝેલેન્સકીએ એક મહત્વની જાહેરાત કરી છે.રશિયન ટ્રપની છેલ્લી ટુકડી પણ ખેરસનમાંથી ખસી જતાં યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ જાહેર કર્યું, ‘ખેરસન અમારૂં છે.’ બીજી તરફ અમેરિકાએ ખેરસન વિજયને અસામાન્ય વિજય કહેતા યુક્રેનની જનતા અને પ્રમુખ તથા તેમના વહીવટીતંત્રને અભિનંદનો આપ્યાં. દરમિયાન યુક્રેનની સંસદે એક વિડીયો પ્રસિદ્ધ કર્યો હતો.

જેમાં યુક્રેનના મુખ્ય ચોકનાં સ્તંભ ઉપરથી રાષ્ટ્રગીત વહેતું સંભળાતું હતું અને અંધારી રાત્રીએ ઠંડીમાં પણ લોકો તાપણા કરી તેની ફરતા ઉભા રહી વીડીયોમાંથી વહેતાં રાષ્ટ્રગીતની સાથોસાથ રાષ્ટ્રગીત ગાતા સંભળાતા હતા, શનિવારે સવારે તે મુખ્ય ચોક સ્થિત સ્તંભ ઉપર યુક્રેનનો ધ્વજ ફરકતો જોઈ શકાતો હતો તેવી જ રીતે સરકારી મકાનો ઉપર પણ યુક્રેનનો રાષ્ટ્રધ્વજ ફરકતો જોવા મળતો હતો.રશિયન દળો અને યુક્રેનનાં દળો વચ્ચે છેલ્લી ખૂનખાર લડાઈ ખેરસનની બહાર થઈ હતી. જેમાં રશિયન દળો પરાજિત થઈ પોબારા ભળી ગયા પછી યુક્રેનના સૈનિકો નગરમાં પ્રવેશ્યા ત્યારે બાળકો દોડીને તેમને ભેટી પડયા હતા, અને નગરજનોએ સૈનિકોને પુષ્પગુચ્છો આપ્યાં હતાં તથા ગૂંથળ ભરેલા રૂમાલો પણ તેમને ભેટ આપ્યા હતા, જે સૈનિકોએ તેમના વાહનો ઉપર ગર્વભેદ પ્રદર્શિત કર્યા હતા. અમેરિકાએ આ વિજયને ‘અસામાન્ય વિજય’ ગણાવતાં યુક્રેનની જનતા, પ્રમુખ ઝેલેન્સ્કી અને તેમના વહીવટીતંત્ર તથા સેનાને અભિનંદનો પાઠવ્યા હતાં.

અમેરિકાના રાષ્ટ્રીય સલામતી સલાહકાર જેક સિલ્વાન અત્યારે કમ્બોડીયામાં છે ત્યાંથી સંદેશો પાઠવતાં કહ્યું હતું કે આ ભવ્ય ક્ષણ છે, તે યુક્રેનની અસામાન્ય અંતર શક્તિ અને યુદ્ધ શક્તિની દ્યોતક છે. જેને અમેરિકા અને સાથીઓએ સતત પુષ્ટિ આપી છે. સિલ્વાન બાયડનની સાથે પ્રાદેશિક શિખર પરિષદ માટે કમ્બોડીયામાં છે. આમ યુદ્ધના શરૂઆતના તબક્કામાં રશિયા ભલે આક્રમક રહ્યું તેણે યુક્રેનના અનેક શહેરો ઉપર કબજો કરી લીધો પરંતુ ધીરે ધીરે તેણે આ શહેર છોડવા જ પડશે અને ત્યાં ફરીથી યુક્રેનના રાષ્ટ્રધ્વજ ફરકતા જોવા મળશે. કારણ કે, આ યુક્રેનના લોકોની દેશદાઝની જીત છે.

Most Popular

To Top