સુરત: ઉપરવાસમાં ભારે વરસાદને (Heavy Rain) પગલે સુરતની (Surat) જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં (Ukai Dam) પાણીની આવક ઉત્તરોત્તર વધી રહી છે. ડેમમાં પાણીની સપાટી ડેનજર લેવલ 345 ફૂટની નજીક પહોંચી ગઈ છે, જેના લીધે તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ગયા શનિવારથી આજે સોમવાર સુધીમાં તંત્ર દ્વારા સતત ડેમની સપાટીનું મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે અને પાણી છોડવાના નિર્ણયો સતત બદલવામાં આવી રહ્યાં છે. આજે 1.25 લાખ ક્યૂસેકથી 1.50 લાખ ક્યૂસેક પાણી ઉકાઈમાંથી છોડવાનું નક્કી કરાયું છે.
હાલના વરસાદમાં ડેમને ભરતા રહેનાર તંત્રએ આખરે ઉકાઇ ડેમના કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાં ફરી વરસાદની આગાહી થતાં ઉકાઇ ડેમમાં પાણીની આવક વધી જતાં 10 દરવાજા ખોલીને શનિવારે 98500 ક્યુસેક પાણી છોડવું પડ્યું હતું. ત્યારે રવિવારે પાણી છોડવાની માત્રા ઘટાડીને 35 હજાર ક્યુસેક કરાયા બાદ મોડીરાત્રે ફરી 10 કલાકે 6 દરવાજા ખોલીને 70 હજાર કયુસેક પાણી છોડવું પડ્યું હતું. જોકે, સોમવારે ફરી એકવાર ડેમમાં પાણીની આવક વધતા અને સપાટી ડેન્જર લેવલની નજીક પહોંચતા તંત્રએ વધુ પાણી છોડવાનો નિર્ણય લીધો છે. સોમવારથી તંત્ર દ્વારા 1.50 લાખ ક્યૂસેક પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- સોમવારે સવારે 1.25 લાખ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું હતું, જે બપોરે 12 વાગ્યા બાદ 1.50 લાખ ક્યૂસેક કરવામાં આવી રહ્યું છે. હાલ ડેમની સપાટી 342.25 ફૂટ છે, જે ડેનજર લેવલ 345 ફૂટથી 2.75 ફૂટ ઓછી છે
ઉપરવાસમાં વરસાદને પગલે ઉકાઈ ડેમની સપાટી વધી રહી છે. ડેમનું ડેન્જર લેવલ 345 ફૂટ છે. છેલ્લાં બે દિવસથી વત્તાઓછી માત્રામાં પાણી છોડીને ડેમની સપાટી 342 અને 343 ફૂટની વચ્ચે જાળવવામાં આવી રહી છે. રવિવારે ડેમની સપાટી 342.53 પર પહોંચી ગઈ હતી, જેના પગલે વધુ માત્રામાં પાણી છોડવાનું નક્કી કરાયું હતું. સોમવારે સવારે 1.25 લાખ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું હતું, જે બપોરે 12 વાગ્યા બાદ 1.50 લાખ ક્યૂસેક કરવામાં આવી રહ્યું છે. હાલ ડેમની સપાટી 342.25 ફૂટ છે, જે ડેનજર લેવલ 345 ફૂટથી 2.75 ફૂટ ઓછી છે.
જ્યારે હથનુર ડેમની સપાટી 213 મીટર અને ડિસ્ચાર્જ 24961 ક્યુસેક છે. નોંધનીય છે કે પાણીની આવક વધશે તો 98 હજાર ક્યુસેક છોડાશે, તેવી તૈયારી કરવામાં આવી છે. વિતેલા 24 કલાકમાં ઉપરવાસમાં સરેરાશ 16.10 મીમી વરસાદ વરસ્યો છે.
નોંધનીય છે કે, હવામાન વિભાગે ઉપરવાસમાં વરસાદની આગાહી કરી છે. હાલ ડેમ પહેલાથી જ રૂલ લેવલથી માત્ર અઢી ફૂટ નીચે છે. પરંતુ સામે મોટું જોખમ છે. 345 ફૂટે ડેમ છલોછલ ભરાઈ જાય છે અને ત્યાર પછી પરિસ્થિતિ કાબૂ બહાર જઈ શકે તેવી શક્યતા રહે છે. તેને કારણે તંત્રએ હવે દોડવાની ફરજ પડી છે દરમિયાન છેલ્લાં બે દિવસથી છોડાયેલા પાણીના કારણે રવિવારે તાપી નદી છલોછલ વહેતી નજરે પડી હતી.