SURAT

હથનુરમાંથી આટલા હજાર ક્યુસેક પાણી છોડાતા ઉકાઈ ડેમમાં સિઝનની પહેલી આવક શરૂ થઈ

સુરત(Surat): ઉકાઈ ડેમમાં (Ukai Dam) ઉપરવાસમાં વરસાદ (Rain) પડે પછી પાણીની આવક (Water Inflow) શરૂ થાય છે. જોકે હજી ઉપરવાસમાં વરસાદ જામ્યો નથી. જોકે ઉકાઈ ડેમના કેચમેન્ટમાં બે દિવસથી સામાન્ય વરસાદને પગલે ગઈકાલે રાત્રે 2 વાગ્યાથી ડેમમાં સિઝનની પહેલી આવક શરૂ થઈ હતી. ડેમમાં 11,939 ક્યુસેક પાણીની આવક થઈ હતી. ઉકાઈ ડેમની સપાટી 315.47 ફુટ નોંધાઈ હતી. ઉપરવાસમાં વીતેલા ચોવીસ કલાકમાં માત્ર ચીકલધરામાં દોઢ ઇંચ અને સાવખેડામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. હથનુર ડેમમાંથી 1 હજાર ક્યુસેક પાણી છોડાયું હતું. હવે જેમ જેમ ઉપરવાસમાં વરસાદ વધશે તેમ તેમ ડેમમાં પાણીની આવક વધશે. જો કે હાલમાં જે વરસાદનું પાણી ડેમમાં આવ્યું છે તે ઉકાઇને કેચમેન્ટમાંથી નહીં પરંતુ સ્થાનિક વરસાદ પડ્યો છે તેનું પાણી આવ્યું છે.

સુરતમાં જળબંબાકાર: રસ્તાઓ પર ભૂવા પડ્યા, ખાડીઓ ઉભરાઈ
આગામી ચાર દિવસ સુધી સુરત(Surat) સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત(South Gujarat)માં હળવાથી ભારે વરસાદની આગાહી વચ્ચે ગઈકાલ રાતથી જ સુરત શહેરમાં જાણે આભ ફાટ્યું હોય તેમ અનારાધાર વરસાદ(Rainfall) ખાબક્યો હતો. રાત્રે 11 વાગ્યા બાદ શરૂ થયેલો વરસાદ સવાર સુધી અવિરત રહેતા શહેરના તમામ વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી હતી. એકધારા વરસાદને પગલે શહેરમાં ઠેર – ઠેર વૃક્ષો(tree) પડવાથી માંડીને શોર્ટ સર્કિટની ઘટનાઓ બનવાના કારણે મહાનગર પાલિકા(Surat Municipal Corporation)નું વહીવટી તંત્ર અને ફાયર વિભાગ(Fire Department) પણ સતત દોડતું નજરે પડ્યું હતું. આ સિવાય સહારા દરવાજા અને ખાંડ બજાર તથા ઉધના ગરનાળામાં તો કેડ સમા પાણી ભરાતા વાહન ચાલકોએ પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગત મોડી રાત્રે 10 વાગ્યેથી આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 10 ઈંચ કરતાં વધારે વરસાદ ખાબકતાં શેરીઓ – મહોલ્લા અને સોસાયટીઓમાં નદીઓ વહેતી નજરે પડી હતી. વરાછા, કાપોદ્રા, કતારગામ અને સેન્ટ્રલ ઝોન સહિત અઠવા અને અડાજણ જેવા વિસ્તારોમાં પણ બેથી ત્રણ ફુટ સુધી પાણી ભરાઈ જતાં લોકોની હાલત કફોડી થવા પામી હતી

આગામી અઠવાડિયા સુધી વરસાદી માહોલ યથાવત રહેશે
અરબ સાગરમાં બનેલી સિસ્ટમ રાજસ્થાન તરફ મૂવ થઈ છે. અને આ સિસ્ટમ પ્રબળ બનતા શહેરમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. આગામી બે દિવસ સુધી વરસાદની અસર રહેશે. અને ત્યારબાદ 5 તારીખે વધુ એક લો પ્રેસર સિસ્ટમ બની રહી છે. જેને કારણે આગામી અઠવાડિયા સુધી શહેર તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે.

Most Popular

To Top