સુરત (Surat): દક્ષિણ ગુજરાતની જીવાદોરીસમાન ઉકાઈ ડેમની (Ukai Dam) સપાટી ઉપર તંત્રની નજર એવી હોય છે, જાણે તબીબની કોઈ દર્દીને આઇસીયુમાં એડમિટ કરેલા હોય તેની ઉપર હોય! ઉકાઈ ડેમની સપાટીને જાળવી રાખી ડેમમાં પાણીની આવક થવા દેવી અને સમય સૂચકતા સાથે ડેમમાંથી પાણી છોડવું ખૂબ જ મહત્ત્વનું છે. છેલ્લાં 22 વર્ષમાં ઉકાઇ ડેમમાં પાણીની આવક અને જાવક અને 31 જુલાઇના અંતે ડેમની સપાટી અંગે ગુજરાતમિત્ર દ્વારા કેટલીક માહિતી મેળવવામાં આવી હતી. જે આંકડાને જોતાં 2001થી 2022 સુધીમાં 31 જુલાઇના અંતે ડેમની સૌથી વધુ સપાટી ચાલુ વર્ષે નોંધાઈ છે. સૌથી વધુ પાણીની આવક અને જાવક વર્ષ-2007માં નોંધાઇ હતી.
- છેલ્લાં 22 વર્ષમાં ડેમમાં સૌથી વધુ પાણીની આવક અને જાવક વર્ષ-2007માં થઈ હતી
- 7815 એમસીએમ આવક અને 4524 એમસીએમ જાવક નોંધાઈ હતી
- વર્ષ-2007 પછી ચાલુ વર્ષે સૌથી વધારે 3219.64એમસીએમ પાણી છોડાયું
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસા દરમિયાન ઉકાઈ ડેમ પર તંત્રની બાજનજર હોય છે. તંત્રની ઉકાઈ ડેમ પર ચાંપતી નજર એ ડેમનું મહત્ત્વ સમજાવી જાય છે. ચોમાસામાં ઉકાઈ ડેમ ઘણી વખત આશીર્વાદ તો ઘણી વખત અભિશાપ સાબિત થયો છે. ઉકાઈ ડેમમાં ખળખળ વહેતાં નીર ક્યારેક રૌદ્ર બની નીચાણવાળા વિસ્તારોને તહેસનહેસ કરી નાંખે છે. ઉકાઈ ડેમને લીધે જળસંકટના ઘણા દાખલા આપણે જોઈ લીધા છે. જેને લીધે હવે ઉકાઈ ડેમમાં થઈ રહેલી આવક અને જાવક સહિતની ગતિવિધિઓ ઉપર તંત્ર તજજ્ઞોની મદદ લઈને નજર રાખી રહ્યું છે. ખાસ કરીને ઉકાઈ ડેમ તેની વૈવિધ્યતાની સાથે વિશિષ્ટતાથી પણ તરબોર છે. ઉકાઇ ડેમમાં પાણીની આવક જાવકના આંકડાઓનું આંકલન એક મહત્ત્વનું અને સંશોધનાત્મક વિષય બની ગયો છે.
છ દાયકામાં ડેમની કેપિસિટી ઘટી અને ઉપયોગીતા વધી
ઉકાઈ ડેમ બન્યો ત્યારે ડેમની જરૂરિયાત પીવા અને ખેતીના પાણી માટેની હતી. ડેમ બન્યા બાદ હવે છેલ્લા છ દાયકામાં તેનો વપરાશ વધ્યો છે. ડેમ બન્યો ત્યારે માત્ર ખેતી માટે અને પીવાના પાણી માટે આયોજન કરાયું હતું. છ દાયકા પહેલાં દક્ષિણ ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીઓ પણ ઘણી ઓછી હતી. ત્યારબાદ સાધન સામગ્રીઓ અને સમયની સાથે ઉદ્યોગો પણ વધતા ગયા. લોકોની વસતી પણ છ દાયકામાં ઘણી વધી ગઈ છે. ત્યારે ડેમની કેપિસિટી ઘટી ગઈ છે. ડેમ નીચે કાદવ, કીચડ અને રેતી ઘર કરી ગઈ છે. જે દૂર કરાતી નથી. જો તે દૂર કરાય તો ડેમની સ્ટોરેજ કેપેસિટીમાં વધારો થાય તેવું છે.
છેલ્લાં બાવીસ વર્ષમાં માત્ર 31 જુલાઈ સુધીમાં 12,898.61 એમસીએમ પાણી છોડી દેવાયું
ઉકાઈ ડેમમાં છેલ્લાં બાવીસ વર્ષના આંકડા જોતાં 31 જુલાઈ સુધીમાં ડેમમાંથી 12,898.61 એમસીએમ પાણી છોડી દેવાયું છે. એટલે કે, આટલા એમસીએમ પાણીમા ડેમ બે વખત છલોછલ ફુલ ભરી શકાય છે. અને ડેમમાંથી આટલા એમસીએમ પાણીનો જો માત્ર પીવાના અને ખેતી માટે વપરાશ કરીએ તો દોઢ દાયકા સુધી પાણી વાપરી શકાય એટલું એમસીએમ પાણી 22 વર્ષમાં માત્ર શરૂઆતના વરસાદી સ્પેલમાં જ છોડવામાં આવ્યું છે.
ઉકાઈ ડેમમાંથી પંદર દિવસમાં જ વર્ષના કુલ વપરાશની 25 ટકા વીજળી ઉત્પન્ન કરી દેવાઈ
સુરત: ઉકાઈ ડેમમાં વર્ષે દહાડે હાઈડ્રો મારફતે 1000 કરોડ રૂપિયાની વિજળી ઉત્પન્ન કરવામાં આવે છે. ઉકાઈ ડેમમાંથી છેલ્લા પખવાડિયામાં જ 3.11 લાખ કરોડ લીટર પાણી છોડી 250 કરોડ રૂપિયાની વિજળી ઉત્પન્ન કરી દેવાઈ છે. એટલે કે આખા વર્ષની જરૂરિયાતની 25 ટકા વિજળીનું ઉત્પાદન પંદર દિવસમાં થયું છે.
વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં ડેમ તેના રૂલ લેવલને પાર કરી ગયો હતો. ડેમમાં પાણીની આવક વધવાની સંભાવના હોવાથી ઉકાઈના સતાવાળાઓએ હાઇડ્રો મારફતે પાણી છોડી વિજળી ઉત્પન્ન કરવાનો નિર્યણ લીધો હતો. જેને પગલે 75 વોટના 4 હાઇડ્રો ચાલુ કરી વિજળી ઉત્પન્ન કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ જેવા હાઇડ્રો શરૂ કરાયાં તેવા જ 2 હાઇડ્રો ખોટકાઈ ગયા હતા. 2 દિવસ સુધી ભારે મહેનતે ખોટલયેલા હાઇડ્રો કાર્યરત કરી શકાયા હતાં. બાદમાં ઉકાઈ ડેમમાંથી 3.11 લાખ કરોડ લીટર પાણી તાપી નદીમાં છોડાતા 35.50 કરોડ વીજ યુનિટ ઉત્પન્ન થઈ હતી. વિતેલા 15 દિવસમાં ઉકાઈ ડેમમાંથી અવિરત 3.11 લાખ કરોડ લીટર પાણી છોડી 250 કરોડ રૂપિયાની વિજળી ઉત્પન્ન કરવામાં આવી છે. 15 દિવસમાં અંદાજિત 35.50 કરોડ યુનિટ ઉત્પન્ન થાય છે. જોકે હજુ પણ ચારે ચાર હાઇડ્રો કાર્યરત છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉકાઈમાં વર્ષે દહાડે હાઇડ્રો મારફતે 1000 કરોડ રૂપિયાની વિજળી ઉત્પન્ન કરવામાં આવે છે.