World

યુક્રેને રશિયન તેલ ટર્મિનલ પર સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો

યુક્રેને રશિયા પર તાજેતરમાં સૌથી ઘાતક ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલો કાળા સમુદ્રની નજીક આવેલા તુઆપ્સે ઓઇલ ટર્મિનલ પર થયો હતો. જે રશિયાના સૌથી મોટા તેલ ટર્મિનલમાંનું એક ગણાય છે. હુમલા બાદ ટર્મિનલમાં ભારે વિસ્ફોટો અને આગની લપેટો જોવા મળી હતી. જેનાથી આખું બંદર વિસ્તાર દહેશતમાં આવી ગયો.

આ હુમલો ગત રોજ તા. 1 નવેમ્બર શનિવારે રાત્રે થયો હતો. જ્યારે અચાનક ડ્રોનના અવાજથી રાતનું શાંત માહોલ તૂટી પડ્યું હતું. કેટલાક ક્ષણોમાં જ ટર્મિનલમાં આગ ફાટી નીકળી અને કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાઈ ગયા. સ્થાનિક લોકોનું કહેવું છે કે આટલી મોટી આગ તેમણે વર્ષો પછી જોઈ છે.

યુક્રેનનો બદલો
અહેવાલો મુજબ આ ડ્રોન હુમલો યુક્રેનની બદલો લેવા જેવી કાર્યવાહી હતી. થોડા દિવસ પહેલાં રશિયાએ યુક્રેનના પૂર્વીય ક્ષેત્રમાં એક પુલ પર બોમ્બમારો કર્યો હતો. જેમાં લશ્કરી સાધનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. તેના પ્રતિસાદ રૂપે યુક્રેનિયન સેનાએ રશિયાના ક્રાસ્નોદર પ્રદેશમાં મોટા પાયે ડ્રોન અભિયાન શરૂ કર્યું હતું.

આકાશમાં વિસ્ફોટો અને બંદરમાં અફરાતફરી
હુમલા પછી રશિયન આકાશમાં વિસ્ફોટોના અવાજ ગુંજતા રહ્યાં. બંદરના કામદારો, જેઓ રાત્રિ શિફ્ટમાં કામ કરી રહ્યા હતા. તેઓ અચાનક ધુમાડા અને આગની વચ્ચે ફસાઈ ગયા. ટર્મિનલની ઘણી પાઇપલાઇનો ફાટી ગઈ અને તેલ લીકેજથી આગ વધુ ભડકી ઉઠી હતી. આખું વાતાવરણ તેલ અને સળગતી ધાતુની ગંધથી ભરાઈ ગયું.

કટોકટી જાહેર
સ્થાનિક વહીવટીતંત્રે તાત્કાલિક કટોકટીની સ્થિતિ જાહેર કરી અને ફાયર બ્રિગેડના ડઝનબંધ વાહનો ઘટનાસ્થળે દોડી ગયા. પરંતુ આગ એટલી ભયાનક હતી કે દરેક નવી જ્વાળાએ તેમના પ્રયાસોને પડકાર ફેંક્યો.

એક સ્થાનિક નાવિક ઇવાને દુઃખભર્યા શબ્દોમાં કહ્યું “સમુદ્ર હંમેશા આગ ઓલવી દે છે, પણ આજે એવું લાગે છે કે આગે સમુદ્રને જ બાળી નાખ્યો છે.”

Most Popular

To Top