સુરત: છેલ્લાં પંદરેક દિવસથી આખાય દેશમાં સારો વરસાદ પડી રહ્યો છે. સુરતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ વીતેલા બે અઠવાડિયામાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેના લીધે ઉકાઈ ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.
છેલ્લા 14 દિવસમાં જ ઉકાઈ ડેમની સપાટીમાં 3.63 ફૂટનો વધારો થયો છે. હાલમાં ડેમની સપાટી 309.02 ફૂટ પર પહોંચી છે અને હાલ પાણીની આવક 17 હજાર ક્યુસેક અને જાવક 600 ક્યુસેક નોંધાઈ છે.
ઉકાઈના ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત તાપી સંલગ્ન પ્રદેશોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં સરેરાશ 200 મિમી વરસાદ નોંધાયો છે. જેમાં સેલગામમાં 42 મિમી, નરેનમાં 64 મિમી પડયો છે. આગામી દિવસમાં ઉપરવાસના આ ક્ષેત્રોનું વરસાદી પાણી ઉકાઈ ડેમમાં ઠલવાશે ત્યારે ડેમની સપાટીમાં હજુ વધારો નોંધાશે.
સુરત શહેરમાં સવારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા
આજે તા. 11 જુલાઈની સવારે સુરત શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જેના લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. શહેરના ડભોલી ખાતે આવેલા હરિદર્શનના ખાડા વિસ્તારમાં ફરી પાણી ભરાયા હતા. જેના લીધે સ્કૂલ જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેકોવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા અહીં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી નથી.