સુરત: શહેરમાં આજે વરસાદી માહોલ વચ્ચે અલગ અલગ વિસ્તારમાં છુટાછવાયા ઝાપટા નોંધાયા હતા. જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજે ડેમમાં આશરે 80 હજાર ક્યુસેક પાણીની આવક થતા ડેમમાંથી 50 હજાર ક્યુસેક પાણી છોડાયું હતું. હવામાન વિભાગે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ ડેવલપ થતા આગામી શુક્રવાર સુધી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે દિવસભર શહેરમાં વરસાદી વાતાવરણ રહ્યું હતું. જોકે ક્યાય પણ વરસાદ નોંધાયો નહોતો.
- સાવખેડામાં 3.5 ઇંચ, ચીખલધરામાં 3 ઇંચ, ભુસાવલમાં 2 ઇંચ તો ટેસ્કા, લખપુરી, સહેલગાવ, હખથુરમાં એક થી દોઢ ઇંચ વરસાદ નોંધાયો
- સુરત શહેર અને જિલ્લામાં સામાન્ય વરસાદ પડ્યો, ઉકાઈની સપાટી 334.25 ફુટ
- ઉપરવાસમાં વરસાદથી ઉકાઈમાં 79 હજાર ક્યુસેક આવક, 50 હજાર જાવક
- શહેરમાં અલગ અલગ વિસ્તારમાં છુટાછવાયા ઝાપટા વરસ્યા
શહેરમાં અલગ અલગ વિસ્તારમાં છુટાછવાયા ઝાપટા વરસ્યા હતા. જોકે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિસ્તારોમાં ભારે વરસાદ વિતેલા ચોવીસ કલાકમાં નોંધાયો હતો. ઉપરવાસમાં આવેલા રેઈન ગેજ સ્ટેશન પૈકી ટેસ્કામાં દોઢ ઇંચ, લખપુરીમાં એક ઇંચ, ચીખલધરામાં ત્રણ ઇંચ, ગોપાલખેડામાં એક ઇંચ, ડેડતલાઈમાં સવા ઇંચ, બુરહાનપુરમાં એક ઇંચ, યેરલીમાં સવા ઇંચ, હથનુરમાં એક ઇંચ, ભુસાવલ બે ઇંચ, ગીરનાડેમ પોણો ઇંચ, દહીગાવ અડધો ઇંચ, સાવખેડામાં સાડા ત્રણ ઇંચ, સહેલગાવમાં એક ઇંચ, ખેતીયામાં એક ઇંચ મળી સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
ઉપરવાસમાં વરસાદ પડતા હથનુર ડેમમાંથી 72 હજાર ક્યુસેક પાણી છોડાયું હતું. જ્યારે પ્રકાશામાંથી 74 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. જેને કારણે ઉકાઈ ડેમમાં આગામી ચોવીસ કલાકમાં પાણીની આવકમાં વધારો થશે. આજે સાંજે ઉકાઈ ડેમમાં 79 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. જેની સામે ડેમમાંથી 50 હજાર ક્યુસેક પાણી છોડવાનું ચાલું રખાયું છે. ઉકાઈ ડેમની સપાટી 334.25 ફુટ નોંધાઈ હતી.