National

ઉજ્જૈનઃ અયોધ્યા મોકલવામાં આવશે 5 લાખ લાડુ, CM મોહન યાદવ પોતે પેકિંગ કરતા જોવા મળ્યા

ઉજ્જૈનઃ (Ujjain) અયોધ્યામાં રામ મંદિરના (Ram Temple) અભિષેકનો સમય નજીક આવી ગયો છે. ત્યારે ઉજ્જૈનમાં પણ અભિષેકનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં 5 લાખ લાડુ તૈયાર કરવામાં આવી રહ્યા છે જેને અયોધ્યા મોકલવામાં આવશે. મધ્યપ્રદેશના સીએમ ડો. મોહન યાદવે અયોધ્યા મોકલવામાં આવનાર 5 લાખ લાડુની તૈયારી અને પેકિંગનું નિરીક્ષણ કર્યું હતુ. મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે પોતે પણ લાડુ બનાવવામાં અને પેકિંગમાં ભાગ લીધો હતો.

મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન ડો. મોહન યાદવે કહ્યું કે ભગવાન ફરીથી મુખ્ય ગર્ભગૃહમાં પ્રવેશ કરશે. અમે ઉજ્જૈન અને અયોધ્યા વચ્ચેના હજારો વર્ષ જૂના સંબંધોને પુનર્જીવિત કરવા માંગીએ છીએ. એટલા માટે અમે 5 લાખ લાડુ અયોધ્યા મોકલવાના છીએ. 4 લાખ લાડુ તૈયાર કરવામાં આવ્યા છે. અમે 21મી જાન્યુઆરી સુધીમાં તમામ લાડુ તૈયાર કરી મોકલી દઈશું. હું 22 જાન્યુઆરીએ ચિત્રકૂટમાં હોઈશ અને અમારા રાજ્યમાંથી દૈવી ઘટનાનો સાક્ષી બનીશ.

મુખ્ય પ્રધાન ડો. મોહન યાદવ ચિંતામણ સ્થિત મહાકાલેશ્વર પ્રબંધન સમિતિના લાડુ પ્રસાદ ઉત્પાદન એકમ પર પહોંચ્યા અને અયોધ્યા માટે બનાવવામાં આવતા લાડુના ઉત્પાદન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું. મુખ્યમંત્રી ડો. યાદવે પોતે લાડુ બનાવ્યા અને પેક કર્યા અને લાડુ બનાવતા કારીગરો સાથે પણ વાત કરી.

મેનેજિંગ કમિટીના એડમિનિસ્ટ્રેટર સંદીપ સોનીએ જણાવ્યું કે ચણાના લોટ, રવા, શુદ્ધ ઘી અને ડ્રાયફ્રૂટ્સમાંથી લાડુનો પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે. લાડુનો પ્રસાદ બનાવવા માટે વધારાના કારીગરો અને કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આ લાડુને પેકેટમાં પેક કરીને અયોધ્યા મોકલવામાં આવશે, એક લાડુનું વજન અંદાજે 50 ગ્રામ છે.

જણાવી દઈએ કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં અભિષેકનો કાર્યક્રમ છે. હિંદુ કેલેન્ડર મુજબ, 22 જાન્યુઆરી એ પોષ મહિનાના શુક્લ પક્ષની દ્વાદશી તિથિ છે. સવારે 8.47 વાગ્યા સુધી નક્ષત્ર મૃગાશિરા અને યોગ બ્રહ્મ છે, ત્યારબાદ ઈન્દ્રયોગ થશે. જ્યોતિષના મતે 22મી જાન્યુઆરીએ કર્મ દ્વાદશી છે. આ દ્વાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ધાર્મિક ગ્રંથો અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુએ કાચબાનો અવતાર લીધો હતો અને સમુદ્ર મંથનમાં મદદ કરી હતી. ભગવાન શ્રી રામ ભગવાન વિષ્ણુના અવતાર છે તેથી આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ દિવસને રામ મંદિરના ઉદ્ઘાટન માટે પસંદ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top