ઉદયપુર: (Udaipur) રાજસ્થાનના ઉદયપુરમાં મંગળવારે એક દુકાનદારની હત્યા (Murder) કરવામાં આવી હતી. 10 દિવસ પહેલાં નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ (Social Media Post) કરનાર એક વ્યક્તિનું મર્ડર કરી દેવાયું હતું. હત્યારાઓએ હત્યાની ઘટનાનો લાઈવ વીડિયો બનાવ્યો હતો. ઉશ્કેરણીજનક નિવેદન સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. યુવકની હત્યા બાદ શહેરમાં બનેલી તંગ પરિસ્થિતિને જોતા મુખ્યમંત્રી અશોક ગેહલોતે શાંતિ જાળવવા અપીલ કરી છે. બીજી તરફ ઉદયપુર હત્યાકાંડમાં રાજસ્થાન પોલીસને મોટી સફળતા મળી છે. હત્યાકાંડનો વીડિયો જોઇ બંને આરોપી મોહમંદ ગૌસ અને રિયાઝ અંસારીની ધરપકડ કરી લેવામાં આવી છે. બંને હત્યારા રાજસંમદ જિલ્લાના ભીમથી પકડાયા છે.
નુપુર શર્માના સમર્થક કન્હૈલાલની હત્યા બાદ ઉદયપુરમાં હંગામો શરૂ થયો છે. કન્હૈલાલના હત્યારાઓની ધરપકડની માંગ સાથે સેંકડો લોકો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એક-બે જગ્યાએ આગચંપીના બનાવો પણ નોંધાયા છે. માલદાસ બજારમાં દુકાનો બંધ કરી દેવામાં આવી છે. બીજી તરફ પોલીસ દ્વારા શહેરમાં ઈન્ટરનેટ સેવા પણ 24 કલાક માટે બંધ કરી દેવામાં આવી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે શહેરમાં મોટી સંખ્યામાં પોલીસ દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે. દરજીની હત્યા બાદ ઉદયપુરમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે.
ઉદયપુરમાં કન્હૈયાલાલ તેલીની ધાનમંડી સ્થિત ભૂતમહેલની પાસે સુપ્રીમ ટેલર્સ (Supreme Tailor) નામની દુકાન છે. મંગળવારે બપોરે લગભગ અઢી વાગ્યાના સુમારે બાઈક પર બે બદમાશો આવ્યા હતા. માપ આપવાના બહાને દુકાનમાં પ્રવેશ્ય હતા. કન્હૈયાલાલ કંઈ સમજે તે પહેલા બદમાશોએ હુમલો કરી દીધો હતો. એક પછી એક તેના પર અડધો ડઝનથી વધુ ઘા મારવામાં આવ્યા હતા. ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું. ઘટનાને અંજામ આપ્યા બાદ બંને બદમાશ ફરાર થઈ ગયા હતા.
જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા કન્હૈયાલાલ ટેલરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે નુપુર શર્માના વિવાદાસ્પદ નિવેદનનું સમર્થન કર્યું હતું. જેને લઈને મુસ્લિમ સમાજના લોકોમાં રોષ જોવા મળ્યો હતો. કન્હૈયાલાલની હત્યા બાદ સોશિયલ મીડિયા પર બે વીડિયો વાયરલ થઈ રહ્યા છે. એકમાં તો હત્યારાઓએ હત્યાનો લાઈવ વીડિયો બનાવ્યો છે. આમાં કન્હૈયાલાલ દયા કરવા આજીજી કરી રહ્યા છે. બીજા વીડિયોમાં બંને યુવકો હત્યાની જવાબદારી લઈ રહ્યા છે. એવી ધમકીઓ પણ આપવામાં આવી છે કે ‘ઉદયપુર કે લોગો, પયગંબર કી શાનમેં ગુસ્તાખી કી એક હી સજા, સર તન સે જુદા’
મુખ્યમંત્રી અશોક ગેહલોતે શાંતિ જાળવવા અપીલ કરી
‘હું ઉદયપુરમાં યુવકની જઘન્ય હત્યાની નિંદા કરું છું. આ ઘટનામાં સંડોવાયેલા તમામ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસ ગુનાની જડ સુધી જશે. હું તમામ પક્ષોને શાંતિ જાળવવા અપીલ કરું છું. આવા જઘન્ય અપરાધમાં સામેલ દરેક વ્યક્તિને કડકમાં કડક સજા આપવામાં આવશે. ગેહલોતે શાંતિ જાળવવા અને વીડિયો વાયરલ ન કરવા અપીલ કરી છે. તેણે કહ્યું, ‘હું દરેકને અપીલ કરું છું કે આ ઘટનાનો વીડિયો શેર કરીને વાતાવરણને બગાડવાનો પ્રયાસ ન કરો. વીડિયો શેર કરીને સમાજમાં નફરત ફેલાવવાનો ગુનેગારનો હેતુ સફળ થશે.