સુરત: ઉક ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયાના ઉપરવાસમાં ભારે વરસાદને બદલે ડેમમાં અઢી લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તેની સામે ડેમમાંથી અઢી લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના લીધે સુરત જિલ્લા શહેરમાંથી વહેતી તાપી નદી બે કાંઠે થઈ છે સુરત જિલ્લા અને શહેરના નિશાન વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. દરમિયાન સુરત શહેરમાં પણ શવિવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો હોય શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આજે સવારે સુરતના વિસ્તારમાં આવેલા ભગવાન મહાવીર કોલેજ પાસે પાણી ભરાયા હતા. આ તરફ મકાઈ પુલ નાવડી ઓવારાની લગોલગ પાણી પહોંચી ગયા છે.
ઉપરવાસમાં ભારે વરસાદ ને પગલે રવિવારથી જ તેમના પાણીની ખૂબ આવક થઈ રહી છે. હાલમાં ડેમની સપાટી 336 ફૂટને વટાવી ચુકી છે. ડેમમાં હાલમાં 2.47 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તેની સામે ડેમમાંથી 2.47 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
સુરત મહાનગરપાલિકાની અપીલ
ઉપરવાસમાં ભારે વરસાદ હોવાના લીધે ડેમમાંથી મોટા જથ્થામાં પાણી છોડવામાં આવી રહ્યું હોય સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને નદી કિનારે બ્રિજ પર નહીં જવા અપીલ કરવામાં આવી છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા આગામી 72 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી હોય લોકોને કામ વિના ઘરની બહાર નહીં જવા પણ અપીલ કરાય છે.
ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
26 ઓગસ્ટના આજે જન્માષ્ટમીના દિવસે પણ રાજ્યભરમાં અતિ ભારે વરસાદની શક્યતા સાથે ઓરેન્જ એલર્ટ, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ થઈ રહ્યો છે, તેવામાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસને લઈને આગાહી કરી છે, જેમાં 48 કલાક દરમિયાન ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે, ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં જન્માષ્ટમીના પર્વને લઈને લોકમેળો જામે છે, તેમાં વરસાદી વિઘ્ન આવતા ચારેકોર પાણી ભરાયાં હતાં, ત્યારે હજુ પણ આગામી પાંચ દિવસ આ પ્રકારની સ્થિતિ રહેવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.