SURAT

ઇનફ્લો વધતા ઉકાઈના 15 ગેટ ખોલી છોડાઈ રહ્યું છે 1.95 લાખ ક્યૂસેક પાણી, તાપી બે કાંઠે થઈ

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમના 15 ગેટ ખોલીને તાપી નદીમાં 1 લાખ 95 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે સૂરત રાંદેર-સિંગણપોરને જોડતો કોઝવે પાણીમા ગરકાવ થઈ ગયો છે. ઉપરવાસમાં સતત થઈ રહેલા વરસાદને કારણે ઉકાઈ ડેમમાં 3.38 લાખ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. ઉકાઈ ડેમના 11 દરવાજા 8 ફૂટ અને 4 દરવાજા 6.5 ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા તાપી બે કાંઠે વહી રહી છે. ઓવારાઓ પર પાણીનું જળસ્તર વધ્યું છે. સુરતના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરાઈ રહ્યું છે.

ઉકાઈ ડેમની સપાટી હાલ 335.83 ફૂટ છે જ્યારે ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં 3,38,107 ક્યૂસેક પાણી આવી રહ્યું છે જ્યારે આઉટ ફ્લો 1,95,277 ક્યૂસેક છે. તાપી નદીમાં છોડાઈ રહેલા પાણીને કારણે તંત્ર દ્વારા તાપી નદીના વિસ્તારમાં આવતા ગામડાઓ અને સુરતના નિચાણ વાળા વિસ્તારોમાં મોનિટરિંગ રાખવાની સૂચના આપવામાં આવી છે. સુરતના ઓવારાઓ પર જળસ્તર વધ્યું છે.

ઉકાઈમાંથી પાણીનો આઉટફ્લો વધતાં સુરતના નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર સાબદૂં થયું છે. નીચાણવાળા વિસ્તારોમાં તેમજ નદી તટના મકાનોમાંથી તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. ધાસ્તીપુરા વિસ્તારમાંથી લોકોને ખસેડવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. સુરતના ખાડીના જળસ્તર પર પણ તંત્ર નજર રાખી રહ્યું છે.

ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલા 1 લાખ 95 હજાર પાણીને કારણે સુરતમાંથી પસાર થતી તાપી નદી બંને કાંઠે થઈ છે. તાપી નદી પર રાંદેર સિગણપોર વચ્ચે બનાવવામાં આવેલા કોઝવે તેની સપાટીથી ઉપર વહી રહ્યું છે. કોઝવેની 6 મીટરની સપાટી છે. હાલ કોઝવે 6 મીટરને પાર કરી 8.9 સપાટીએ પહોંચ્યું છે. કોઝવેની ભયજનક સપાટી 11 મીટરની છે. આ વર્ષે ચોમાસાની સીઝનમાં પહેલી વાર કોઝવે ઓવર ફ્લો થયો છે. કોઝવે ઓવર ફ્લો થતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top