સુરત: શહેરમાં એક બાજુ વરસાદનું રેડ એલર્ટ છે અને બીજી બાજુ ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરાયું છે. જેને પગલે આજે રજાના દિવસે પણ રાજ્યના ચીફ સેક્રેટરી દ્વારા વીડિયો કોન્ફરન્સ મારફતે પરિસ્થિતિનો તાગ મેળવાયો હતો. સુરત જિલા કલેક્ટર ડો. સૌરભ પારધી દ્વારા યોજાયેલી રિવ્યુ બેઠકમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા ભાગોમાં એલર્ટની સૂચના આપવા સહિત રજાના દિવસોમાં નાગરિકોએ દરિયા કિનારે નહીં જવાની અપીલ કરવામાં આવી છે. સુરત જિલ્લાના વિસ્તારોમાં કેટલાક રસ્તાઓ પણ એવા છે જ્યાં ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જાય છે. આવા રસ્તાઓ ઉપર ખાસ કરીને રાત્રીના સમયે પોલીસ બંદોબસ્ત ગોઠવવાની પણ સૂચના આપી દેવામાં આવી હતી.
- જો ઉકાઈ ડેમમાંથી અઢી લાખ કયુસેકથી વધુ પાણી છોડવામાં આવશે તો મક્કાઇપુલ અને ધાસ્તીપુરાનો ફલડગેટ પણ બંધ કરી દેવામાં આવશે
- અડાજણ રિવરફ્રન્ટ અને ચોક સ્થિત ડકકા ઓવારા કિનારે પાણી ધૂસી ગયા, 30 ઝૂંપડાઓમાં પાણી ફરી વળ્યું
બીજી તરફ ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા મનપાના તંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અને સલામતીને ધ્યાને લઇ રાંદેર ઝોનના હનુમાન ટેકરી પાસે આવેલો ફલડગેટ મનપા દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો. આ સાથે ધાસ્તીપુરા અને મક્કાઇપુલ પાસેના ફલડગેટ પાસે મનપાની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જો ઉકાઈ ડેમમાંથી અઢી લાખ કયુસેકથી વધુ પાણી છોડવામાં આવશે તો મક્કાઇપુલ અને ધાસ્તીપુરાનો ફલડગેટ પણ બંધ કરી દેવામાં આવશે તેમ જણાવામાં આવ્યું છે. સાથે જ મનપા દ્વારા ફાયરની ટીમને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
ઉકાઈમાંથી પાણી છોડાતા તાપીનું જળસ્તર વધતા જ અડાજણ રિવરફ્રન્ટ અને ચોક સ્થિત ડકકા ઓવારા કિનારે પાણી ધૂસી ગયા હતા. ડક્કા ઓવારા કિનારેના 30થી વધુ ઝૂંપડાઓમાં પાણી ફરી વળતાં 100 થી વધુ લોકો સ્વૈચ્છિક સલામત કરી શીફ્ટ થયા હતા.
મનપા દ્વારા આ વિસ્તારના લોકો માટે ફુડ પેકેટની વ્યવસ્થા કરી હતી. તેમજ અડાજણ રેવાનગરમાં પાણી પ્રવેશવાની સંભાવનાને પગલે મનપાએ શીફટીંગ માટે નજીકની સરકારી શાળામાં રહેવા માટે વ્યવસ્થા કરી લીધી છે અને જરૂર જણાશે તો તેઓનું સ્થળાંતર કરવામાં આવશે. જરૂર જણાશે તો શિફટીંગ કરાશે. ઉકાઈમાંથી 2.5 લાખ કયુસેકથી વધુ પાણી છોડવામાં આવે તો સૌથી પહેલા અડાજણના બદ્વીનારાયણ મંદીર પાસે આવેલી રેવાનગર વસાવહતમાં પાણી ઘુસી જતા હોય છે. જેને પગલે રાંદેર ઝોન દ્વારા પ્રચારવાહનના માધ્યમથી લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં જો વધુ પાણી છોડવામાં આવે તો બદ્વીનારાયણ મંદીર પાસે આવેલી મનપાની સ્કૂલમાં લોકોને સ્થળાંતર કરવાની વ્યવસ્થા પણ મનપા દ્વારા કરવામાં આવી છે.
ઉકાઈ ડેમના 11 ગેટ 8 ફૂટ અને 4 ગેટ સાડા છ ફૂટ ખોલી 1.96 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે
ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા 51 રેઈનગેજ સ્ટેશનોમાં વિતેલા ચોવીસ કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે. જેને પગલે ડેમના સત્તાધીશો ચોવીસ કલાકથી એલર્ટ છે. ડેમમાં 3.23 લાખ ક્યુસેક પાણીની આવક થતા ડેમના 15 ગેટ ખોલીને 1.96 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે જન્માષ્ટમી પહેલા જ સિઝનમાં પહેલી વખત તાપી નદી બે કાંઠે વહેંતી જોવા મળી છે.
મધ્યપ્રદેશ ઉપર બે દિવસથી લો પ્રેસર સિસ્ટમ ડેવલપ થઈ હતી. જેને કારણે ઉકાઈ ડેમની ઉપરવાસમાં આવેલા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં બે દિવસથી ભારે વરસાદ નોંધાયો છે. વિતેલાં ચોવીસ કલાકની જ વાત કરીએ તો ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા 51 રેઈનગેજ સ્ટેશને સરેરાશ બે ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં ઉકાઈ ડેમના કેચમેન્ટમાં સૌથી વધારે 11 ઇંચ વરસાદ પડ્યો છે. આ સિવાય સાવખેડામાં 5 ઇંચ, ચાંદપુરમાં સાડા છ ઇંચ, કાકડીયામ્બામાં 5 ઇંચ સહિત સરેરાશ બે ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં ગઈકાલ રાતથી પાણીની મોટી આવક શરૂ થતા ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા પાણી છોડવાનું શરૂ કરાયું છે. ઉકાઈ ડેમના કેચમેન્ટમાં પડેલા અણધાર્યા વરસાદથી પાણીની ભારે આવક થઈ હતી. આજે ઉકાઈ ડેમમાં 3.23 લાખ ક્યુસેક પાણીની આવક થઈ હતી. ડેની સામે ડેમના 22 ગેટ પૈકી 15 ગેટ ખોલી દેવાયા હતા. ડેમના 11 ગેટ 8 ફુટ અને 4 ગેટ સાડા છ ફુટ ખોલીને ડેમમાંથી 1.96 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. હાલ ડેમની સપાટી 336.16 ફૂટે પહોંચી છે.
12 કલાકમાં ડેમની સપાટી 1 ફૂટ વધી: ઉકાઈની સપાટી 336.16 ફૂટ
આજે સવારે 6 વાગે ઉકાઈ ડેમની સપાટી 335.19 ફુટ હતી. ત્યારે ઉકાઈ ડેમમાં પાણીની આવક 1.71 લાખ ક્યુસેક હતી. અને ડેમમાંથી 1.23 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું. સાંજે 6 વાગે ડેમમાં પાણીની આવક 3.23 લાખ અને જાવક 1.96 લાખ ક્યુસેકએ પહોંચી હતી. જેની સામે ડેમની સપાટી બાર કલાકમાં 336.16 ફુટ નોંધાઈ હતી.