સુરત (Surat): મહારાષ્ટ્રમાં (Maharashtra) ભારે વરસાદને (Heavy Rain) પગલે ઉકાઈ ડેમમાં (Ukai Dam) પાણીની આવકમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ડેમનું રૂલ લેવલ 335 ફૂટ પર જાળવી રાખવા તંત્ર દ્વારા 36 કલાકથી સતત પોણા બે લાખ ક્યૂસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, તેમ છતાં ઉકાઈ ડેમની સપાટીએ રૂલ લેવલ વટાવી દીધું છે. રૂલ લેવલ 335 ફૂટ છે, પરંતુ હાલ ઉકાઈ ડેમ 335.62 ફૂટ પર વહી રહ્યો છે. એટલે કે રૂલ લેવલથી ઉપર પાણી વહી રહ્યું છે. સાંજે 4 વાગ્યાની સ્થિતિ અનુસાર ઉકાઈ ડેમમાં 2.31 લાખ ક્યૂસેક પાણીની આવક છે, તેની સામે 1.84 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું હોવાના લીધે તાપી છલકાઈ છે. રિવરફ્રન્ટ પર પાણી ભરાઈ ગયા છે. તાપી નદીના 2 ફલડ ગેટ બંધ કરી દેવાયા છે. અડાજણના રેવાનગરમાં 60 લોકોનું સ્થળાંતર કરી દેવાયું છે.
તા. 12-8-2022: બપોરે 4 કલાકની સ્થિતિ
- ઉકાઈનું રૂલ લેવલ : 335 ફૂટ
- ડેમની હાલની સપાટી: 335.62 ફૂટ
- ઉકાઈમાં ઈનફલો: 231935
- ઉકાઈનો આઉટફલો: 184260
- કોઝવેની સપાટી : 9.26 મીટર
મહારાષ્ટ્ર તથા મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ પડતા ઉકાઈ ડેમમાં આજે શુક્રવારે સવારે નવા પાણીની આવક 3.26 લાખ ક્યુસેક સુધી પહોંચી ગઈ હતી. આ સાથે જ ડેમની જળ સપાટી 335 ફૂટ રૂલ લેવલને પાર કરી જતા ડેમના 12 દરવાજા 9 ફૂટ સુધી ખુલ્લા મુકીને 1.84 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમના સૂત્રોએ જણાવ્યા મુજબ, ઉપરવાસમાં મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્ર સંલગ્ન વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. તેથી તાપી નદીમાં જંગી માત્રામાં પાણીની આવક થઈ રહી હોવાથી મહારાષ્ટ્રના હથનૂર ડેમની સપાટી 210 મીટરને વટાવી જતા હથનૂરના તમામ 36 દરવાજા ખુલ્લા મુકી 1.22 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવતા અને ઉકાઈના કેચમેન્ટ એરિયામાં વરસાદ પડતા ઉકાઈમાં
પાણીની આવકની વધીને 2.31 લાખ ક્યુસેક પાણી વહી 3.26લાખ ક્યુસેક નોંધાઈ રહ્યું છે. ઉકાઈનું આજનું રૂલ લેવલ 335 ફૂટ હોવાથી ડેમમાંથી 1.84 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું. છે. તેથી ઉકાઈની સપાટી 335.62 ફૂટ નોંધાઈ છે. ઉકાઈ ડેમમાંથી 1.84 લાખ ક્યુસેક પાણી છોડાતા તાપી નદી છલકાઈ થઈ છે અને કોઝવે ખાતે તાપીની સપાટી 9.26 મીટર નોંધાવા સાથે કોઝવે ઓવરફલો થયો છે. વિયર કમ કોઝવે ખાતે આજે સવારે તાપીની જળ સપાટી 9.26 મીટર નોંધાતા સુરત મહાનગર પાલિકા દ્વારા તાપી નદીના પાણી ગટરમાં બેક મારે નહીં તે માટે મક્કાઈ પુલ તથા રાંદેર હનુમાન ટેકરીના ફલડ ગેટ બંધ કરવામાં આવ્યા છે. તાપી નદી વધુ એકવાર બે કાંઠે વહેતી થતાં ઠેર ઠેર લોકો તાપી નદીનો નજારો જોવા નીકળી પડ્યા હોવાના પણ અહેવાલો સાંપડી રહ્યા છે.
પ્રકાશામાંથી 2.62 લાખ અને હથનુર ડેમમાંથી 1.15 લાખ ક્યૂસેક પાણી છોડાયું
તાપી નદીના ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા કેચમેન્ટ એરિયામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે. તેથી ડેમની સપાટી સડસડાટ વધી રહી છે. આજે સવારે હથનુર ડેમમાંથી 1,15,869 ક્યૂસેક અને પ્રકાશા ડેમમાંથી 2,62,531 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું, જે બધું ઉકાઈ ડેમમાં ઠલવાયું હતું, જેના પગલે આજે સવારે એક તબક્કે ઉકાઈ ડેમમાં ઈનફલો 3.26 લાખ ક્યૂસેક પાણીની આવક નોંધાઈ હતી.