સુરત શહેરમાં સતત બે દિવસથી વરસાદે પોતાની બેટિંગ યથાવત રાખી છે. બીજી તરફ ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે પણ ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે. જેથી ઉકાઈ ડેમના સત્તાધિશો દ્વારા પણ ગઈકાલે રવિવારે ઇનફ્લો સામે આઉટફલો વધારે રાખી ડેમની સપાટી 344 ફૂટની અંદર લઈ જવાઈ હતી.
મોડીરાત્રે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો હતો અને આજે સોમવારે સવારે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધીને 1.72 લાખ ક્યુસેક પર પહોંચી ગઈ હતી. ઉકાઈ ડેમની સપાટી 344 ફૂટ સુધી જાળવી રાખવા માટે ડેમના સત્તાધિશો દ્વારા સલામતીના ભાગરૂપે 1.72 લાખ ક્યુસેક પાણી છોડવાનું યથાવત રાખ્યું છે. ઉકાઈ ડેમ આ વર્ષે પણ છલોછલ ભરાઈ ગયો છે.
ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે.
જોકે બે દિવસથી ઉકાઈ ડેમમાં પાણીની આવક ઘટી જતા ગઈકાલ સુધીમાં આઉટફલો ઘટાડીને માત્ર 33 હજાર ક્યુસેક સુધી લઈ જવામાં આવ્યો હતો પરંતુ ફરીથી ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ છે, જેથી રવિવારે વહેલી સવારથી જ ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા સતત પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવ્યું છે.
ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા સલામતીના ભાગરૂપે અને ડેમની સપાટી 344 ફૂટ જાળવી રાખવા માટે ઉકાઈ ડેમમાંથી રવિવારે 1.70 લાખ ક્યુસેક પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું.
મોડી સાંજે ઉકાઈ ડેમમાં પાણીની આવક ઘટી હોવા છતાં પણ ડેમની સપાટી જાળવી રાખવા માટે ઉકાઈ ડેમમાંથી સતત 1.70 લાખ ક્યુસેક પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું.
જોકે આ દરમિયાન ફરીથી ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણી છોડવામાં આવ્યું છે. મોડીરાતે ફરીથી ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી ગઈ હતી અને બપોરે 2 વાગે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી ને 1.72 લાખ ક્યુસેક પર પહોંચી જવા પામી છે. તંત્ર દ્વારા હાલમાં પણ ઉકાઈ ડેમમાંથી આવક એટલી જાવકનું વલણ છે. 1.72 લાખ ક્યુસેક પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ઉકાઈ ડેમમાં ગઈ કાલે છોડવામાં આવેલું પાણી આજે તાપી નદીમાં આવી જતા ફરીથી તાપી નદી બે કાંઠે જોવા મળી છે. જેના કારણે કોર્વે ની સપાટીમાં પણ વધારો થયો છે અને હાલમાં કોર્વે 8.52 મીટર પર પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસથી કોઝવે ઓવરફ્લો હોવાના કારણે વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે.