સુરતઃ સુરત શહેર, જિલ્લા, દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં વરસી રહેલાં સતત વરસાદના લીધે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આજે તા. 28 સપ્ટેમ્બરના રોજ સવારે ઉકાઈ ડેમની સપાટી 344.20 ફૂટ નોંધાઈ છે, જે દર્શાવે છે કે ડેમ ભયજનક સપાટી 345 ફૂટથી માત્ર અડધો ફૂટ દૂર છે.
દરમિયાન ચિંતાજનક સમાચાર એ જાણવા મળ્યા છે કે આજે હથનુર ડેમમાંથી 1.31 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ પાણીની ઈફેક્ટ ઉકાઈ ડેમમાં આગામી 24 કલાકમાં જોવા મળશે, તે જોતાં ડેમ ઓવરફલો થાય તેવું લાગી રહ્યું છે.
ઉકાઈ ડેમની સપાટીએ સુરતીઓના ધબકારા વધારી દીધા છે. કારણ કે હથનુરમાંથી 1.31 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જે 24 કલાકમાં ઉકાઈ ડેમમાં આવશે. જો વરસાદ અટકે નહીં તો ઉકાઈ ડેમમાં પાણીની આવક હજુ વધશે. હાલમાં ડેમમાં પાણીની આવક ભલે 69 હજાર ક્યૂસેક હોય પરંતુ જે રીતે હથનુરમાંથી 1.31 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે આગામી 24 કલાકમાં ઉકાઈ ડેમ છલકાઈ જશે.
બીજી તરફ ઉકાઈ ડેમનું તંત્ર હજુ માત્ર 17 હજાર ક્યુસેક પાણી જ ઉકાઈ ડેમમાંથી છોડી રહ્યું છે. મતલબ કે ઉકાઈ ડેમને 100 ટકા ભરવાની તૈયારી ચાલી રહી છે. આવા સંજોગોમાં જો ઉપરવાસમાં વરસાદ બંધ નહીં થાય અને ઉકાઈ ડેમ 100 ટકા ભરાઈ જાય તો ત્યાર બાદ જેટલું પાણી આવે એટલું છોડવાની સ્થિતિનું નિર્માણ થશે. આવી પરિસ્થિતિમાં તાપી પૂર આવાના વિકટ સંજોગો ઉભા થવાની શક્યતા નકારી શકાય નહીં. તો શું તંત્ર સુરતને ડૂબાડવા માંગે છે તે પ્રશ્ન અહીં ઉભો થયો છે.
ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો હોવાના લીધે ઉકાઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. તા. 28 સપ્ટેમ્બર 2024ના રોજ સવારે 10 કલાકે ઉકાઈ ડેમની સપાટી 344.20 ફૂટ નોંધાઈ છે. ઈનફલો 69,126 ક્યૂસેક જ્યારે આઉટફ્લો 16,742 ક્યૂસેક નોંધાયું છે.
આ અગાઉ તા. 27 સપ્ટેમ્બરની સ્થિતિ અનુસાર ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદના લીધે હથનુર ડેમ અને પ્રકાશા ડેમમાંથી પણ પાણી છોડવામાં આવ્યું હતું. પ્રકાશા ડેમમાંથી 57,000 ક્યુસેક પાણી છોડાયું છે અને હથનુરમાંથી 25 હજાર ક્યુસેક પાણી છોડાયું હતું. તેના લીધે ઉકાઈ ડેમમાં 1.24 લાખ પાણીની આવક થઈ હતી. તેના પગલે ઉકાઈ ડેમના સત્તાધિશોએ સિઝનમાં પાંચમી વખત ડેમના 10 ગેટ ખોલી 1.24 ક્યુસેક પાણી છોડવાનું ચાલુ કર્યું હતું. ઉકાઈ ડેમના 8 ગેટ 6 ફૂટ અને 7 ગેટ પાંચ ફૂટ ખોલવામાં આવ્યા હતા.
ઉપરવાસમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો
તા. 27 સપ્ટેમ્બર 2024ના રોજ નોંધાયેલા આંકડા અનુસાર ઉકાઈ ડેમના ઉપરવાસમાં વિતેલા 24 કલાકમાં ચિકલધરામાં 24, કુરાનખેડામાં 46, નવાથામાં 18, હથનુર 17, દહીગાવ 87, સારંગખેડા 32, સિંદખેડા 17, ડામરખેડા ૫૫, સાઈગાવ 18, વેલદા 69, ચાંદપુર 62, શાહદા 24, નિઝામપુર 101, ખેતિયા ૯૬, નંદુરબાર 76, માલપુર 99, અકલકુવા 23, તલોદા 25, ઉકાઈ 48, નિઝર 57 અને કુકરમુંડામાં 36 મિલી મીટર વરસાદ નોંધાયો છે.