વર્ષ ૨૦૨૦માં કોરોનાવાયરસના રોગચાળાએ દુકાનો અને રેસ્ટોરાંઓ બંધ કરાવી દેતા, પ્રવાસન ઉદ્યોગનો દાટ વાળી દેતા અને ઉત્પાદનમાં કાપ મૂકાવતા બ્રિટિશ અર્થતંત્રમાં ૩૦૦ વર્ષ કરતા વધુ સમયનું સૌથી મોટું સંકોચન નોંધાયું છે.
ગયા વર્ષે બ્રિટનનું અર્થતંત્ર ૯.૯ ટકાના દરે સંકોચાયું હતું, જે ૨૦૦૯માં વૈશ્વિક નાણાકીય કટોકટીની ઉંચાઇએ થયેલા સંકોચન કરતા બમણો આંકડો છે એમ ઓફિસ ઓફ નેશનલ સ્ટેટિસ્ટિક્સ(એેનએસઓ) દ્વારા આજે જણાવવામાં આવ્યું હતું. આ ઘટાડો એ વર્ષ ૧૭૦૯માં બ્રિટનનાં અર્થતંત્રમાં થયેલા ઘટાડા પછીનો સૌથી મોટો ઘટાડો છે, જે વર્ષમાં ગ્રેટ ફ્રોસ્ટ નામે ઓળખાવાયેલા એક સખત ઠંડીના મોજાએ તે સમયના બ્રિટનના વ્યાપકપણે ખેતી પર આધારિત અર્થતંત્રને મોટો ફટકો માર્યો હતો.
આ આંકડા એવા સમયે આવ્યા છે કે જ્યારે બ્રિટનનું અર્થતંત્ર કોવિડ-૧૯ સામે લડવા માટેના નિયંત્રણોને કારણે હચમચેલું છે. આ અર્થતંત્રમાં ચોથા ત્રિમાસિક ગાળામાં ફરીથી વેગ પણ આવ્યો હતો પરંતુ બદલાયેલા પ્રકારના વાયરસનું મોજું આવ્યા બાદ બ્રિટનમાં લાદવા પડેલા ત્રીજા લૉકડાઉનને કારણે આ વધારો પણ ધોવાઇ ગયો.
બ્રિટનના ત્રીજા લૉકડાઉનમાં ડીસેમ્બરથી શાળાઓ, રેસ્ટોરાંઓ અને બિન-આવશ્યક દુકાનો બંધ છે. ઉત્તર આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સમાં તો કડક નિયંત્રણો અમલમાં છે. કોવિડ-૧૯ના રોગચાળાએ બ્રિટનના અર્થતંત્રને અન્ય કેટલાક ઔદ્યોગિક લોકશાહી દેશો કરતા વધુ સખત અસર કરી છે.
ગયા વર્ષમાં ફ્રાન્સનો જીડીપી ૮.૩ ટકા, જર્મનીનો પ ટકા અને અમેરિકાનો ૩.પ ટકા સંકોચાયો હતો. દરમ્યાન, યુકેના નાણા મંત્રી ઋષિ સુનાકે જણાવ્યું છે કે યુકેના અર્થતંત્રમાં ફરીથી સુધારો થવાના સંકેત દેખાઇ રહ્યા છે અને તેમણે જણાવ્યું હતું કે શિયાળા પછી દેશના અર્થતંત્રમાં વિકાસ દેખાઇ શકે છે.