Editorial

યુક્રેને સાબિત કરી બતાવ્યું કે, અંતિમ શ્વાસ સુધી લડવાની તાકાત હોય તો કોઇની સામે ઝૂકવાની જરૂર નથી

રશિયા અને યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલું યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધને 97 દિવસ થયા હોવા છતાં યુક્રેન જેવો નાનકડો દેશ કમર તૂટી ગઇ હોવા છતાં રશિયા સામે અડિખમ ઊભો છે. દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે તેમના દેશ પર સાઈબર એટેક થઈ રહ્યો છે. તેમણે પશ્ચિમી દેશો પર પશ્ચિમ તરફથી સાઈબર હુમલાનો સામનો કરવાનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું કે આ હુમલાઓને સફળતાપૂર્વક નિષ્ફળ કરવામાં આવી રહ્યા છે.અહીં, યુક્રેને દાવો કર્યો છે કે યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં 28,850 રશિયન સૈનિકોએ જીવ ગુમાવ્યો છે. આ સમય ગાળામાં યુક્રેનના સૈનિકો દ્વારા 1,278 રશિયન ટેન્કનો નાશ કરવામાં આવ્યો છે. રશિયન સેનાના હુમલા સામે યુક્રેનની સેના પોતાના દેશની રક્ષા માટે અનેકવિધ હથિયારોથી લડત આપી રહી છે.

તેમાંથી એક હથિયાર લગભગ 112 વર્ષ જૂની મશીનગન છે, જેનો સંબંધ 20ની સદીના રશિયન શાસક જારથી છે. આ મશીનગનનું નામ મેક્સિમ એમ 1910 છે. આ 68 કિલોની છે અને તેમાં ખાસ પ્રકારના બે પૈડા લાગેલા છે. જેથી કરીને તેને કોઇપણ વાહન સાથે બાંધીને સંચાલિત કરી શકાય છે.યુક્રેનમાં આ મશીનગન વિશેષ કરાર હેઠળ જ સેનાની કેટલીક ટૂકડીઓને આપવામાં આવે છે. તેને 1910માં જારની સેનામાં સામેલ કરાઇ હતી. તે પોતાના જમાનાની પ્રથમ ઓટોમેટિક મશીનગન છે. તેને અમેરિકી-બ્રિટિશ શોધક હીરામ મેક્સિમે બનાવી હતી. તેની ખાસિયત એ છે કે તેમાંથી ગોળી છોડ્યા બાદ તે ફરીથી ઓટોમેટિક લોડ થઇ જાય છે. તેના બેરલને ઠંડું કરવા માટે અંદર જ પાણી વહેતું રહે છે.

19-20મી સદીમાં યૂરોપિયન સેનાઓ માટે સામ્રાજ્યવાદની લડાઇમાં તે કારગર નિવડી હતી. 2012માં કરાયેલા ઓડિટમાં સામે આવ્યું કે, યુક્રેનની સેનાની પાસે 35,000 એમ 1910 મશીનગન છે. તેનું નિર્માણ 1920 થી 1950 વચ્ચે કરાયું હતું. રશિયન સેના વિરુદ્વ યુક્રેની સેના માટે તે કારગર સાબિત થઇ છે. તેનાથી સટિક નિશાન સાધી શકાય છે. યુક્રેની સેનાના એક જવાન અનુસાર, તેનાથી દુશ્મનનો 1 કિમી દૂરથી ખાત્મો બોલાવી શકાય છે. અમે કોઇપણ આધુનિક હથિયાર સાથે તેની અદલાબદલી નથી કરવા ઇચ્છતા. રશિયન મશીનગન પીકેએમથી 5 ગણી ભારે હોવા છતાં જળ સંચાલન પ્રણાલીને કારણે એમ 1910નું બેરલ ખરાબ નથી થતું. તે જવાનોની પહેલી પસંદ છે. તેને રશિયાના દાવાને ખોટો સાબિત કર્યો છે.

ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટના રીપોર્ટ પ્રમાણે ૯ દેશો પાસે અણુશસ્ત્રો છે જેની કુલ સંખ્યા વર્ષ ૨૦૨૨માં ૧૨,૭૦૦ની છે. તેમાંથી ૯૦% તો દુનિયાની બે મહાસત્તાઓ અમેરિકા અને રશિયા પાસે છે. રશિયા પાસે, સૌથી વધુ ૫,૯૭૭, બીજા ક્રમે અમેરિકા પાસે ૫,૪૨૮ પરમાણુ હથિયારો છે. બંને દેશોની સેનાઓ પાસે ચાર ચાર હજાર પરમાણુ શસ્ત્રો છે. દુનિયાના કોઈપણ અન્ય દેશની સેના પાસે આટલાં અણુ શસ્ત્રો નથી. આ રીપોર્ટ પ્રમાણે ચીન પાસે ૩૫૦ અણુશસ્ત્રો છે. પાકિસ્તાન પાસે ૧૬૫ અને ભારત પાસે ૧૬૦ પરમાણુ શસ્ત્રો છે. ઇઝરાયલ ૯૦ એટમ બોમ્બ ધરાવે છે. ઉત્તર કોરીયા પાસે ૨૦ એટમ બોમ્બ છે.

જો કે, હવે વાત રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચેની તો જે યુદ્ધ બે સપ્તાહમાં જ પૂર્ણ થઇ જશે. રશિયા યુક્રેન ઉપર હાવી થઇ જશે. તેવી ગણતરી જુદા જુદા દેશ કરી રહ્યાં હતાં પરંતુ યુક્રેને આ ગણતરી ઉંધી વાળી દીધી છે. 97 જેટલા દિવસ સુધી રશિયા જેવી દુનિયાની મહાસત્તાને ટક્કર આપવી એ કોઇ નાની સૂની વાત નથી. જો દેશના લોકોમાં દેશદાઝની ભાવના હોય અને અંતિમ શ્વાસ સુધી લડવાની તાકાત હોય તો મહાસત્તા સામે પણ ઘૂંટણિયે પડવાની તાકાત નથી. કોઇપણ દેશને ટક્કર આપી શકાય છે અને આ વાત યુક્રેને સાબિત કરી બતાવી છે. યુદ્ધ શરૂ થવાની કગાર ઉપર હતું ત્યારે અમેરિકા અને યુરોપના દેશ તેમજ નાટોની સેના યુક્રેન સાથે ખભેખભા મેળવીને લડવાની તૈયારી બતાવી રહ્યાં હતાં. પરંતુ જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે દરેક દેશે પીછેહટ કરી.

આ દેશોએ રશિયાને ચેતવણી આપવા તેમજ આર્થિક પ્રતિબંધો લાદવા સિવાય અન્ય કોઇ જ કામ કર્યું નથી. યુક્રેન જેવો નાનકડો દેશ દુનિયામાં એકલોઅટૂલો પડી ગયો. જો કે, કોઇનો સાથ નહીં મળ્યો હોવા છતાં તેણે યુદ્ધ ચાલુ રાખ્યું. દરેક પડકારોનો એકલે હાથે સામનો કર્યો. યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કી પણ દેશમાં જ રહીને સેનાનું મનોબળ વધારતા રહ્યાં અને એજ કારણ છે કે, અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ રશિયન સેના, સંખ્યાબળમાં પણ બે દેશોની સરખામણી કરીએ તો યુક્રેન રશિયાની સામે દશ ટકા પણ નથી તેમ છતાં અડીખમ ઊભું છે. આવી જ બાબત દુનિયાના અન્ય એક દેશ ઇઝરાયલની છે.

નકશામાં તેને જોવા જઇએ તો તે ટપકાં જેટલો જ છે. પરંતુ ત્યાંની પ્રજાની દેશદાઝ અને અંતિમ શ્વાસ સુધી લડવાની ક્ષમતાના કારણે કોઇ દેશ તેની સામે આંખ ઉઠાવવાની હિમંત કરી શકતો નથી. હા એક વખત સિરિયા, ઇજિપ્ત, જોર્ડન અને લેબેનોને ભેગા મળીને આવી હિંમત કરી નાંખી હતી. જો કે તેની સામેના વળતા જવાબમાં ઇઝરાયલે માત્ર છ દિવસમાં જ ચારેય દેશને ધૂળ ચાટતા કરી દીધા હતા. આ યુદ્ધમાં ઇઝરાયલના 1000 સૈનિક માર્યા ગયા હતા જ્યારે 20હજાર આરબોનો ખાતમો બોલી ગયો હતો. આ પણ એજ વાત સાબિત કરે છે કે, જો અંતિમ શ્વાસ સુધી લડવાની તાકાત હોય તો કોઇની સામે ઝુકવાની જરૂર નથી.

Most Popular

To Top