સુરતઃ ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તથા ગુજરાતના રેનગેજ સ્ટેશનોમાં વિતેલા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં ઉકાઈ ડેમમાં જ 5 ઇંચ, ચાંદપુરામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉકાઈ ડેમમાં આજે સવારથી 1.63 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. જોકે ઉકાઈ ડેમનો રૂલ લેવલ 333 ફૂટ હોવાથી હાલ ડેમને ભરવા દેવામાં આવી રહ્યો છે. અત્યારે ઉકાઈ ડેમની સપાટી 315.37 ફૂટ નોંધાઈ છે.
ગઈકાલે રાત્રે વરસાદે જિલ્લામાં કહેર વર્તાવ્યો હોય તેવી સ્થિતિ સર્જાય છે. માત્ર ઉમરપાડામાં જ રાત્રે 7.5 ઇંચ વરસાદ ચાર કલાકમાં નોંધાયો છે. આ સિવાય પલસાણામાં 5 ઇંચ, બારડોલીમાં સાડા ચાર ઇંચ અને માંગરોળમાં પણ 5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાયના તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ ગઈકાલે રાત્રે ચાર કલાકમાં પડી ગયો હતો.
ઉપરવાસમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો? (મી.મી.માં)
ચીકલધરા 72.20
ટેસ્કા 12.80
ભખપુરી 35.40
કુરાનખેડા 44.40
ગોપાલખેડા 27.60
અકોલા 27
દેડતલાઈ 14.40
વાનખેડ 22.60
લુહારા 32.60
યેરલી 28
હથનુર 19.60
તલસવાડા 27
ભુસાવલ 19.60
ધુલિયા 13
ગીધાડે 13.60
સારંગખેડા 18.40
સિંધખેડા 59
ચાંદપુર 105.40
અકલકુવા 23.50
ઉકાઈ 120
કુકરમુંડા 48
ચોપડાવવા 33
કાકડીયામ્બા 77
દક્ષિણ ગુજરાત ઉપરાંત ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે ઉકાઈ ડેમમાં ઈનફલો એકાએક વધ્યો છે. ગઈકાલે તા. 23 જુલાઈની રાત્રિના 10 વાગ્યે ઈનફલો 20,906 ક્યૂસેક હતો જે આજે તા. 24 જુલાઈની સવારે 6 વાગ્યે વધીને 31,206 ક્યૂસેક પર પહોંચ્યો હતો. તેનો અર્થ કે રાત્રિના સમયે ઉપરવાસમાં અતિભારે વરસાદ વરસ્યો છે. ત્યાર બાદ સવારે 8 કલાકે 71,917 ક્યૂસેક અને 10 કલાકે ઉકાઈ ડેમમાં ઈનફલો એકાએક વધીને 1,58,242 ક્યૂસેક પર પહોંચ્યો હતો. તેના પગલે રાત્રિના 10થી સવારના 10 વાગ્યા દરમિયાનના માત્ર 12 કલાકમાં ઉકાઈ ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો હતો. સવારે 10 વાગ્યે ઉકાઈ ડેમની સપાટી 315.07 નોંધાઈ હતી, જે તા. 23 જુલાઈની રાત્રિના 10 વાગ્યે 314.46 ફૂટ હતી. જોકે, હાલ ઉકાઈમાંથી આઉટફલો માત્ર 600 ક્યૂસેક જ છે.