સુરત: ઉધનામાં (Udhana) રહેતા યુવકની તેના હમવતનીએ જૂના ઝઘડાની અદાવતમાં હત્યા (Murder) કરી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસ (Police) સ્ટેશનમાં નોંધાઈ હતી. મૃતકે લોકડાઉન વખતે તેમના ગામમાં આરોપીની અન્ય મહિલા સાથે આડાસંબંધ હોવાની વાત ફેલાવી હતી. તેની આદવત રાખીને મૃતકને વારંવાર મારી નાંખવાની ધમકી આપતાં ગઈકાલે હત્યા કરી હતી.ઉધનાના હરિનગર ધર્મીયુગ સોસાયટીમાં રહેતી 22 વર્ષીય બબીતાબેને ખટોદરા પોલીસ સ્ટેશનમાં સુકુટા પ્રના નાઈકના વિરુદ્ધ તેના પતિ મનોજકુમાર સ્વાઈનની હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. મનોજ નોનવેજની દુકાનમાં કામ કરતો હતો. ગઈકાલે રાત્રે બબીતાએ પતિ મનોજને વિડીયો કોલ કરી ક્યારે ઘરે આવશે તે અંગે પૂછતાં કામ પતાવીને આવું છું તેમ કહ્યું હતું. રાત્રે 11 વાગ્યા સુધી ઘરે નહીં આવતાં બબીતાએ ઘણા ફોન કર્યા પણ મનોજે ફોન ઉપાડ્યો નહોતો.
ઘણા ફોન કર્યા પણ મનોજે ફોન ઉપાડ્યો નહોતો
દરમિયાન રવિવારે સવારે મનોજકુમારની લાશ દિવ્યાનંદ ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીના મેઈન રોડ પર મળી આવી હતી. જેથી તેનો મૃતદેહ નવી સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં પોલીસે તેના ફોન પરથી પત્ની બબીતાનો સંપર્ક કરીને બનાવની જાણ કરી હતી.મનોજકુમાર અને તેના વતનમાં રહેતા સુકુટા નાઈક સાથે લોકડાઉન વખતે ઝઘડો થયો હતો. સુકુટાનો કોઈ મહિલા સાથે આડા સંબંધ હતો.
માથામાં, ચહેરા પર અને શરીરના ભાગે માર મારી હત્યા કરી
આ અંગે મનોજકુમારે બંને એક જ ગામના હોવાથી ગામમાં આ વાત બધાને કહી દીધી હતી. ત્યારથી બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો. અને સુકુટા વારંવાર મનોજને મારી નાંખવાની ધમકી આપતો હતો. દરમિયાન ગઈકાલે રાત્રે સુકુટાએ તેની સાથે અન્ય ત્રણ જણાને બોલાવી મનોજને માથામાં, ચહેરા પર અને શરીરના ભાગે માર મારી હત્યા કરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.